રેમડેસીવીર રામાયણ : મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ સરડવાને જાનથી મારી નાંખવા ધમકી

13 April 2021 12:38 AM
Morbi
  • રેમડેસીવીર રામાયણ : મોરબી સિવિલ હોસ્પિટલના
આરએમઓ સરડવાને જાનથી મારી નાંખવા ધમકી

‘મારા બાપુજીને કંઇ થયુ તો તમારી ખેર નથી’ : અજાણ્યા શખ્સે ફોન કરતા ગુનો નોંધાયો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.12
મોરબીની સિવિલ હોસ્પિટલના ઇનચાર્જ અધિક્ષક અને આરએમઓ એવા ડો.કે.આર.સરડવાને રેમડીસીવર ઇન્જેકશન બાબતે ફોન ઉપર બોલાચાલી ઝઘડો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોય તબીબે એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરેલ છે.


એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ અધીક્ષક તરીકે તેમજ આરએમઓ તરીકે ફરજ બજાવતા વર્ગ-1 ના તબીબ ડો. કાંતિલાલ રામજીભાઈ સરડવા (ઉંમર 58) રહે. "રવિ રાંદલ" શનાળા રોડ યદુનંદનપાર્ક મોબાઈલ ફોન ઉપર સામેના મોબાઈલ ફોન નંબર 74358 50979 વાળાએ ફોન કર્યો હતો અને ગત રાત્રિના સવા નવેક વાગ્યાના અરસામાં ડો.સરડવા જયારે સિવિલ હોસ્પિટલમાં તેઓની ફરજ ઉપર હતા તે દરમિયાનમાં ફોનમાં સામેના વ્યક્તિએ તેમના મોબાઈલ ઉપર ફોન કરીને કોરોના બીમારી સબબ રેમડીસીવર ઇન્જેકશનની માંગણી કરી હતી અને જેથી કરીને ડો.કે.આર.સરડવાએ જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન મુજબ કોઈપણ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં જે વ્યક્તિ સારવાર હેઠળ હોય તે વ્યક્તિના જરૂરી દસ્તાવેજ આધાર-પુરાવા સાથે સંબંધિત હોસ્પીટલના જવાબદાર કર્મચારી જ આ ઇંજેક્શન ફાળવી શકે તેમ કહેતાં સામેના ફોન વાળો વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો.


"જો મારા બાપુજીને કાંઈ થયું તો તમારી ખેર નથી" તેમ ડો. કે.આર.સરડવાને ધમકી આપી હતી જેથી હાલ ઇનચાર્જ અધીક્ષક અને આરએમઓ ડો.કે.આર.સરડવાએ આ બાબતે મોરબી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની કલમ 507 (ધમકી આપવી) તેમજ તાજેતરમાં ચાલી રહેલી મહામારી સંદર્ભે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(1) મુજબ ગુનો નોંધ્યો છે અને ઉપરોક્ત મોબાઈલ ધારક આગળની તપાસ હાથ ધરી છે. પીએસઆઇ એસ.એમ.રાણા તપાસ ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement