AMCએ બે અધિકારીઓના નંબર જાહેર કર્યા પણ ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાને રેમડેસીવિર ઇન્જેક્શન લાવવા દબાણ

13 April 2021 10:20 AM
Ahmedabad Gujarat
  • AMCએ બે અધિકારીઓના નંબર જાહેર કર્યા પણ ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાને રેમડેસીવિર ઇન્જેક્શન લાવવા દબાણ

કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે રેમડિસિવિર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે

અમદાવાદ:
અમદાવાદ શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ હાઉસફુલ થઈ રહ્યા છે તેવા સંજોગોમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન સમયસર મળી રહ્યાં નથી. શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાને રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે પણ ખાનગી હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે સંકલનના અભાવે દર્દીઓના સગાને પરેશાની ભોગવવી પડી રહી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે રેમડિસિવિર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. અહીંથી દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન મળે તે માટે વ્યવસ્થા કરાઈ છે જેમાં ખાનગી હોસ્પિટલ પોતાના લેટરપેડ ઉપર તેમના પ્રતિનિધિને મોકલે તો ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનો દાવો કરાય છે પણ ખાનગી હોસ્પિટલ દ્વારા પોતાના પ્રતિનિધિને મોકલવામાં આવતા નથી અને દર્દીઓના સગાને રેમડેસિવિર ઇન્જેક્શન લેવા મોકલાઈ રહ્યાં છે.

કેટલાંક કિસ્સાઓમાં તો ખાનગી હોસ્પિટલને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન રેમડિસિવિર ઇન્જેક્શન આપી રહ્યાંની વ્યવસ્થાની સત્તાવાર માહિતી પણ અપાઈ નથી. હાલની સ્થિતિમાં રેમડિસિવિર ઇન્જેક્શનની અછતનો માહોલ યથાવત છે. આ સ્થિતિમાં દરેક દર્દી સુધી રેમડિસિવિર ઇન્જેક્શન પહોંચે તેવી સુદ્રઢ વ્યવસ્થા સ્થપાઈ શકી નથી. આ સ્થિતિ ચિંતાજનક છે.


Related News

Loading...
Advertisement