નકલી આઈપીએસ સંકેત મહેતા 2 દિવસના રિમાન્ડ પર

13 April 2021 08:32 AM
Rajkot Crime
  • નકલી આઈપીએસ સંકેત મહેતા 2 દિવસના રિમાન્ડ પર

પુછપરછમાં આરોપી પોલીસ સમક્ષ ભાંગી પડયો, કહ્યું મારી જીંદગીની મોટામાં મોટી ભુલ થઈ: સંકેત પરિવારને પણ ખોટુ કહેતો, ઈન્ટરવ્યુનું કહીં ફરવા ચાલ્યો જતો, સત્ય હકીકત સામે આવતા માતા-પિતા પોલીસ મથકમાં રડી પડયા

રાજકોટ તા.12
સિવિલ હોસ્પીટલના કોવિડ કંટ્રોલ રૂમ ખાતે આઈપીએસ તરીકે ઓળખ આપી નકલી ઓળખકાર્ડ બતાવનાર સંકેત રાજકુમાર મહેતા (ઉ.વ.24, રહે. મંગલમ પાર્ક, કિતાબઘર પાસે, શ્રોફ રોડ)ને ક્રાઈમ બ્રાંચ પીએસઆઈ પી.જે.જાડેજા અને તેની ટીમે દબોચી લીધો હતો. તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
સંકેતના બનેવીના કાકાને રાજકોટ સીવીલની કોવિડ હોસ્પીટલમાં દાખલ કર્યા હોવાથી તેને સારી સારવાર મળી રહે તે માટે સંકેત કંટ્રોલ રૂમે જ મેડીકલ સ્ટાફ તેમજ ડોકટરોને મળી સારી સારવાર આપવાનું કહી આઈપીએસ અધિકારીની ઓળખ આપી રોક જમાવતો હતો. પોલીસની પુછપરછમાં સંકેત ભાંગી પડયો હતો અને કહ્યું હતું કે, આ તેની જીંદગીની મોટામાં મોટી ભુલ હતી. હવે તે યુપીએલસી પરીક્ષા પાસ કરી આઈપીએસ અધિકારી બનીને દેખાડશે.
સંકેત પોતાના ઘરે પણ ખોટુ બોલતો હતો તેણે 2019માં યુપીએલસીની પ્રિલીમરી પરીક્ષા આપી હતી અને તેમાં ફેઈલ થયો હતો છતાં ઘરે પાસ થયો હોવાનું કહેતો સગા-સંબંધીને પણ પોતે આઈપીએસ અધિકારી પરીક્ષામાં પાસ થયો હોવાનું જણાવતો. સંકેતનાં માતા-પિતાને હકીકતની જાણ થતા તેઓ પણ પોલીસ મથકમાં રડી પડયા હતા.
સંકેતે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હોવાનું બોગસ રીઝલ્ટ પણ પોતાના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કર્યું હતું અને સોશ્યલ મીડીયા પર પોતે આઈપીએસ તરીકે ઓળખ આપી અનેક યુવતીઓને પ્રભાવિત કરતો હતો તે આઈપીએસની ઓળખ આપી દિલ્હી, હરીયાણા અને મુંબઈની અંદાજે 50 યુવતીઓ સાથે ચેટીંગ કરતો હતો. યુપીએસસીની પરીક્ષામાં ફેઈલ થયો હોવા છતાં ઘરે પાસ થયો હોવાનું કહી ઈન્ટરવ્યુ આપવાનું બહાનું આપીને ફરવા ચાલ્યો જતો હતો. બાદમાં ઘરે ભાંડો ન ફૂટે તે માટે હવે પોતાને આઈએએસ અધિકારી બનવું છે તેમ કહેતો ફરતો હતો. સંકેતે નકલી અધિકારીના સ્વાંગમાં અન્ય કોઈ લોકો સાથે છેતરપીંડી કરી છે કે કેમ? તે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Related News

Loading...
Advertisement