રાજકોટના લોટ્સ મેડિકલે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર રેમડેસીવીર ઈન્જેકશનનું વેચાણ કર્યું

13 April 2021 07:56 AM
Rajkot
  • રાજકોટના લોટ્સ મેડિકલે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર રેમડેસીવીર ઈન્જેકશનનું વેચાણ કર્યું

ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પરવાનો રદ કરવા નોટિસ ફટકારી : કોઠારીયા રોડ પર આ મેડિકલ આવેલું છે, કનક રોડ પર આવેલી સત્કાર હોસ્પિટલના સ્ટાફની સંડોવણી પણ ખુલી, 5 ઈન્જેકશન બારોબાર વેચી નાખ્યા

રાજકોટ, તા.12
હાલ કોરોનાના કેસો વધતા આ રોગ માટે અતિ ઉપયોગી એવા રેમડેસીવીર ઈન્જેકશનની માંગ પણ વધી છે. જેના કારણે આ ઈન્જેકશનની અછત સર્જાઈ છે. રેમડેસીવીરના કાળા બજાર થવા લાગ્યા છે. જેને અટકાવવા સરકારે નિર્ણય કર્યો છે કે, ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર રેમડેસીવીર ઈન્જેકશન નહીં મળે. જોકે રાજકોટના લોટ્સ મેડિકલે પ્રિસ્ક્રિપ્શન વગર જ રેમડેસીવીરના 5 ઈન્જેકશન બારોબાર વેચી નાખતા ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરતા પરવાનો રદ કેમ ન કરવો તેવી કારણદર્શક નોટિસ પાઠવી છે.

વિસ્તૃત વિગત મુજબ શહેરના કોઠારીયા રોડ પર આવેલી લોટ્સ હોસ્પિટલમાં આવેલા લોટ્સ મેડિકલ સ્ટોરમાં વગર બીલે રેમડેસીવીર ઈન્જેકશન વેચાતા હોવાની જાણકારી મળતા રાજકોટની ફૂડ એન્ડ ડ્રગ કચેરીના ઔષધ નિરીક્ષક જે.સી. મોદી સહિતના અધિકારીઓએ આ મેડિકલ ખાતે દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મેડિકલનો પરવાનો ફાર્માસિસ્ટ કૃણાલ પનારાના નામે રજીસ્ટર છે. અહીં કામ કરતા પરેશભાઈ વાજા નામના શખ્સે કૃણાલભાઈની જાણ બહાર જ રેમડેસીવીરના પાંચ ઈન્જેકશન બારોબાર વેચી નાખ્યા હતા.

તંત્ર તરફથી મળતી વિગત મુજબ જ્યારે અધિકારીઓએ દરોડો પાડ્યો ત્યારે મેડિકલમાં અનેક નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું ઉપરાંત રેમડેસીવીર અંગે બિલોની ચકાસણી કરતા લોટ્સ મેડિકલ કનક રોડ પર આવેલી સત્કાર હોસ્પિટલ સાથે સંલગ્ન હોવાનું જાણવા મળેલ જેથી સત્કાર હોસ્પિટલના ડો. અમર કાનાબારની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે લોટ્સ મેડીકલ તેમની હોસ્પિટલમાં દાખલ થતાં કોવિડ દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશન પુરા પાડે છે. અગાઉ તેમની હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેમડેસીવીર ઈન્જેકશનની જરૂરિયાર જણાતા વહીવટી તંત્રને રજુઆત કરી હતી જેથી વી.એસ. ફાર્મામાંથી લોટ્સ મેડિકલને તા.10/4/2021ના રોજ 33 ઈન્જેકશન ઉપલબ્ધ થયા હતા.

દરોડા વખતે મેડિકલ પર હાજર દિવ્યેશભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે કુલ 11 ઈન્જેકશન વેચાયા છે જેમાંથી 22 ઈન્જેકશન સત્કાર હોસ્પિટલ ખાતે છે. તપાસ કરતા સત્કાર હોસ્પિટલ ખાતેથી 22 ઈન્જેકશન હાજર મળી આવ્યા હતા. હોસ્પિટલમાં તપાસ કરતા નર્સિંગ સ્ટાફના ભાવેશભાઈ અપરનાથીએ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ મનિષભાઈ ભદ્રેચાના સંબંધી મુકેશભાઈ પોરિયા કોરોના પોઝિટિવ હોવાથી સત્કાર હોસ્પિટલના લેટર હેડ ઉપર ઈન્જેકશન માટે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું અને 5 ઈન્જેકશન લોટ્સ મેડિકલના પરેશભાઈ વાજા પાસેથી લઈ આવ્યા હતા. પરેશભાઈએ માત્ર આરટી-પીસીઆર રિપોર્ટ અને આધારકાર્ડ ઉપર જ રૂ.4495માં આ 5 ઈન્જેકશન આપ્યા હતા.

ભાવેશભાઈએ આ ઈન્જેકશન મનિષભાઈને આપ્યા અને તેમની પાસેથી હોમ ક્વોરન્ટાઈ રહેલા મુકેશ પોરિયાના ભાણેજ તેજલબેન પાંચેય ઈન્જેકશન લઈ ગયા હતા. આમ લોટ્સ મેડિકલે સત્કાર હોસ્પિટલના સ્ટાફના મેળાપીપણાથી ગંભીર દર્દી માટે ઉપયોગી સરકારી જથ્થાના રેમડેસીવીર ઈન્જેકશન હોમ ક્વોરન્ટાઈ દર્દીને વેચ્યા હોવાનું ખુલ્યું હતું. જેથી ઔષધ અને સૌંદર્ય પ્રસાધનનો ધારો 1940ના નિયમો હેઠળ લોટ્સ મેડિકલના ફાર્માસિસ્ટ કૃણાલ પનારાને પરવાનો રદ કેમ ન કરવો તેવી કારણદર્શક નોટિસ પાઠવાઈ છે.

મેડિકલ સ્ટોર ખાતેથી અનેક ક્ષતિઓ મળી આવી
ફૂડ એન્ડ ડ્રગ વિભાગને તપાસમાં જાણવા મળ્યું કે, મેડિકલ પેઢી એ તપાસણી પુસતિકા ફોર્મ નં.35 વસાવેલ નથી આમ કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાના નિયમ 65 (16) નો ભંગ કર્યો છે. મુલાકાત સમયે પેઢીએ મુદત વીતી ગયેલ દવાઓ અલગ સંગ્રહ કરી, પરંતુ તેના પર જરુરી લખાણ ઊડઙઈંછઢ ૠઘઘઉજ ગઘઝ ઋઘછ જઅકઊ" તેમ દર્શાવેલ ન હતું. આમ કરી ઉપરોક્ત ધારાના નિયમ 65 (17) નો ભંગ કર્યો છે. પેઢીએ ખરીદબિલોને તારીખ પ્રમાણે ગોઠવી અનુક્રમ નંબર આપેલા નથી. અને ઉપરોક્ત ધારાના નિયમ 65 (4)(4)(શશ)નો ભંગ કર્યો છે પેઢીની દવાના વેંચાણની બિલબુકની કાર્બન નકલ ચકાસતા એક બિલમાં પેઢીના રજી. ફાર્માએ સહી કરી નહોતી. આમ કરી ઉપરોક્ત ધારાના નિયમ 65 (3)(1)(જી)નો ભંગ કર્યો છે. મુલાકાત સમયે પેઢી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન પર શિડ્યુલ - એચ. પ્રકારની દવાઓનું વેંચાણ કર્યા બાદ પ્રિસ્ક્રીન સપ્લાય કર્યા અંગેની જરૂરી નોંધ કરતી કે ડીસ્પેસ સ્ટેમ્પ લગાવતી માલુમ પડી નથી. અને ઉપરોક્ત ધારાના નિયમ 65 (11) (સી) નો ભંગ કર્યો છે.


Related News

Loading...
Advertisement