નીતિશ-રાહુલની જોડીએ કોલકત્તાને અપાવી જીત: મનિષ-બેરિસ્ટોની ફિફટી કામ ન લાગી

13 April 2021 02:21 AM
Sports
  • નીતિશ-રાહુલની જોડીએ કોલકત્તાને અપાવી જીત: મનિષ-બેરિસ્ટોની ફિફટી કામ ન લાગી

સનરાઈઝર્સ હૈદરાબાદને 10 રને હરાવી વિજયી પ્રારંભ કરતું કોલકત્તા નાઈટરાઈડર્સ: નીતિશ રાણાએ 80 અને રાહુલ ત્રિપાઠીએ 53 રન ફટકાર્યા: પ્રસિદ્ધ કૃષ્ણાએ ચુસ્ત બોલિંગ ફેંકી બે વિકેટ ખેડવી

ચેન્નાઈ, તા.12
ઓપનિંગ બેટસમેન નીતિશ રાણા (80 રન) અને રાહુલ ત્રિપાઠી (53 રન)ની અર્ધસદી બાદ પ્રસિદ્ધ કૃષ્ણાની આગેવાનીમાં બોલરોના શાનદાર પ્રદર્શનથી કોલકત્તા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 10 રનથી હરાવી દીધું હતું.આ મેચમાં કોલકત્તાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 177 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી જોની બેરિસ્ટોએ 55 અને મનિષ પાંડેએ અણનમ 61 રન બનાવ્યા હતા પરંતુ તેનું યોગદાન જીત માટે નકામું સાબિત થયું હતું. કોલકત્તા વતી પ્રસિદ્ધ કૃષ્ણા સૌથી સફળ બોલર રહ્યો હતો જેણે 35 રન આપીને બે વિકેટ મેળવી હતી.


ડાબોડી બેટસમેન રાણાએ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ જોરદાર શોટસ લગાવીને પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેના ઓફ સાઈડના સ્ટ્રોક્સ, ડ્રાઈવ્સ અને કટ ઘણા આકર્ષક રહ્યા હતા. નીતિશ રાણાને ન તો ભુવનેશ્ર્વર કુમાર અને ન તો ટી.નટરાજન રોકી શક્યા હતા. નીતિશની સાથે શુભમન ગીલ પણ ફોર્મમાં રમી રહ્યો હતો પરંતુ રાશિદ ખાને બોલિંગ હાથમાં લેતાં જ કોલકત્તાની રનગતિ ઉપર થોડો અંકુશ આવ્યો હતો અને રાશિદે આવતાંની સાથે જ ગીલને બોલ્ડ કરી દીધો હતો.


પહેલી વિકેટ પડ્યા બાદ રાણા અડીખમ રહ્યો હતા અને તેણે વિજય શંકરના બોલ પર છગ્ગો લગાવીને અર્ધસદી પૂરી કરી હતી. રાણાએ ફિફટી પૂરી કર્યા બાદ છગ્ગા લગાવવાનું યથાવત રાખ્યું હતું. બીજા છેડે રાહુલ ત્રિપાઠી પણ આત્મવિશ્ર્વાસથી ભરપૂર હતો અને તેણે ઝડપથી ઈનિંગને આગળ વધારી હતી. તેણે ભુવનેશ્ર્વરની બોલિંગમાં એક ગગનચુંબી છગ્ગો લગાવ્યા બાદ થર્ડ મેન પર ચોગ્ગો લગાવ્યો હતો. ત્રિપાઠીએ ભુવનેશ્ર્વરના બોલ પર વધુ એક ચોગ્ગો લગાવીને અર્ધસદી પૂરી કરી હતી પરંતુ નટરાજનની બોલિંગમાં તે છેતરાઈ જઈને વિકેટ આપી બેઠો હતો. આઉટ થતાં પહેલાં રાહુલે નીતિશ સાથે 93 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ રાશિદે આંદ્રે રસેલ (પાંચ રન)ને આઉટ કર્યો હતો. આ પછી 18મી ઓવરમાં મોહમ્મદ નબીએ રાણા અને ઈયોન મોર્ગન (2 રન)ને આઉટ કર્યા હતા. દિનેશ કાર્તિકે (નવ બોલમાં 22 રન) અંતમાં કોલકત્તાની ઈનિંગને ઝડપથી આગળ વધારી હતી આમ છતાં કોલકત્તા અંતિમ પાંચ ઓવરમાં 42 રન જ બનાવી શકી હતી.


Related News

Loading...
Advertisement