કોહલીને 20 લાખ રૂપિયામાં મળ્યો ‘મેચવિનર’: 49 બોલમાં ઝૂડ્યા 104 રન

09 April 2021 05:26 AM
Sports
  • કોહલીને 20 લાખ રૂપિયામાં મળ્યો ‘મેચવિનર’: 49 બોલમાં ઝૂડ્યા 104 રન

પ્રેક્ટિસ મેચમાં રજત પાટીદારે ટીમ બેંગ્લોરના તમામ બોલરોને ધોઈ નાખ્યા: મેક્સવેલે પણ 31 બોલમાં 44 રન બનાવ્યા

નવીદિલ્હી, તા.8
આઈપીએલ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક મોટો મેચ વિનર ખેલાડી મળ્યો છે. ડાબોડી બેટસમેન રજત પાટીદારે પ્રેક્ટિસ મેચમાં જોરદાર બેટિંગ કરી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.

રજતે પ્રેક્ટિસ મેચમાં માત્ર 49 બોલમાં 104 રન ઝૂડી કાઢ્યા હતા. પાટીદારે બેંગ્લોરના લગભગ તમામ બોલરોને ધોઈ નાખી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો.રજત પાટીદારની ધમાકેદાર ઈનિંગની મદદથી તેની ટીમે 226 રનના લક્ષ્યાંકને 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ગ્લેન મેક્સવેલે પણ 31 બોલમાં 44 રન બનાવ્યા હતા. રજતને બેંગ્લોરે આ સીઝનમાં માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદયો છે.

રજત મધ્યપ્રદેશ માટે છેલ્લા ઘણા સમયથી ત્રણેય ફોર્મેટની ઘરેલું ટૂર્નામેન્ટ રમી રહ્યો છે અને ત્રણેયમાં તેનું પ્રદર્શન ઉમદા રહ્યું છે. તેણે 36 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2253 રન બનાવ્યા છે. લિસ્ટ ‘એ’માં તેના બેટસમાંથી 35.6ની સરેરાશથી 1246 રન નીકળ્યા છે જ્યારે ટી-20માં તેણે 35 રનની સરેરાશથી 699 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 143.5નો છે. હવે આવતીકાલે બેંગ્લોરનો મુંબઈ સામે મુકાબલો છે ત્યારે રજતને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે કેમ તેના ઉપર સૌની નજર રહેશે.


Related News

Loading...
Advertisement