રાજકોટમાં કોંગ્રેસ પડમાં આવી : બેડ-રેમડેસીવીરની અછતના મામલે ધગધગતી ફરિયાદ : આવેદન અપાયું

13 April 2021 08:31 AM
Rajkot Politics
  • રાજકોટમાં કોંગ્રેસ પડમાં આવી : બેડ-રેમડેસીવીરની અછતના મામલે ધગધગતી ફરિયાદ : આવેદન અપાયું

રેમડેસીવીર પાટીલને અપાયા તેમ અમને પણ આપો : અમે વિતરણ કરીશું : કોંગ્રેસને મીટીંગમાં બોલાવો

રાજકોટ તા.12
રાજકોટમાં મનપા ચૂંટણી બાદ શહેર કોંગ્રેસ કળ વળી છે. આજે વર્તમાન કોરોનાની સ્થિતિથી ભાંગી પડેલ વ્યવસ્થા, કામગીરીમાં લોલમલોલ, રેમડેસવીર બેડની અછતના મુદ્દે કોંગ્રેસ પડમાં આવી છે અને જિલ્લા કલેકટર કચેરીએ ફરિયાદ ઉઠાવી ઉગ્ર રજુઆત કરતું આવેદન આપેલું હતું.રાજકોટ શહેરના કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, પૂર્વ મેયર અશોક ડાંગર સહિતના આગેવાનોએ કરેલી ફરિયાદમાં એવુ જણાવ્યું હતું કે રેમડેસવીર ઇન્જેકશનની ભયંકર તંગી પ્રવર્તે છે. બજારમાં કયાય ઉપલબ્ધ નથી. ઠેર-ઠેર ઇન્જેકશન મળતા નથી. આ ઇન્જેકશન નહી મળવાને કારણે દર્દીઓની સ્થિતિ ગંભીર બને છે. કયાંક-કયાંક હોસ્પિટલો અથવા મેડીકલ સ્ટોર્સ દ્વારા વધારાના ભાવ લેવામાં આવે છે અને ગઇકાલે જ ભુતખાના ચોક પાસેના મેડીકલ સ્ટોર્સ અને તેની જ નજીકની હોસ્પિટલના સ્ટાફના નામ ખુલેલ છે જેમાં મેડીકલ સ્ટોર્સને સીલ કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ સામે કોઇ પગલા લેવામાં આવેલ નથી અને મેડીકલ સ્ટોર્સના માલિક સામે ફોજદારી-કોવિડ એકટ મુજબ પગલા લેવામાં આવ્યા નથી તો તાત્કાલીક મેડીકલ સ્ટોર્સ અને હોસ્પિટલના સંચાલકો સામે પગલા લેવામાં આવે અને હોસ્પિટલના સંચાલકો સ્ટાફનું નામ આપી પોતે છટકી જાય છે.


રેમડેસવીર માટે મઘ્યસ્થ વિસ્તરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે. ઓનલાઇન અને વોટસએપ મારફત રજીસ્ટ્રેશન કરવામાં આવે અને ક્રમાનુસાર એસએમએસ મારફત સગાને બોલાવી ઇન્જેકશન આપવામાં આવે. હોસ્પિટલમાં પથારી મળતી નથી. સિવિલ હોસ્પિટલમાં જગ્યા મળતી નથી ત્યારે શહેરના તમામ હોમને કોરોનાના દર્દીઓ દાખલ કરવાની મંજૂર આપવામાં આવે જેથી જરૂરીયાત મંદ દર્દીને ત્વરીત પથારી મળી રહે અને ઓકસીજન મળી રહે. સરકારી બિલ્ડીંગ અને ધાર્મિક સ્થળોએ કોવિડ સેન્ટર ખોલી અમુક ખાનગી હોસ્પિટલની લૂટફાટ બંધ કરાવવામાં આવે.


ગુજરાતની જનતા રેમડેસીવર ઇન્જેકશન માટે વલખા મારે ભાજપ પ્રમુખ 5000 ઇન્જેકશનનો જથ્થો ગેરકાયદેસર રીતે ભેગો કરે છે. સુરતમાં ભારતીય જનતા પક્ષના કાર્યાલયેથી રેમડેસીવીર ઇન્જેકશન વહેંચવામાં આવે છે. આ ભારતીય ઔષધ ધારાની કલમોનો સરેઆમ ભંગ છે. આ બાબતની તપાસ કરવામાં આવે અને પ્રમુખ પાટીલ અને જવાબદાર અન્ય વ્યકિતઓની ધરપકડ કરવામાં આવે.
કોરોનાની સારવારમાં જરૂરી તમામ દવાઓ, ઓકિસજનની ખૂંટ ન પડે તે બાબતનું નિયમન કરવું અને કોરોનાથી મૃત્યુ થયેલની અંતિમક્રિયા માટે સ્મશાન અને સબ-વાહિનીની સુવિધામાં વધારો કરવામાં આવે. આ મહામારીમાં આપને કયાંય પણ મદદની જરૂર પડે અમો મદદ માટે તૈયાર છીએ. અમારી માંગણી છે કે કોંગ્રેસ પક્ષને પણ રેમડેસવીર ઇન્જેકશન આપવામાં આવે જેથી અમોને પણ સુરતની જેમ રાજકોટમાં વિતરણ ચાલુ કરી શકીએ.


Related News

Loading...
Advertisement