રિલાયન્સ-ફ્યુચર ગ્રુપના કરોડોના સોદાનુ ભવિષ્ય હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે

16 April 2021 08:59 AM
Business India
  • રિલાયન્સ-ફ્યુચર ગ્રુપના કરોડોના સોદાનુ ભવિષ્ય હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે

ફ્યૂચર કૂપન્સનો હિસ્સો ખરીદતી વખતે અમેઝોને મેળવેલા અધિકારથી 24,713 કરોડના સોદામાં ફસાયો પેચ

નવી દિલ્હીઃ
વિશ્વની સૌથી મોટી ઓનલાઇન કંપની અમેઝોને રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચેના સૌદા માં ફાચર પાડી છે. હવે 24,713 કરોડ રૂપિયાના ડીલનું ભવિષ્ય સર્વોચ્ચ અદાલત નક્કી કરશે. અમેઝોને દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં SLP (ખાસ રજા અરજી) દાખલ કરી છે. એટલું જ નહીં ઈ-કોમર્સ કંપનીએ હાઇકોર્ટના ચુકાદાને ગેરકાયદે ગણાવી દીધું છે.

અમેઝોને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે SLP
અમેઝોને 22 માર્ચ 2021 ના રોજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી સ્પેશિયલ લિવ પિટિશનમાં હાઈકોર્ટના આદેશને મનમરજીનું, ગેરકાયદેસર, ગેરવાજબી અને ન્યાય વિરોધી ગણાવ્યો છે. સાથે જ તેણે આ મામલે અગાઉ દાખલ કરેલી અરજીઓના ચુકાદા આવવા સુધી હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે મુકવાની માંગ કરી છે.

ઓગસ્ટ 2020માં રિલાયન્સ-ફ્યુચર ગ્રુપનિ ડીલ થઇ હતી
નોંધનીય છે કે કિશોર બિયાણીના ફ્યૂચર ગ્રુપ પાસે ફ્યૂચર રિટેલ પાસે બિગબજાર જેવી મોટી બ્રાન્ડ છે. જ્યારે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશમાં રિટેઇલ બિઝનેસ શરુ કરવા માંગે છે. તેથી બંને કંપનીઓએ 29 ઓગસ્ટ 2020ના રોજ 24,713 કરોડ રુપિયાનો સોદો કર્યો હતો. તેને પગલે રિલાયન્સને બિગ બજારની સાથે ફ્યૂચર ગ્રુપના અન્ય રિટેઇલ, ગોદામો, લોજિસ્ટિક અને જથ્થાબંધ બિઝનેસનો માલિકી હક મળવાનો હતો. પરંતુ મામલો કોર્ટમાં પહોંચી ગયો.

અમેઝોને 2019માં ફ્યૂચર કૂપન્સનો હિસ્સો ખરીદ્યો હતો
રિલાયન્સ-ફ્યૂચર ડીલમાં અમેઝોને બાજી મારી છે. વાસ્તવમાં ફ્યૂચર રિટેલમાં ગ્રુપની જ અન્ય એક કંપની ફ્યૂચર કૂપન્સની ભાગીદારી છે. જેમાં અમેઝોને 2019માં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. સાથે ફ્યૂચર ગ્રુપ ભવિષ્યમાં જ્યારે પણ કંપનીનો હિસ્સો વેચશે તો સૌથી પહેલો હક તેનો હશે, તેવો અધિકાર પણ મેળવ્યો હતો.

સિંગાપોરની મધ્યસ્થી કોર્ટે અમેઝોનના હકમાં ચુકાદો આપ્યો
અમેઝોને પોતાને મળેલા અધિકારની રૂએ સિંગાપોરની મધ્યસ્થી અદાલત (આર્બિટ્રેશન કોર્ટ)માં અરજી મૂકી હતી. કોર્ટે 25 ઓક્ટોબર 2020ના રોજ તેના હકમાં ફેસલો આપ્યો હતો. જેથી રિલાયન્સ-ફ્યુચર સોદો હાલ અટકી પડ્યો છે.

અમેઝોને તે સાથે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી .જેના અનુસંધાનમાં જસ્ટિસ મીઢાની સિંગલ બેન્ચે 18 માર્ચે ફ્યૂચર ગ્રુપ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. તેમજ આ સોદામાં આગળ વધવા અંગે પણ રોક લગાવી દીધી હતી.

દિલ્હી હાઇકોર્ટની સિંગલ બેન્ચે સોદો અટકાવ્યો
જસ્ટિસ મીઢાએ સાથે ફ્યૂચર ગ્રુપને નોટિસ પણ આપી હતી. જેમાં પુછ્યું હતું કે સિંગાપોરની મધ્યસ્થી કોર્ટના આદેશનું જાણીજોઇને ઉલ્લંઘન કરવા બદલ શા માટે કંપનીના અધિકારીઓને ત્રણ મહિનાની જેલની સજા કેમ ન કરાય? ઉપરાંત કંપની અને તેના ડાયરેક્ટર પર 20 લાખ રૂપિયાનો દંડ પણ કરી દીધો હતો.

ડિવિઝન બેન્ચે સોદાને લીલીઝંડી આપી
પરંતુ દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે 22 માર્ચ 2021ના રોજ રિલાયન્સ -ફયૂચરના સોદા ને આગળ વધવા મંજૂરી આપી દીધી હતી. બેન્ચે જેઆર મીઢાની દિલ્હી હાઇકોર્ટના સિંગલ બેચના 18 માર્ચના આદેશ પર સ્ટે મૂકી પણ મૂકી દીધો. જેની સામે અમેઝોને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.


Related News

Loading...
Advertisement