રાજકોટમાં હાલત અતિ ગંભીર: રવિવારે 2000 કેસ !

13 April 2021 08:20 AM
Rajkot
  • રાજકોટમાં હાલત અતિ ગંભીર: રવિવારે 2000 કેસ !

વાસ્તવિક હાલત વિશે સરકાર લોકોને ‘અંધારા’માં જ રાખે છે : 500થી વધુ આરટી-પીસીઆર તથા 1500 જેટલા રેપીડ ટેસ્ટના રિપોર્ટ પોઝીટીવ હતા, સતાવાર રીતે માત્ર 405 : મોતનો આંકડો પણ ત્રણ આંકડામાં પહોંચી ગયાનો નિર્દેશ: સતાવાર કરતા બે ગણાથી વધુનો ભોગ : સિવિલ હોસ્પિટલની સ્ટાફ ઓફિસોમાં પણ કોવિડ બેડ ખડકાવા લાગ્યા

રાજકોટ તા.12
રાજકોટમાં કોરોનાનો કહેર નબળો પડવાનું નામ નથી લેતો અને હાલત વધુને વધુ ગંભીર બનતી રહી છે. રાજય સરકાર કે કોર્પોરેશન દ્વારા જાહેર થતા સતાવાર આંકડાની પણ ‘ભયભીત’ બની જતા સામાન્ય લોકોને હજુ વાસ્તવિક હાલતનો ખ્યાલ નથી. સતાવાર આંકડા કરતા કેસ ચાર ગણા તથા મોત ડબલ થતા હોવાના સંકેત છે. રાજકોટમાં અત્યાર સુધીના 13 મહીનાના કોરોનાકાળમાં કયારેય ન નોંધાતા હોય તેટલા 2000 જેટલા કેસ રવિવારે થયા હોવાની વિગતો સાંપડી છે.

કોર્પોરેશન દ્વારા કોરોનાના જાહેર કરાતા આંકડા ‘મેનેજ’ કરાતા હોવાની પોલ ઘણા વખતથી ખુલી જ ગઈ છે. શહેરના જ નહીં, જીલ્લાના આંકડાઓ પણ સાચા અપાતા નથી. ભાંડો ફુટતો હોવા છતાં સરકારે તે વિશે કોઈ ફોડ પાડતી નથી. માહિતગાર સૂત્રોએ એમ કહ્યું છે કે ગત વિક એન્ડમાં રાજકોટમાં 1500-1500 કેસ નોંધાતા હતા. સંક્રમણ ભયાનક સ્તરે વકરતુ હોય તેમ હવે આંકડો 2000ને આંબી ગયો છે.

ગઈકાલે રવિવારે એક જ દિવસમાં પોઝીટીવ કેસનો વાસ્તવિક આંકડો 2000થી પણ વધુનો હતો. 500થી વધુ આરટી-પીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. રેપીડ એન્ટીજન પોઝીટીવનો આંકડો 1500 જેટલો હતો. રાજકોટમાં હાલત વધુ ભયાનક થતી રહી છે તેનો સંકેત એ હકીકત પરથી પણ નીકળે છે તે શહેરની સીવીલ હોસ્પીટલમાં તબીબો-સ્ટાફની ઓફીસોમાં પણ કોરોના દર્દીઓ માટે ખાટકા ખડકાવા લાગ્યા છે.

સરકારી-ખાનગી હોસ્પીટલો સિવાય ઓડીટોરીયમ નાના નર્સીંગ હોમ-સમરસ હોસ્ટેલ વગેરેને તો કોવિડ હોસ્પીટલ- કેર સેન્ટરોમાં ફેરવવામાં આવી જ રહ્યા છે. સ્ટાફની શોર્ટેજને કારણે હોસ્પીટલની ઓફીસોમાં પણ દર્દીઓને સમાવવાનું શરૂ કરાયું છે. રવિવારે હોસ્પીટલમાં જગ્યા ન હતી અને એમ્બ્યુલન્સની લાઈનોના દ્રશ્યોથી જબ્બર ઉહાપોહ થયો હતો. નવા કેસની સાથોસાથ મોત મામલે પણ હાલત ચિંતાજનક જ બની રહી છે.

બીનસતાવાર અહેવાલ પ્રમાણે રવિવારે 45 કોવિડ દર્દીઓના મોત જાહેર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં તે તેનાથી ડબલ કરતા વધુ ત્રણ આંકડામાં હતા. રાજકોટના આરોગ્ય વિભાગના સતાવાર બુલેટીનમાં રવિવારે 45 તથા આજે સોમવારે 42 દર્દીઓના મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યુ હતું. કોર્પોરેશન-આરોગ્ય વિભાગ કે કોર્પોરેશન સંક્રમણ તથા મોતના આંકડાઓ વિશે સામાન્ય લોકોને અંધારામાં જ રાખતી હોવાની છાપ છે.


Related News

Loading...
Advertisement