સાંજથી ક્રિકેટ ધમાસાણ: મુંબઈ-બેંગ્લોર વચ્ચે પ્રથમ મુકાબલો

10 April 2021 12:09 AM
Sports
  • સાંજથી ક્રિકેટ ધમાસાણ: મુંબઈ-બેંગ્લોર વચ્ચે પ્રથમ મુકાબલો

કોરોના કાળને કારણે દર્શકો નહીં હોય છતાં ક્રિકેટ રસીયાઓમાં જોશ અકબંધ : બેંગ્લોરમાં મેકસવેલ-કોહલી-ડીવિલીયર્સ પર નજર રહેશે છતાં મુંબઈ ઈન્ડીયન્સમાં રોહીત ઉપરાંત પંડયા બંધુ- બુમરાહ કમાલ કરશે : મુંબઈ છઠ્ઠી વખત ચેમ્પીયન બનવા તથા ટાઈટલની હેટ્રીક કરવાના ઈરાદા સાથે ઉતરશે

મુંબઈ તા.9
ફટાફટ ક્રિકેટની રોમાંચક ટુર્નામેન્ટ આઈપીએલનો આજે સાંજથી પ્રારંભ થઈ રહ્યો છે. ગત સિઝનની ચેમ્પીયન મુંબઈ ઈન્ડીયન્સ તથા વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ ટકકર થશે. કોરોનાના કોહરામ વચ્ચે આઈપીએલ ટુર્નામેન્ટની સુરક્ષા માટે જડબેસલાક ગોઠવણો કરવામાં આવી જ છે. દર્શકો વિના જ ટુર્નામેન્ટ રમાવાની છે છતાં દેશના લાખો ક્રિકેટ રસીયાઓનો જોશ અકબંધ છે. સાત સપ્તાહ ચાલનારી ટુર્નામેન્ટમાં છકકા-ચોકકા સાથે રનોની આતશબાજી તથા યોર્કર જેવી બોલરોની બોલીંગ કમાલ જોવા મળશે. ક્રિકેટ જગતમાં નવી પ્રતિભાઓનો પણ ઉદય થશે. આઈપીએલનો આજનો પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડીયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. કોરોના મહામારીને કારણે સ્ટેડીયમમાં પ્રવેશ ન મળવા છતા ટીવી મારફત ક્રિકેટ રસીયાઓનું ભરપુર મનોરંજન શકય બનશે.


આઈપીએલમાં પણ કોરોનાનો પડછાયો પડયો જ છે. ટુર્નામેન્ટના પ્રારંભ પૂર્વે જ અમુક ખેલાડીઓ કેટલોક ગ્રાઉન્ડ સ્ટાફ તથા પ્રસારણ કંપનીના કેટલાક કર્મચારીઓ સંક્રમીત માલુમ પડયા હોવાથી આયોજકો વધુ એલર્ટ બન્યા છે. બાયોબબલ જેવી સુરક્ષા ગોઠવણો કરવામાં આવી હતી. ગત વર્ષે યુએઈમાં સફળતાપૂર્વક આયોજન થયુ હતું તે જ ધોરણે આ વર્ષે ભારતમાં પાર પાડવાનો આશાવાદ છે.


આજે પ્રથમ મુકાબલામાં સામેલ મુંબઈ ઈન્ડીયન્સ અત્યાર સુધીમાં પાંચ વખત ચેમ્પીયન થઈ છે. છઠ્ઠી વખત ટાઈટલ જીતવાના ટારગેટ સાથે મેદાને ઉતરશે. 2019 અને 2020 એમ સળંગ બે વર્ષ ચેમ્પીયન થઈ હોવાથી હેટ્રીક કરવાનો ઈરાદો રાખશે. ટીમમાં રોહીત શર્મા, ડીકોક જેવા ધુઆદાર ઓપનીંગ બેટસમેન છે. ઈશાન કીશન, સૂર્યકુમાર યાદવ જેવા પોતાના ખભ્ભે ઉંચકી શકવા સક્ષમ છે. જયારે અંતિમ ઓવરોમાં રનોની આતશબાજીની જવાબદારી હાર્દિક-કુણાલ પંડયા હસ્તક રહેશે. તોફાની બેટીંગ કરવા સજજ હશે.


બીજી તરફ બોલીંગ મોરચાની જવાબદારી બોલ્ટ અને બુમરાહ પર હશે. સાથોસાથ રાહુલ ચહર જેવા બોલર પણ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં મહાન બેટસમેન વિરાટ કોહલી છે. ભલે અત્યાર સુધી ચેમ્પીયન બની શકી નથી. આ વખતે તગડી રકમ ચૂકવીને સ્ફોટક બેટસમેન મેકસવેલને લીધો હોવાથી તેના પર નજર રહેશે. દેવદત પડીકલે ગત સીઝનમાં ધ્યાન ખેંચ્યુ હતું એટલે તેના પર પણ નજર રહેશે. સદાબહાર ડીવિલીયર્સ ફોર્મમાં રહેશે તો હરિફ છાવણીની બોલીંગના ચિથરા ઉડાવી શકશે. બેંગ્લોરની બેટીંગ સ્ટ્રેન્થ જબરસ્ત છે પરંતુ બોલીંગ મોરચે નબળી છે કોઈ ખતરનાક બોલર ટીમ પાસે નથી. મોહમ્મદ સિરીજ, નવદીપ સૈની, ચહલ પર નજર રહેશે.


બેંગ્લોરની ટીમ
વિરાટ કોહલી, ડીવિલીયર્સ, દેવદત પડિકકલ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, રીચાર્ડસન, વોશિંગ્ટન સુંદર, પવન દેશપાંડે, ડીન એલાન, શાહબાઝ અહમદ, નવદીપ સૈની, અડમ ઝંપા, ગ્લેન મેકસવેલ, રજત પાટીદાર, સચીન બોબી, અઝહરૂદીન, ક્રિસ્ટીયન, કે.એસ.ભરત, પ્રભુ દેસાઈ, હર્ષદ પટેલ


મુંબઈની ટીમ
રોહીત શર્મા, એડમ મિલાન, આદીત્ય તારે, અનમોલપ્રિત સિંહ, અનુકુલ રોય, અર્જુન તેંડુલકર, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડયા, ઈશાન કિશન, નિશમ, જસપ્રીત બુમરાહ, પોલાર્ડ, જયંત યાદવ, કુણાલ પંડયા, પિયુષ ચાવલા, ડીકોક, સૂર્યકુમાર યાદવ, રાહુલ ચહર, સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ, ટ્રેંટ બોલ્ટ.


રેકોર્ડઝ પર નજર
આઈપીએલની દર સિઝનમાં જુના રેકોર્ડ તૂટે છે અને નવા વિક્રમો સર્જાય છે. છતા કેટલાંક રેકોર્ડ એવા છે જેને તોડવાનું સહેલુ નથી. રેકોર્ડનાં બાદશાહ ગણાતા ક્રિસ ગેઈલ સહીતનાં અમુક ક્રિકેટર્સના વિક્રમો પર એક નજર રસપ્રદ બનશે.


પાંચ સદી
2016 ની આઈપીએલ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં ખેલાડીઓએ પાંચ સદી ફટકારી હતી. કોઈપણ ટીમનાં ખેલાડીઓ દ્વારા સર્વાધિક સદીનો આ રેકોર્ડ છે.


182.33 ની સ્ટ્રાઈક રેટ
આંદ્રે રસેલે 74 આઈપીએલ મેચોમાં 182.33 ની સ્ટ્રાઈક રેટથી 1517 રન બનાવ્યા છે. આઈપીએલમાં 500 થી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં રસેલની સ્ટ્રાઈક રેટ સૌથી વધુ છે.


6.24 ઈકોનોમી રેટ
ફટાફટ ક્રિકેટમાં રનોની આતશબાજીની જ બોલબાલા હોય છે. તેવા સમયે સૌથી કરકસરયુકત બોલીંગનો રેકોર્ડ રશીદખાનનાં નામે છે. 62 મેચોમાં 6.24 ની ઈકોનોમી નેટ સાથે 75 વિકેટ લીધી છે. 50 થી વધુ વિકેટ લેનારા બોલરોમાં આ સૌથી શ્રેષ્ઠ ઈકોનોમી નેટ છે.


રન ચેઈઝ
200 થી વધુ રનનો ટારગેટ ચેઈઝ કરીને જીત મેળવનારી ટીમોનો રેકર્ડ ચેન્નાઈ સુપરકીંગ તથા પંજાબ કીંગ્ઝના નામે છે. બન્નેએ 200 થી વધુન જુમલા ચેઈઝ કરીને 3-3 મેચ જીત્યા છે.


200 થી વધુ રનના ટારગેટ
200 રનથી વધુનો ટારગેટ આપીને પ્રતિસ્પર્ધી ટીમને પરાસ્ત કરવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડીયન્સના નામે છે.મુંબઈએ આવા 11 મેચ જીત્યા છે. એકમાં પણ પરાજય થયો નથી. 200 થી વધુ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ હરીફ ટીમને એક પણ વખત જીતવા દીધી નથી.


પાંચ વાર ચેમ્પીયન
આઈપીએલ સીઝનમાં પ્રથમ મેચ હારવા છતાં ચેમ્પીયન બનેલી ટીમમાં મુંબઈ ઈન્ડીયન્સ મોખરે છે આ ટીમ પાંચ વખત ચેમ્પીયન બની છે.2013,2015,2017, 2019 તથા 2020 માં ટાઈટલ મેળવ્યુ હતું.


ઓલઆઉટ ન થવાનો વિક્રમ
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કીંગ ત્રણ વખત ચેમ્પીયન બની છે.તેમાં ઓલઆઉટ થયા વિના જીત મેળવ્યાનો રેકોર્ડ છે. આ ટીમે 2010,2011 તથા 2018 માં ટાઈટલ જીત્યા હતા.


પંત પાંચમો યુવા કેપ્ટન
દિલ્હી કેપીટલ્સની કેપ્ટનશીપ ઋષભ પંતને મળી છે તેની ઉંમર 23 વર્ષ અને 188 દિવસની છે. આઈપીએલનાં ઈતિહાસમાં પાંચમો સૌથી નાની વયનો કેપ્ટન છે.


Related News

Loading...
Advertisement