વોર્ડ નં.9-10માં સૌથી વધુ ટેસ્ટીંગ, કેસ અને મૃત્યુ!

13 April 2021 08:36 AM
Rajkot
  • વોર્ડ નં.9-10માં સૌથી વધુ ટેસ્ટીંગ, કેસ અને મૃત્યુ!

વધુને વધુ પોશ એરીયા ઝપટમાં : શ્રોફ રોડ, જાગનાથ, ગુંદાવાડી, સાધુ વાસવાણી રોડ, યુનિ. રોડ સહિતના વિસ્તારોમાં વાયરસનો ભરડો : વોર્ડ નં.ર,7,9,10,14 સહિતના વિસ્તારોમાં રોજ નોંધાતા સેંકડો દર્દી

રાજકોટ, તા. 1ર


રાજકોટ મહાનગરના લગભગ હવે કોઇ વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઓછું હોય તેવું કહી શકાતું નથી ત્યારે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં વધુને વધુ પોશ એરીયા આવતા જાય છે. હાલ છેલ્લા થોડા દિવસોથી જયાં કેસ વધ્યા છે તેમાં વોર્ડ નં.રના શ્રોફ રોડ સહિતના અનેક વિસ્તાર આવી ગયાનું જાણવા મળ્યું છે. તો અત્યાર સુધીમાં નોંધાયેલા સત્તાવાર અને બીનસત્તાવાર કેસ સાથે પૂરા રાજકોટમાં વોર્ડ નં. 9 અને 10માં સૌથી વધુ ખરાબ હાલત હોવાનું જાણવા મળેલ છે.


રાજકોટમાં છેલ્લા દસેક દિવસ પહેલા વધુને વધુ પોશ એરીયા અને ન્યુ રાજકોટના ભાગો વધુ સંક્રમિત લાગતા હતા. મધ્ય રાજકોટના વોર્ડ નં. 7 અને 14માં પણ સમુહમાં કેસો આવવા લાગ્યા છે. તેમાં હવે થોડા દિવસથી વોર્ડ નં.રના શ્રોફ રોડ સહિતના રીચ એરીયામાં ખુબ સંક્રમણ વધી ગયું છે. અહીં પણ ઘણા એપાર્ટમેન્ટ અને બંગલામાં દર્દીઓની સંખ્યા વધવા લાગી છે.મહાનગરની એકંદર વાત કરીએ તો વોર્ડ નં.ર,7,9,10,14માં તો સ્થિતિ કાબુ બહાર જ છે તેમાં હવે સામાકાંઠાના વોર્ડ નં. 4,પ,6,1પમાં પણ નવા દર્દીઓ નોંધાવા સાથે મૃત્યુ પણ ધડાધડ થવા લાગ્યા છે. કોઇને બેડ મળતા નથી. તો કેટલાક કેસમાં તો નિદાન પણ નહીં થતું હોવાનું જાણવા મળેલ છે.


વિસ્તારના લોકો અને આરોગ્ય તંત્રના વિશ્ર્વાસપાત્ર વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ પૂરા રાજકોટના તમામ 18 વોર્ડમાં સંપૂર્ણ સંક્રમણ પ્રસરી ગયું છે. આરટી-પીસીઆર ટેસ્ટના રીપોર્ટ બેથી ત્રણ દિવસે આવતા હોય તે દરમ્યાન ચેપ ફેલાવતા દર્દીઓનો કોઇ વાંક પણ હોતો નથી. તેઓના સંપર્કથી અન્ય સામાન્ય લોકો પ્રભાવિત થઇ જાય છે. હાલ આટલા સમયમાં નોંધાયેલા સત્તાવાર ર3 હજાર જેટલા કેસ અને સત્તાવાર 18ર જેટલા મૃત્યુમાં સૌથી વધુ અસર આંકડાની દ્રષ્ટિએ વોર્ડ નં.9 અને 10માં હોવાનું જાણવા મળ્યું છે.


1પ0 ફુટ રોડની બંને તરફના આ વોર્ડના ભાગમાં કેસ ખુબ વધી ગયા છે. યુનિ. રોડ, ઇન્દીરા સર્કલ, રૈયા એકસચેન્જ, રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક, આકાશવાણી ચોક, પુષ્કરધામ સહિતના વિસ્તારોમાં ખુબ સંક્રમણ છે. પુરા રાજકોટના કેસમાં સૌથી વધુ દર્દી, સૌથી વધુ ટેસ્ટીંગ અને સૌથી વધુ અવસાન પણ આ બંને વોર્ડમાં થયાનું લાગુ પડતા આરોગ્ય કેન્દ્રમાંથી જાણવા મળે છે.
હાલ આ તમામ વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે અને વધુ વિકટ બનતી જાય છે.


Loading...
Advertisement