ભીડના બે દ્રશ્યો પ્રચાર અને લાચાર

13 April 2021 07:52 AM
Rajkot India
  • ભીડના બે દ્રશ્યો પ્રચાર અને લાચાર
  • ભીડના બે દ્રશ્યો પ્રચાર અને લાચાર

એક ભીડ : નેતાઓ પ્રચાર કરી ‘મત’ માંગતા દ્રશ્યો : દેશમાં છેલ્લા 2 દિવસથી 1.50 લાખથી વધુ દૈનિક કેસ નોંધાયા છે, 12 લાખ નજીક એકટીવ કેસનો આંકડો પહોંચી ચૂકયો છે. ત્યારે જે નેતાઓ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા સલાહો આપે છે તે જ કયાંક તેનું પાલન નથી કરી શકતા. બંગાળમાં હાલ ચૂંટણી ચાલી રહી છે. હજુ પણ ચાર તબક્કાનું મતદાન બાકી છે. ભાજપ, કોંગ્રેસ કે ટીએમસી કોઇપણ રાજકીય પક્ષનો હેતુ હાલ મત માંગવા સિવાયનો નથી. ઠેર-ઠેર જગ્યાએ હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યા છે અને સભાઓ યોજવામાં આવી રહી છે. બંગાળ પર કબ્જો મેળવવા બે ગુજરાતીઓ-વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાને આજે પણ રેલી કરી હતી તો અમિત શાહે ગઇકાલે બંગાળના એક વિસ્તારમાં પ્રચંડ રેલી કરી હતી કે જાણે કોરોનાકાળ જ ભુલાઇ ગયો હોય. ગુજરાતી કાર્યકરો, નેતાઓ, મંત્રીઓ બંગાળમાં પ્રચાર માટે લાગી ગયા છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઇ હતી ત્યારે આવા જ કંઇક દ્રશ્યો જોવા મળ્યા હતા અને ત્યારબાદ વર્તમાન પરિસ્થિતિ શું છે તે આપણે સૌ જાણીએ છીએ.

એક ભીડ : પ્રજા લાચાર બની, 5-6 કલાક લાઇનમાં ઉભા રહી ‘મોત’ સામે રક્ષણ આપતા ઇન્જેકશન માંગતા દ્રશ્યો : રાજયના ચાર મહાનગરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની તમામ હોસ્પિટલો ફૂલ છે. દવા-ઇન્જેકશન-ઓકિસજનની અછત છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના અતિ ઝડપી પ્રસરી રહ્યો છે તેની ચિંતા છે. ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી દૈનિક પાંચ હજારથી વધુ કેસની સત્તાવાર જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ અને ભયાનક છે. ગઇકાલે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસવીર ઇન્જેકશન માટે લોકો છ કલાકથી વધુ સમય લાઇનમાં ઉભા રહી પોતાના કોરોના પોઝીટીવ પરિવારજનો માટે ઇન્જેકશન લેવા માટે ઉભા રહ્યા હતા. આ ઇન્જેકશન દેવાથી સ્થિતિ વધુ ન ખરાબ થાય અને કોરોનાની સારવાર માટે તે ઉપયોગી બને છે અને અનેક કેસોમાં કોરોનાનું ઇન્ફેકશન શરીરમાં વધુ પ્રસરે નહી અને મૃત્યુ ન થાય તે માટે પણ રક્ષણ આપતું હોય તેવુ જાણવા મળે છે. પરંતુ એક ઉલ્લેખ ખાસ કે ડોકટરની સલાહ વગર આ ઇન્જેકશન ન લેવુ જોઇએ. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દરવાજા ગઇકાલે બંધ કરી દેવામાં આવ્યા હતા અને ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાંથી એન્ટ્રી મેેળવવા એમ્બ્યુલન્સનો ત્રણ કલાકે વારો આવ્યો હતો. સમરસ હોસ્ટેલમાં સ્ટાફ અને સુવિધાના અભાવે એક વૃઘ્ધે એમ્બયુલન્સની અંદર જ જીવ ગુમાવ્યો હતો. આજે પણ શહેરના અનેક ટેસ્ટીંગ બુથ પર રેપિડ ટેસ્ટ કરવા 3 થી 4 કલાક ઉભુ રહેવુ પડે છે.


Related News

Loading...
Advertisement