કચ્છમાં એક દિવસમાં 6 બાળકો સહિત સર્વાધિક 48 કોરોના કેસ

11 April 2021 12:29 AM
kutch
  • કચ્છમાં એક દિવસમાં 6 બાળકો
સહિત સર્વાધિક 48 કોરોના કેસ

874 બેડ શરૂ કરાયા : ટેસ્ટીંગ કિટની તીવ્ર અછત

ભુજ, તા. 10
સમગ્ર દેશની સાથે સરહદી કચ્છમાં કોરોના વાઇરસની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે ત્યારે એક જ દિવસમાં ’સત્તાવાર’ બે કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત સાથે સૌથી વધુ 48 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત બન્યાં છે. નવા નોંધાયેલાં 48 કેસમાંથી ભુજ શહેરમાં 17 અને તાલુકામાં 5 મળી 22 કેસ નોંધાયાં છે. અંજાર શહેરમાં 6 જ્યારે માંડવી શહેરમાં 2 અને તાલુકામાં 4 મળી 6 કેસ નોંધાયાં છે.


ગાંધીધામ શહેરમાં 4 અને તાલુકામાં 1 મળી 5 કેસ નોંધાયાં છે. મુંદરા શહેરમાં આજે વધુ 4 કેસ દર્જ થયાં છે. આ સિવાય અબડાસા તાલુકામાં 2, ભચાઉ શહેરમાં 1, લખપત અને નખત્રાણામાં 1-1 કેસ નોંધાયા છે. નવા 48 કેસ સાથે કુલ એક્ટિવ કેસનો આંકડો 318 પર પહોંચી ગયો છે. વધુ બે મોત સાથે સત્તાવાર મરણાંક 84 પર પહોંચ્યો છે. તંત્રએ આપેલી વિગતો મુજબ દર્દીઓની સારવાર માટે વિવિધ સરકારી હોસ્પિટલોમાં 772 અને ખાનગી હોસ્પિટલોમાં 102 પથારી મળી 874 બેડ ઉપલબ્ધ છે જો કે ટેસ્ટિંગ કિટની અછત ઉભી થતાં મુશ્કેલી ઉભી થઇ છે.


દરમ્યાન, કોરોનાની બીજી લહેરમાં મોટી ઉંમરના લોકોને બદલે બાળકો અને યુવાનો ઝડપથી સંક્રમણનો શિકાર બની રહ્યાં હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે ત્યારે કચ્છમાં વીતેલા 5-6 દિવસ દરમ્યાન 4 મહિનાથી 14 વર્ષ સુધીના 6 બાળકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવતાં લોકો ચિંતિત બન્યા છે.


આ અંગે ભુજના બાળરોગ નિષ્ણાત ડો. નેહલ વૈદ્યના જણાવ્યા અનુસાર કોરોનાગસ્ત બાળકોમાં ઝાડા-ઉલટી અને તાવના લક્ષણો વર્તાઈ આવે છે. કોવીડ-19ની શરૂઆત વખતે આવા લક્ષણો દેખાતાં ના હોઈ અનેક અસરગસ્ત બાળકો નિદાન થયા વગર જ સાજા થઈ ગયા હોઈ શકે.


બહાર જતાં યુવાનો ઘરમાં આવી બાળકોને ચેપ લગાડી શકે છે. ભુજના અગાઉ કરતાં આ વખતે બાળકોનું વાયરસ પ્રત્યે સંપર્કમાં આવવું વધ્યું છે. ઘરમાં જો કોઈને કોરોનાનો ચેપ હોય તો બાળકોને તેનાથી દૂર રાખો. બાળકને ચેપ લાગ્યો હોય તો વડીલોને દૂર રાખો. બાળકો સુપર સ્પ્રેડર બની શકે છે. ઝાડા-ઉલટી અને તાવ જેવા લક્ષણો ઉપરાંત આંખો લાલ થઈ જવી, શરીરમાં કળતર, શરદી-ઉધરસ, સ્વાદ જતો રહ્યો હોય તો બાળકને કોરોના હોઈ શકે તેથી તાકીદે કોવીડ ટેસ્ટ કરાવવો હિતાવહ હોવાનું તેમણે ઉમેર્યું હતું.


Loading...
Advertisement