હે રામ; કોવિડ બોડીની અંતિમવિધિ માટે વધુ 8 સ્મશાન ખુલ્યા : હેલ્પલાઇન પણ શરૂ કરવી પડી

13 April 2021 08:17 AM
Rajkot
  • હે રામ; કોવિડ બોડીની અંતિમવિધિ માટે વધુ 8 સ્મશાન ખુલ્યા : હેલ્પલાઇન પણ શરૂ કરવી પડી

નવા થોરાળા, રૂખડીયા, નવાગામમાં અંતિમક્રિયા શરૂ : લાકડાની પણ ખુદ વ્યવસ્થા કરાવતા મેયર ડો. પ્રદીપ ડવ

રાજકોટ, તા.12
રાજકોટમાં એક તરફ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી ત્યારે સ્મશાનોમાં પણ વેઇટીંગ જેવી હાલત આવી ગઇ છે. આ સ્થિતિમાં મેયર ડો. પ્રદીપ ડવે આઠ નવા સ્મશાનગૃહોમાં લાકડા વિભાગમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરાવી છે.

રાજકોટમાં હાલ રામનાથપરા, મોટા મવા, બાપુનગર, મવડી એમ ચાર સ્મશાનમાં કોવિડ બોડીની અંતિમ વિધિ થાય છે. પરંતુ છેલ્લા દિવસોથી ખુબ જ ભારણ વધતા બે દિવસ પહેલા મેયરે અન્ય સ્મશાનના સંચાલકો સાથે મીટીંગ કરી હતી. ડો. પ્રદીપ ડવે કહ્યું હતું કે હાલ આઠ નવા સ્મશાનગૃહ નવા થોરાળા, રૂખડીયાપરા, પોપટપરા, માધાપર, ઘંટેશ્ર્વર, નવા ગામ, કણકોટ, રામનગરમાં આ વિધિની મંજૂરી અપાઇ છે.

જોકે અહીં પણ લાકડાની સમસ્યા સામે આવતી હોય, આજે મેયર ખુદ લાકડાની વ્યવસ્થા કરી રહ્યા હતા. અમુક સ્મશાનમાં હજુ સ્ટાફ અંતિમ વિધિ કરતા ડરતો હોય, આ માટે પણ પ્રયાસો કરાઇ રહ્યા છે. જોકે સૌથી મહત્વની વાતમાં સરકારી, ખાનગી હોસ્પિટલોને કોવિડ બોડી મોકલવા માટે હેલ્પ લાઇન નંબર મહાપાલિકાએ શરૂ કર્યો છે. ત્યાંથી સમય અને સ્થળની સૂચના મળે તે પ્રમાણે બોડી મોકલવામાં આવે એવી વ્યવસ્થા કરાઇ છે.

જે હેલ્પલાઇન નંબર 78598 60414 હોવાનું મેયરે જણાવ્યુ હતું. આ રીતે હવે વધુને વધુ જગ્યાએ દર્દીઓની અંતિમ વિધિ માટે પણ વધારાની વ્યવસ્થા કરવાની નોબત આવતા રાજકોટમાં કેવી સ્થિતિ સર્જાય છે તેનો પુરાવો મળી રહ્યો છે.


Related News

Loading...
Advertisement