વડોદરા આર્મ્સ યુનિટના DIG એમ.કે.નાયકનું કોરોનાથી નિધન

11 April 2021 12:34 AM
Vadodara Gujarat
  • વડોદરા આર્મ્સ યુનિટના DIG એમ.કે.નાયકનું કોરોનાથી નિધન

ગુજરાતમાં કોરોનાએ સૌપ્રથમ વખત SVP અધિકારીનો ભોગ લીધો : નાયક અમદાવાદની જટઙ હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર હેઠળ હતા, ગઈકાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા, પોલીસ પરિવારમાં શોક : IPS ડો.મહેશ નાયક ઓક્ટોબર 2021માં નિવૃત થવાના હતા, અગાઉ સુરત, અમદાવાદ, બરોડા સહિતના શહેરોમાં Dy SP થી SP સુધીની ફરજ બજાવી હતી

રાજકોટ, તા.10
વડોદરામાં આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે ફરજ બજાવતા આઇપીએસ ડો.મહેશ નાયકનું કોરોનાને કારણે નિધન થયુ છે. ડો.મહેશ નાયક કોરોનાથી સંક્રમિત થયા ત્યારબાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા. ડો.મહેશ નાયકને થોડાક મહિના પૂર્વે જ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (એસપી)થી બઢતી આપીને ડીઆઈજી તરીકે વડોદરામાં નિમણૂંક આપવામાં આવી હતી.

આઇપીએસ ડો.એમ.કે. નાયકએ એન્જીયોપ્લાસ્ટી કરાવેલી હતી. સાથોસાથ તેઓ ડાયાબિટીસના રોગથી પણ પિડાતા હતા. ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં ડીવાયએસપીથી લઈને એસપી સુધીની સેવાઓ તેઓ આપી ચુક્યા છે. અમદાવાદ શહેર પોલીસ ક્ધટ્રોલ રૂમના ડીસીપી તરીકે લાંબા સમય સુધી ડો.મહેશ નાયકે સેવાઓ બજાવી હતી. તેઓ તાપી જિલ્લા પોલીસ વડા તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે.

સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. થોડા સમય પૂર્વે જ ડો.મહેશ નાયકના માતાનું તેમના વતન પાટણ ખાતે નિધન થયું હતું. આઇપીએસ નાયકે અગાઉ સુરત, અમદાવાદ, બરોડા સહિતના શહેરોમાં પણ ફરજ બજાવી હતી. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 10 દિવસથી સારવાર હેઠળ હતા. ગઈકાલે મોડી રાત્રે તેઓએ એસવીપી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આ ગુજરાતનો પ્રથમ બનાવ છે જેમાં કોરોનાથી કોઈ આઇપીએસ અધિકારીનો ભોગ લેવાયો છે. ડો.નાયકના નિધનથી પોલીસ પરિવારમાં શોક છવાયો છે.


Related News

Loading...
Advertisement