સતત 9મા વર્ષે પ્રથમ મુકાબલો હારતી મુંબઈ: 20 લાખના બોલરે ‘તબિયત’ બગાડી !

11 April 2021 12:38 AM
Sports
  • સતત 9મા વર્ષે પ્રથમ મુકાબલો હારતી મુંબઈ: 20 લાખના બોલરે ‘તબિયત’ બગાડી !

મેક્સવેલે આઈપીએલના 13 મેચ પછી લગાવી પહેલી સિક્સર, પોતાના 200મા મેચમાં ખરાબ રીતે પીટાયો ચહલ: ઉતાર-ચડાવયુક્ત મેચમાં છેલ્લા બોલે બેંગ્લોરે જીત મેળવી: કોહલી-મેક્સવેલ-ડિવિલિયર્સની ધમાકેદાર બેટિંગ, હર્ષલ પટેલે 27 રન આપીને પાંચ વિકેટ ખેડવી

ચેન્નાઈ, તા.10
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત નવમી વખત આઈપીએલમાં પોતાનો પ્રથમ મેચ જીતી શકી નથી. બેંગ્લોર સામે રમાયેલા મેચમાં તેણે બે વિકેટથી પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. મુંબઈને હરાવવા પાછળ 20 લાખની કિંમતે વેચાયેલા બોલર હર્ષલ પટેલનો સિંહફાળો રહ્યો હતો

જેરે 4 ઓવરમાં માત્ર 27 રન આપીને પાંચ વિકેટ ખેડવી નાખી હતી. આ ઉપરાંત અત્યંત મોંઘી કિંમતે વેચાયેલા ગ્લેન મેક્સવેલે આઈપીએલના 13 મેચ પછી પોતાની પહેલી સિક્સર લગાવી છે તો 200મો મેચ રમી રહેલો યુઝવેન્દ્ર ચહલ ખરાબ રીતે પીટાતા 4 ઓવરમાં 41 રન આપી બેઠો હતો. એકંદરે ઉતાર-ચડાવયુક્ત મેચમાં છેલ્લા બોલરે બેંગ્લોરે જીત મેળવી હતી. બેંગ્લોર વતી બોલિંગમાં હર્ષલ પટેલ અને બેટિંગમાં કોહલી, મેક્સવેલ અને ડિવિલિયર્સને ધમાકેદાર બેટિંગ જીત માટે કારણભૂત રહી હતી. મુંબઈએ પહેલાં બેટિંગ કરવાનું આમંત્રણ મળતાં 9 વિકેટના ભોગે 159 રન બનાવ્યા હતા.

મુંબઈ વતી ઓપનિંગ બેટસમેન ક્રિસ લીન (35 બોલમાં 49 રન) અને સૂર્યકુમાર યાદવ (31 રન)એ ધીમી પીચ પર બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી પરંતુ બેંગ્લોરના બોલરોએ તેને મોટો સ્કોર બનાવતાં અટકાવી અંતિમ ચાર ઓવરમાં માત્ર 25 રન જ આપ્યા હતા. હર્ષલ પટેલે ઈનિંગની અંતિમ ઓવરમાં માત્ર એક રન આપ્યો અને ત્રણ વિકેટ મેળવી હતી. તેણે કુલ 27 રન આપીને પાંચ વિકેટ ખેડવી પોતાનું સર્વશ્રેેઠ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત મોહમ્મદ સીરાજ અને કાઈલ જેમીસને પણ ચુસ્ત બોલિંગ કરી હતી.

બેંગ્લોર વતી વોશિંગ્ટન સુંદરે કોહલી સાથે ઓપનિંગ કરી હતી પરંતુ યોગ્ય સફળતા મળી નહોતી. સુંદર માત્ર 10 રન જ બનાવીને આઉટ થયા બાદ રજત પાટીદાર પણ 8 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી અને મેક્સવેલે સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું અને જ્યારે તે મુંબઈ માટે ખતરો બની રહ્યા હતા ત્યારે રોહિત શર્માએ બુમરાહ (26 રનમાં બે વિકેટ)ને બોલ સોંપ્યો હતો. તેણે કોહલીને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ પછી માર્કો જેન્સન (28 રનમાં બે વિકેટ)એ મેક્સવેલને લિનના હાથે કેચઆઉટ કરાવીને બેંગ્લોરની મુશ્કેલી વધારી દીધી હતી. ત્યારબાદ શાહબાઝ અહેમદ પણ ચાલ્યો નહોતો.

બેંગ્લોરને અંતિમ 30 બોલમાં 54 રન જોઈતા હતા ત્યારે ડિવિલિયર્સે સટાસટી બોલાવી દઈ મુંબઈના દરેક બોલરોની ખબર લઈ નાખી હતી. જ્યારે છેલ્લી ઓવરમાં સાત રન જોઈતા હતા ત્યારે ડિવિલિયર્સ રનઆઉટ થઈ જતાં મેચ રોમાંચક બની ગયો હતો પરંતુ હર્ષલ પટેલે છેલ્લા બોલ પર રન બનાવી ટીમને જીત અપાવી દીધી હતી.


Related News

Loading...
Advertisement