વાહ, આને કહેવાય તંત્ર : એક રિસોર્ટમાં પરિવારના ફક્ત ૧૩ સભ્યો સાથે ૬૦મો જન્મદિવસ ઉજવતા નોર્વેનાં વડાપ્રધાનને ૧.૭૫ લાખનો દંડ ફટકારતી પોલીસ

10 April 2021 10:36 AM
World
  • વાહ, આને કહેવાય તંત્ર : એક રિસોર્ટમાં પરિવારના ફક્ત ૧૩ સભ્યો સાથે ૬૦મો જન્મદિવસ ઉજવતા નોર્વેનાં વડાપ્રધાનને ૧.૭૫ લાખનો દંડ ફટકારતી પોલીસ

નોર્વેમાં કોરોના નિયમ અનુસાર કોઈ પણ આયોજનમાં ૧૦થી વધુ લોકો ભેગા ન થઈ શકે, વડાપ્રધાન એરના સોલ્બર્ગએ દંડ ભર્યો અને માફી પણ માંગી

રાજકોટઃ
નોર્વેમાં એક એવી ઘટના બની જેના પરથી ભારતને ખૂબ સારી શીખ લઈ શકે છે. નોર્વેના એક રિસોર્ટમાં પરિવારના ફકત ૧૩ સભ્યો સાથે ૬૦મો જન્મદિવસ ઉજવતા નોર્વેના વડાપ્રધાનને પોલીસે ૧.૭૫ લાખનો દંડ ફટકાર્યો હતો. ત્યાંના કોરોના નિયમ મુજબ કોઈ પણ કાર્યક્રમમાં ૧૦થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી પોલીસે તેના જ દેશના વડાપ્રધાન સામે આ કાર્યવાહી કરી હતી.

વિસ્તૃત વિગત મુજબ નોર્વેના વડાપ્રધાન એરના સોલ્બર્ગ ૬૦ વર્ષના થયા. તેમના જન્મદિવસે તેઓએ પરિવારજનો સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું. અને નોર્વેના એક રિસોર્ટમાં પરિવારના માત્ર ૧૩ સભ્યો સાથે તેઓ ૬૦માં જન્મદિવસ ઉજવણી કરી હતી. હાલ વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે નોર્વેમાં પણ કેટલાક પ્રતિબંધો મુકાયા છે. જે મુજબ નોર્વેમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ કાર્યક્રમમાં ૧૦થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. જોકે વડાપ્રધાન એરના સોલ્બર્ગએ ૧૩ લોકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી. આ વાત ત્યાંની સ્થાનિક પોલીસને ધ્યાને આવતા પોલીસે તેના જ દેશના વડાપ્રધાનને ર૩પર ડોલર એટલે કે રૂપિયા ૧.૭૫ લાખનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના બાદ વડાપ્રધાન એરના સોલ્બર્ગએ દંડ ભરી માફી પણ માંગી હતી.

ભારતે આ ઘટના પરથી શીખ લેવાની ખાસ જરૂર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના બેકાબુ થયો. માનવામાં આવે છે કે, નેતાઓનો રેલીઓ, સભાઓમાં કોરોના નિયમોના લીરેલીરા ઉડયા જેથી સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આપણી પોલીસે પણ જ્યારે નેતાઓ નિયમો તોડી રહ્યા હતા ત્યારે મૌન સેવી લીધું હતું અને કોઈ કાર્યવાહી કરી નહોતી ત્યારે નોર્વે પોલીસ પાસેથી આપણી પોલીસે શીખ લેવાની ખાસ જરૂરિયાત જણાય છે.


Related News

Loading...
Advertisement