સ્વર ઉપાસક હરિકાંતભાઇ સેવક કોરોના સામેનો જંગ હાર્યા : અમદાવાદમાં નિધન

13 April 2021 07:37 AM
Rajkot Gujarat
  • સ્વર ઉપાસક  હરિકાંતભાઇ સેવક કોરોના સામેનો જંગ હાર્યા : અમદાવાદમાં નિધન

રાજકોટના ગૌરવ સમાન ભારતીય શાસ્ત્રીય સંગીતનો તેજસ્વી તારલો ખરી પડયો : પંડિત હરિકાંતભાઇ સેવક જીવનના અંતિમ ક્ષણ સુધી શાસ્ત્રીય ગાયન તથા હવેલી સંગીતની ઉપાસના કરી : જૂનાગઢમાં જન્મેલા હરિકાંતભાઇએ રાજકોટને કર્મભૂમિ બનાવી : ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત થયેલા કલાકાર અનેક એવોર્ડથી સન્માનિત : સંગીત જગતમાં શોકની લાગણી

રાજકોટ તા. 12 : ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક કલાકાર, હવેલી મૂર્ધન્ય વ્યકિત, રાજકોટના ગૌરવ સમાન, ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત પં. હરિકાંતભાઇ સેવક અમદાવાદમાં કોરોના સામેનો જંગ હારી જતા આજે સવારે 5-30 કલાકે અંતિમ શ્ર્વાસ લીધા હતા તેમના નિધનથી સમસ્ત સંગીત જગતમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.


આ અંગેની વિગતો અનુસાર દસ દિવસ પૂર્વે અમદાવાદમાં તેમને કોરોના પોઝીટીવ આવતા એસ.વી.પી. હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. તેમની સારવાર તેમના જ પરિવારના ડો. કીર્તન સેવક કરી રહયા હતા. પરંતુ આજે સવારે પ-30 કલાકે તબીયત નાજુક બનતાં હરિકાંતભાઇ સેવકે અંતિમ શ્ર્વાસ લઇને આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી. તેમની વય 84 વર્ષની હતી.


ભકત કવિ નરસિંહ મહેતાના કાકા પરબત મહેતાએ જે ઠાકોરજી પધરાવ્યા હતા એમની આજ સુધી આ સેવક (મહેતા) પરિવાર સેવા કરે છે. આખા દેશમાં ઓલ ઇન્ડિયા રેડિયો પર હવેલી સંગીત શરૂ થયું એમાં આ પરિવારનું યોગદાન છે.
મળતી વિગતો અનુસાર તેઓ ઠેક સુધી સ્વસ્થ રહયા હતા. ગઇકાલે મોડી રાત્રીથી જ તેમની તબીયત નાજુક બની હતી. તેમના પત્નીનું નામ કુસુમબેન છે.


હરિકાંતભાઇ સેવક આકાશવાણીના માન્ય કલાકાર હતા. તેમને ગુજરાત સરકાર તરફથી ગૌર પુરસ્કાર મળ્યો હતો. સ્વર સાધના સમિતિ દ્વારા સન્માનિત થયા હતા આ સિવાય શાસ્ત્રીય ગાયન માટે પણ તેમને એવોર્ડ મળ્યા છે.
પં. હરિકાંતભાઇ સેવક સૌરાષ્ટ્ર યુનિ.માં યોજાતા યુવા મહોત્સવની શાસ્ત્રીય સંગીત વિભાગની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપતા હતા. અત્યંત સરળ સ્વભાવના, નિખાલસ હૃદય ધરાવતા હરિકાંતભાઇ સેવક ‘સુર મિલન’ નામની સંગીત સંસ્થા શ્રી શીંગાળા સાથે મહારાષ્ટ્ર મંડળના કાર્યાલયમાં ચલાવતા હતા. દર અઠવાડિયે રવિવારે ‘સુર મિલન’નો કાર્યક્રમ યોજાતો અને તેમાં નવોદિત કલાકારોને સ્થાન આપીને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. આ સંગીતમય પ્રવૃતિ વર્ષો સુધી ચાલી હતી. ‘સુર મિલન’માં કેટલાક જાણીતા કલાકારોએ પણ કાર્યક્રમો આપેલા હતા. તેમનો જન્મ જુનાગઢમાં થયો હતો પરંતુ કર્મભુમિ રાજકોટ રહી. તેમના ભાઇ અરૂણકાંત સેવક પણ શાસ્ત્રીય સંગીતના તપસ્વી રહયા છે.


રાજકોટમાં ‘સંગીત સભા’ સહીતની અન્ય સંસ્થાઓ દ્વારા યોજાતા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ રહેતી. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રથમ પંકિતના કલાકારો સાથે મુલાકાત કરીને સંગીત ચર્ચા પણ કરતા હતા.
પં. હરિકાંતભાઇ સેવનું શાસ્ત્રીય ગાયન પ્રભાવિત કરનારું હતુ. તેમણે અનેકને વિષયક માર્ગદર્શન આપેલું હતું.


ગુજરાત ગૌરવ પુરસ્કૃત, સ્વર સાધના રત્ન પંડિત હરિકાંતભાઇ સેવક તે કુસુમબેન સેવક (નિવૃત ખેતીવાડી ખાતા) ના પતિ, મનોજકુમાર વ્યાસ (નિવૃત ઓડિટ ઓફીસર એ.જી. ઓફિસ) ના મોટાભાઇ, સુરભી વ્યાસ (નિવૃત પ્રિન્સીપાલ સરસ્વતી વિદ્યા મંદિર-રાજકોટ)ના જેઠ, હાર્દિક, લોપા (રાજકુમાર કોલેજ-રાજકોેટ), ડો. કીર્તન (સેવક મેટરનિટી હોસ્પીટલ-અમદાવાદ), ડો. આશિતા (જીએમઇ આર.એસ. મેડીકલ કોલેજ-ગાંધીનગર) ના દાદા થતા હતા.


Related News

Loading...
Advertisement