શિક્ષણ સમિતિમાં પણ 60 વર્ષથી મોટા સભ્ય નહીં : ભાજપે તમામ 1ર સભ્ય ગ્રેજયુએટ આપ્યા

13 April 2021 06:46 AM
Rajkot Politics
  • શિક્ષણ સમિતિમાં પણ 60 વર્ષથી મોટા સભ્ય નહીં : ભાજપે તમામ 1ર સભ્ય ગ્રેજયુએટ આપ્યા

68 બેઠકની બહુમતી સાથે તમામ સભ્યો શાસક પક્ષના રહેશે : નામો જાહેર કરતા પ્રમુખ કમલેશ મીરાણી-મેયર ડો.પ્રદીપ ડવે ફોર્મ સ્વીકાર્યા :શિક્ષણ સમિતિની 1ર જગ્યા માટે ફોર્મ ભરવા વધુ એક વખત સમુહમાં ઉમટતા ભાજપના આગેવાનો: ત્રણ વખત કોર્પોરેટર બનેલાને પણ તક નહીં : બે ડોકટર, સિવિલ ઇજનેર સહિતના ઉમેદવારોએ મેયર સમક્ષ ફોર્મ ભર્યા : તા.ર0ના રોજ ચકાસણી કરાશે : એક સભ્ય કોર્પો.ની ચૂંટણી હાર્યા હતા, બે પૂર્વ કોર્પોરેટરને તક: કોંગ્રેસના એક અગ્રણી ફોર્મ લઇ ગયા પણ...

રાજકોટ, તા. 1ર
રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા 1ર સભ્યોના નામ આજે શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મીરાણી દ્વારા જાહેર કરવામાં આવતા આજે બપોરે 1ર.39 કલાકે મેયર કમ ચૂંટણી અધિકારી ડો.પ્રદીપ ડવ સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે.મનપામાં 7રમાંથી 68 બેઠક જેવી તોતીંગ બહુમતી ભાજપ પાસે હોય તમામ સભ્યો બીનહરીફ ચૂંટાય તે નિશ્ર્ચિત છે. તા.ર0ના રોજ ફોર્મની ચકાસણી થશે અને તા.30ના રોજ જરૂર પડે તો ચૂંટણી કરવામાં આવે તેવો ચૂંટણી કાર્યક્રમ હોવાનું મેયરે કહ્યું હતું.


દર પાંચ વર્ષે મનપાની નવી સામાન્ય ચૂંટણી બાદ શિક્ષણ સમિતિના નવા સભ્યોની નિયુકિત થાય છે. સંખ્યાબળના આધારે ભાજપ અને કોંગ્રેસને બેઠક મળે છે. ગત ટર્મમાં કોંગ્રેસના બે સભ્યો હતા. આ વખતે 7રમાંથી 68 સીટ ભાજપની હોય, તમામ સભ્યો સત્તાધારી પક્ષના નિશ્ર્ચિત બન્યા હતા. આજે ભાજપ દ્વારા નવા સભ્યોના નામ જાહેર કરવામાં પણ પ્રદેશ કક્ષાની પાર્ટી ગાઇડલાઇન અમલમાં મુકવામાં આવી છે. પ્રમુખ કમલેશ મીરાણીએ કહ્યું હતું કે મનપામાં ઉમેદવારો માટે જે નીતિ નકકી કરવામાં આવી હતી તેઓ જ અમલ કરવામાં આવ્યો છે. ગત વખતની જેમ જ 100થી વધુ શાળાનું સંચાલન કરતી સમિતિના સભ્યો ગ્રેજયુએટ કે તેથી ઉપર અભ્યાસવાળા પસંદ કરવામાં આવ્યા છે.


તો 60 વર્ષથી વધુ ઉંમર ન હોય અને ત્રણ ટર્મ કોર્પોરેટર રહ્યા ન હોય તેવા સભ્યોને તક આપવામાં આવી છે.1ર નવા સભ્યોની વરણી બાદ સરકારમાંથી ત્રણ સભ્યોના નામ આવશે. તે સાથે પૂર્ણ શિક્ષણ સમિતિ આવતા મહિનાથી ચાર્જ સંભાળી લેશે તે નિશ્ર્ચિત છેઆ નવા સભ્યોમાં ચાર મહિલા સભ્યોની પસંદગી કરવામાં આવી છે. તેમાં ડો.મેઘાવીબેન સિંઘવ, જાગૃતિબેન ભાણવડીયા, સંગીતાબેન છાયા, ડો. પીનાબેન કોટકનો સમાવેશ થાય છે. જયારે બે પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ પંડિત અને કિશોરભાઇ પરમારને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે. બે ડોકટર, બે પીએચ.ડી., સીવીલ ઇજનેર સહિતના સભ્યો પસંદ કરવામાં આવ્યા છે.મેયર ઉપરાંત સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક નેતા વિનુભાઇ ઘવા, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રીઓ કિશોર રાઠોડ, જીતુ રાઠોડ વગેરે આ સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. હવે તા.ર0ના રોજ નિર્વાચન અધિકારી ડો. પ્રદીપ ડવ ફોર્મની ચકાસણી કરવાના છે. તા.30 અથવા તે બાદના દિવસે નવા ચેરમેનની વરણી કરવામાં આવશે. નવા સભ્ય પૈકી ડો.મેઘાવીબેન સિંઘવ તાજેતરમાં વોર્ડ નં.1પમાં ચૂંટણી હાર્યા હતા તે ઉલ્લેખનીય છે.


પ્રમુખ અને મહામંત્રીઓએ જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વમાં શહેરની શાળાઓ અદ્યતન બની છે અને સરકારી હાઇસ્કુલના બાળકોને પણ શ્રેષ્ઠ સુવિધા અપાય છે. આ શૈક્ષણિક વિકાસ હજુ ચાલુ રહેવાનો છે. શિક્ષણ સમિતિમાં એક પણ સભ્ય ચૂટી શકે એટલું કોંગ્રેસનું સંખ્યાબળ નથી. આમ છતાં આજે કોંગ્રેસના એક અગ્રણી ફોર્મ લઇ ગયા હતા પરંતુ ભર્યુ નથી.1રમાંથી એક સભ્ય પણ ચૂંટી શકે એવી સ્થિતિમાં કોંગ્રેસ ન હોય, અન્ય આગેવાનોએ આ કાર્યકરને સમજાવ્યા હતા. ચૂંટણીમાં ફજેતો ન થાય તે માટે હાલ ફોર્મ ભરવાનું પડતું મુકી દેવામાં આવ્યાનું જાણવા મળેલ છે.
રાજકોટ, તા. 1ર


મહાપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ફોર્મ ભરવા આજે ઉમેદવારો અને આગેવાનો એક સાથે મેયર કચેરીમાં પહોંચ્યા હતા. આ સમયે મેયર ચેમ્બરમાં સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવાની સુચના જ કચડાઇ ગઇ હતી.ગત મહિને મેયર સહિતના પદાધિકારીઓની વરણી થઇ હતી. જનરલ બોર્ડના આ દિવસે મીટીંગમાં કે લોબીમાં પગ મુકવાની જગ્યા ન હતી. તે બાદ 1પ પેટા સમિતિના ચેરમેનોની નિમણુંક કરવામાં આવી હતી.આ દિવસે તો મનપાના ચૂંટાયેલી પાંખવાળા બિલ્ડીંગમાં રીતસર મેળાવડા જામ્યા હતા. ચેરમેનોની લોબીમાંથી તો પસાર થવું અઘરૂ બન્યું હતું. કોરોના ખુશ થઇ જાય એવા દ્રશ્યો હતા. આ બાદ ઘણા આગેવાનો કોરોના સંક્રમિત પણ થયા છે. દરમ્યાન આજે પ્રક્રિયા મુજબ ઉમેદવારી પત્રો ભરવાના હતા. 1ર સભ્યો એક બાદ એક આવીને ફોર્મ રજુ કરી શકતા હતા. આ માટે જરૂરી વ્યવસ્થા એડવાન્સમાં કરવાની થતી હતી. પરંતુ તમામ પદાધિકારીઓ, ભાજપના હોદેદારો અને નવા 1ર સભ્યો સમુહમાં ફુલહાર સાથે ઉમટયા હતા. તમામે માસ્કના નિયમનો અમલ કર્યો હતો. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ કયાંય દેખાતું ન હતું. અડધો કલાકથી વધુ સમય મેયર ચેમ્બર ચિકકાર રહી હતી. બે ડઝન જેટલા આગેવાનો, સભ્યો મેયર ચેમ્બરમાં હાજર રહ્યા હતા.એક તરફ અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સ માટે શહેરમાં લોકો અને વેપારીઓ સામે કડક પગલા લઇ રહ્યા છે ત્યારે બીજી તરફ કોર્પોરેશનમાં થતા આવા તમાસા કાયમી ધોરણે બંધ કરવા જોઇએ તેવો ગણગણાટ સતત થઇ રહ્યો છે.


Related News

Loading...
Advertisement