સાવધાન, ચાલુ મહિનો હજુ કટોકટીભર્યો: સાચુ ચિત્ર પેશ કરવાનો ઉદ્દેશ લોકોને ‘એલર્ટ’ કરવાનો !

13 April 2021 08:09 AM
Rajkot
  • સાવધાન, ચાલુ મહિનો હજુ કટોકટીભર્યો: સાચુ ચિત્ર પેશ કરવાનો ઉદ્દેશ લોકોને ‘એલર્ટ’ કરવાનો !

હાઈકોર્ટે મીડિયાની કામગીરીને બિરદાવી છે પણ અમુક તત્ત્વો કોરોના હાલતનો ‘અસલી ચહેરો’ રજૂ થતો રોકવા-ગેરસમજ ફેલાવવા માટે ક્ષણભરનો વિલંબ કર્યા વગર મીડિયાને ભાંડી રહ્યા છે ! : મીડિયાનો હેતુ લોકોમાં ગભરાટ ફેલાવાનો નહીં, એલર્ટ કરવાનો છે: અત્યારે સમય ‘નેગેટિવ’ બનીને અહેવાલોનું ‘પોસ્ટમોર્ટમ’ કરવાનો નહીં ‘પોઝિટીવ’ બનીને ‘સાવધ’ રહેવાનો છે

રાજકોટ, તા.12
રાજકોટ સહિત આખા ગુજરાતમાં કોરોના બેકાબૂ બની ગયો છે અને દરરોજ ગજા બહારના કેસ અને મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે હજુ પણ સાવધાન બની જવાની જરૂર છે કેમ ચાલું મહિનાના 18 દિવસ હજુ પણ કટોકટરીભર્યા બની રહેવાના છે. આટલી વિકરાળ પરિસ્થિતિ વચ્ચે તંત્ર અને સરકાર દ્વારા જે ચિત્ર ઉપસતું કરવામાં આવી રહ્યું છે

તેના કરતાં અત્યંત સાચો અને સચોટ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમુક તત્ત્વો દ્વારા આ સ્થિતિનો સ્વીકાર કરવાની જગ્યાએ મીડિયાને ખોટું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે બિલકુલ એટલે બિલકુલ વ્યાજબી નથી કેમ કે સાચું ચિત્ર કરવાનો ઉદ્દેશ લોકોને ડરાવવા માટે નહીં બલ્કે ‘એલર્ટ’ કરવા માટેનો છે.
રાજ્યમાં સ્થિતિ દરરોજ હાથમાંથી બહાર જતી રહી છે ત્યારે આ સ્થિતિની નોંધ હાઈકોર્ટે પણ લીધી છે અને સાથે સાથે મીડિયાની કામગીરીને પણ બિરદાવી છે

કેમ કે અત્યંત વિકરાળ પરિસ્થિતિ વચ્ચે મીડિયા જ એક એવું માધ્યમ છે જેના થકી લોકો સુધી સાચા અહેવાલો પહોંચી રહ્યા છે. હાઈકોર્ટ જેની કામગીરીને બિરદાવી રહ્યું છે તે મીડિયાની કામગીરીને અમુક તત્ત્વો દ્વારા કોરોના હાલતનો ‘અસલી ચહેરો’ રજૂ થતો રોકવા અને ગેરસમજ ફેલાવવા માટે ક્ષણભરનો વિલંબ કર્યા વગર સોશ્યલ મીડિયા ઉપર આડેધડ દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને મીડિયા જાણે કે ‘વિલન’ હોય તેવું ચિતરવાનો હિન પ્રયાસ કરાઈ રહ્યો છે !

મહામારીના આ સમયમાં મીડિયાનો સૌથી પહેલો ધર્મ એ જ છે કે લોકોને ‘સાવધ’ રાખે. અત્યારે અનેક જગ્યા એવી છે જ્યાં લોકો ટોળા સ્વરૂપે એકઠા થઈ રહ્યા છે, માસ્ક વગર રખડી રહ્યા છે ત્યારે આ પ્રકારે કોરોનાને આમંત્રણ આપતાં લોકોનો કાન આમળવાનો મીડિયાને સંપૂર્ણ અધિકાર છે અને આવું થતું અટકાવવા માટે મીડિયા તેનો ધર્મ જ નીભાવી રહ્યું હોય છે આમ છતાં તેને ખોટું ચિતરવામાં આવે તે વાત બિલકુલ વ્યાજબી નથી.

આ સમય અત્યારે ‘નેગેટિવ’ બનીને અહેવાલોનું ‘પોર્સ્ટમોર્ટમ’ કરવાનો નહીં બલ્કે ‘પોઝિટીવ’ બનીને ‘એલર્ટ’ થઈ જવાનો છે અન્યથા સ્થિતિ અત્યારે એટલી ગંભીર છે કે તેને વધુ વિકરાળ બનતાં જરા પણ વાર લાગશે નહીં. અત્યારે સ્થિતિ એવી છે લોકો પોતાના સ્વજનને ગુમાવી રહ્યા છે અને તેમનું રુદન વાતાવરણને વધુ ગમગીન બનાવી રહ્યું છે

તેવી કપરી સ્થિતિમાં પણ મીડિયા ગ્રાઉન્ડ ઝીરો પર રહીને લોકો સુધી સાચી માહિતી પહોંચાડી રહ્યું છે અને તેના કારણે જ હાઈકોર્ટે પણ મીડિયાની કામગીરીને બિરદાવી છે ત્યારે સોશ્યલ મીડિયા ઉપર મીડિયા વિશે વાણીવિલાસ કરતાં લોકોએ પહેલાં વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ અને પછી જ કોઈ નિવેદન પર પહોંચવું જોઈએ...


Related News

Loading...
Advertisement