સૌરાષ્ટ્રમાં આજથી વીક એન્ડ લોકડાઉન; હવે જરૂર છે સૌએ ઘરમાં રહેવાની

17 April 2021 01:22 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં આજથી વીક એન્ડ લોકડાઉન; હવે જરૂર છે સૌએ ઘરમાં રહેવાની

ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બરની બેઠક મળી : અમરેલીમાં અઠવાડિયાના સ્વૈચ્છિક લોકડાઉનનો વિચાર : જૂનાગઢમાં 30 એપ્રિલ સુધી સાંજે દાણાપીઠ બંધ : રાજકોટ, જામનગર, ભાવનગરમાં અનેક વેપારી સંગઠનોએ આજે સાંજથી સોમવાર સવાર સુધી વેપાર-ધંધા-ઉદ્યોગ બંધ રાખવા આપ્યા એલાન

રાજકોટ, તા. 16
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના બેકાબુ છે ત્યારે સરકારની રાહ જોયા વગર શહેરો, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં અડધો દિવસના સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યા છે. હવે આજે શુક્રવારે રાત્રીથી મહાનગરો સહિતના અનેક સ્થળોએ રવિવાર સવાર એટલે એ અઢી દિવસના લોકડાઉન શરૂ થઇ રહ્યા છે. અમરેલીમાં રવિવારથી એક સપ્તાહના લોકડાઉનની તૈયારી છે.ચારે તરફ ગંભીર થયેલી સ્થિતિ વચ્ચે માત્ર સ્વૈચ્છિક લોકડાઉન બહુ કામ કરતા નથી તેવા અનુભવ છે. આથી તમામ નિયમોના કડક અમલ અનિવાર્ય છે તેમાં પણ હવે વીક એન્ડમાં નાગરીકો ઇમરજન્સી સિવાય ઘરમાં જ રહે અને કયાંય બહાર ન જાય તો જ કોરોના ચેઇન તોડવામાં થોડી સફળતા મળે તેમ છે. રાજકોટમાં સોની બજાર, માર્કેટ યાર્ડ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ રવિવાર સુધી બંધ રહેવાના છે. અનેક ઉદ્યોગૃહોએ બંધની જાહેરાત વ્યકિતગત રીતે કરી છે જામનગર, ભાવનગર જેવા શહેરોમાં પણ વીક એન્ડ લોકડાઉનના પ્રયાસો થઇ રહ્યા છે.


સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હાલની કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિમાં વેપાર-ઉદ્યોગ દ્વારા સાવચેતી અંગે તકેદારીના શું પગલા લેવા જોઇએ તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે ભાવનગરનાં વિવિધ વેપારી એસોસીએશન સાથે ચેમ્બર હોલ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવતા વિવિધ વેપારી એસોસીએશનનાં 40 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા.આ મીટીંગમાં તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં સંક્રમણની ચેઇન તોડવા માટે તા. 30 સુધી શનિ-રવિ એમ બે દિવસ વેપાર-ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન રાખવું જોઇએ. તા. 30 પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવામાં આવશે. સાથે સાથે લોકડાઉન સંપૂર્ણ સફળ થાય તે માટે વહીવટી તંત્રનો પણ સહયોગ લેવો જોઇએ. ઉપસ્થિત તમામ એસોસીએશન દ્વારા આ સ્વૈચ્છિક લોકડાઉન અંગે સૌરાષ્ટ્ર ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.


અંતમાં સમગ્ર ચર્ચાનું સમાપન કરતા સૌરાષ્ટ્ર ચેમ્બરનાં પ્રમુખ કિરીટભાઇ સોનીએ જણાવેલ કે કોરોના સંક્રમણની ચેઇન તુટે તે માટે સૌએ સજાગ પણ રહેવું પડશે. માત્ર બે દિવસ ધંધા રોજગાર બંધ રાખવા તે પુરતું નથી પરંતુ આ બે દિવસ દરમિયાન અત્યંત જરૂરી હોય તો જ લોકોએ ઘરની બહાર નીકળવું જોઇએ. અન્યથા ઘરમાં જ રહેવું જોઇએ. તેવી રીતે શહેરના અન્ય શહેરીજનોએ પણ આ બે દિવસ દરમિયાન ઘરમાં જ રહેવું જોઇએ. લોકોએ શુકવારે રાત્રીના 8 કલાકથી સોમવારે સવારના 8 કલાકનો સમય ગણીએ તો ફકત 60 કલાક પોતાના ઘરમાં જ રહેવાનું છે. આ રીતે સ્વયંશિસ્તનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સંક્રમણની ચેઇન તુટશે. આ ઉપરાંત બે દિવસનું લોકડાઉન સફળ થાય તે માટે દરેક એસોસીએશનની કારોબારીના પાંચ સભ્યોએ તેમના એસો.ના દરેક સભ્યો લોકડાઉનનું ચુસ્ત રીતે પાલન કરે તેની તકેદારી રાખવી જોઇએ. મીટીંગમાં ચેમ્બરના પ્રમુખ કિરીટભાઇ સોની, માનદ મંત્રી કેતનભાઇ મહેતા, ચેમ્બરની રીટેઇલ ટ્રેડ કમીટીના ચેરમેન નીતિનભાઇ પટેલ અને ચેમ્બરના મેનેજીંગ કમીટીનાં સભ્યો ઉપસ્થિત રહેલ હતા.
જુનાગઢ
જૂનાગઢ નદાણાપીઠના ગ્રેઈન સીડ્ઝ એન્ડ સુગર મર્ચન્ટ એસોસીએશન દ્વારા આગામી 30 એપ્રિલ સુધી સવારે 09 થી 04 સુધીજ દાણાપીઠ ખુલ્લુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે
એસોસીએશન ના વેપારીઓ દ્વારા ખાસ જણાવવાયુ હતુ કે, કોરોના નો કાળો કહેર જૂનાગઢ શહેરમાં પણ ચરમસીમાએ પહોંચી ગયો છે. કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી અને સારવાર માટે લોકો રીતસર લાચાર બની રહ્યા છે ત્યારે એસોસીએશનનાં દરેક સભ્યોની અને તેમના પરિવારના લોકો નાં સ્વાસ્થ્ય માટે ની ચિંતા કરતાં એસોસીએશન ના પ્રમુખ રાજુભાઈ જોબનપુત્રા ની સ્પષ્ટ સુચના થી આજે તાત્કાલિક કારોબારી ની મીટીંગ મળી હતી અને એમાં નક્કી થયા મુજબ જૂનાગઢ દાણાપીઠ બજાર નું કામકાજ અને વેપાર નો સમય આજથી આગામી 30-એપ્રિલ સુધી સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી નો રાખવા નિર્ણય લેવાયો હતો દરેક સભ્યોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે બાકીના સમયમાં ઘર પર જ રહીને બહાર જવાનું ટાળવું ખુબ જરૂરી છે. અને તો જ આ નિર્ણય નો ઉદ્દેશ સિધ્ધ થશે.
માર્કેટ ના તમામ કામકાજ 4 વાગ્યા પછી બંધ થઈ ને બીજા દિવસે સવારે જ શરૂ થશે જેની તમામ ગ્રાહકોને નોંધ લેવા જણાવાયું હતું આ ઉપરાંત વેપારીઓના ખાસ નોંધ લેવા જણાવાયું હતું કે આવેલાં માલ ને ઉતારવા માટે 4 વાગ્યા સુધી નો પુરતો સમય મળી રહે છે. રાત્રે 8 પછી સંપૂર્ણ કરફ્યુ ના નિયમોનું પાલન કરવા એસોસિયેશનના સેક્રેટરી નિતેશભાઈ સાગલાણી દ્વારા જણાવાયું હતું.
અમરેલી
અમરેલીમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વેપારીઓ પણ આગળ આવ્યા છે. વેપારી મહામંડળનાં પ્રમુખ સંજય વણઝારાએ જણાવેલ છે કે, અમરેલી શહેરમાં 18 એપ્રિલ રવિવારથી રપ એપ્રિલ સુધી એક અઠવાડીયા સુધી સ્વૈચ્છીક લોકડાઉન લાગું કરવાની તૈયારી શરૂ કરી છે.તેઓએ જણાવ્યું હતું કે, શહેરીજનો શુક્રવાર અને શનિવારે જીવનજરૂરી ખાદ્ય સામગ્રી એકત્ર કરી શકે તે માટે રવિવારથી સ્વૈચ્છીક લોકડાઉન લાગું કરવાનો નિર્ણય કરાશે અને એક અઠવાડીયા સુધી માત્ર મેડિકલ સ્ટોર સિવાય અન્ય દુકાનો જેમાં કરિયાણાની દુકાનો પણ બંધ રાખવામાં આવશે અને બપોર સુધી શાકભાજી અને ફ્રૂટની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે.
લીલીયા-કણકોટ
લીલીયા તાલુકાનાં નાના કણકોટ ગામે સંપૂર્ણ સ્વૈચ્છીક લોકડાઉનકરવામાં આવેલ છે. ગામમાં એક મહિનાની અંદર ચાર લોકોનાં મૃત્યુ થયા છે. આ નાના ગામમાં અત્યારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સરપંચ હસમુખ પોલરા, ઉપ સરપંચ પ્રતાપભાઈ ખુમાણ અને ગામ લોકો સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવેલ છે. સાથે રસીકરણ કેમ્પ યોજાઈ છે. દરેક ગામજનોને રસીના ડોઝ લેવાની અપીલ કરવામાં આવે છે.
જસદણ
જસદણ વિંછીયા પંથકમાં કોરોનાએ કાળો કેર યથાવત ભાડલા ગામે વધુ પંદર દિવસ આગામી તા. 30 એપ્રિલ સુધી સ્વૈચ્છીક અડધો દિવસ બંધ કરવાનું મીટીંગમાં સર્વાનુમતે જાહેર થયું છે. જસદણમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો એક હજારને પાર કરી ગયો છે. જેમાં વેપારીઓ સોમવાર સુધી અડધો દિવસ બંધ રાખી રહ્યા છે, આવા માહોલ વચે જસદણના ડી.એસ.વી.કે. હાઇસ્કુલ પાસે આટકોટ રોડ પર ફ્રુટવાળા અને લીલા નારીયેળ વેચનારાઓ છેલ્લા બે દિવસથી કોરોનાના દર્દીઓના સગા સંબંધીઓ પાસે ફળનો બેફામ ભાવ લઇ રહ્યા હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બન્યું છે.
કોટડાસાંગાણી
કોટડાસાંગાણી સહિતનાં છ ગામમાં લોકડાઉન કરવામાં આવેલ છે. દરેક દુકાનદારોને લોકોને કોઇ એક જગ્યા ઉપર એકઠા થવું નહીં તેમ જણાવાયું છે. ગામમાં લોકડાઉન દરમિયાન જો કોઇ વ્યકિતનો નિયમનો ભંગ કરશે જેના સામે દંડ સહિત કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે વેપારીઓએ નિયમનું પાલન કરવાનુ રહેશે.
જોડીયા-લીંબુડા
જોડિયા તાલુકાની લીંબુડા ગ્રામ પંચાયતના સરપંચ બીપીનભાઇ નાગપરા દ્વારા રર એપ્રિલ સુધી સવારે 6 થી 10 વાગ્યા સુધી જ બજારો ખુલ્લી રાખી સ્વૈચ્છિક લોકડાઉન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી છે.
બાબરા-કોટડાપીઠા
બાબરા તાલુકામાં કોટડાપીઠા ગામે કોવિડ-19ના સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા વેપારીની મીટીંગ રાખવામાં આવેલ હતી. જેમાં 30/4 સુધી સવારના 6 થી ર સુધી જીવન જરૂરીયાતની દુકાન ખુલ્લી રાખી શકાશે. ત્યારબાદ તમામ દુકાનો સંપૂર્ણ બંધ રહેશે. કામ સિવાય બહાર ન નીકળવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક ફરજીયાત તેમજ 4પ વર્ષથી મોટી ઉંમરના લોકો રસી મુકાવે તેના પ્રયત્ન કરવા આ સમય દરમ્યાન કોઇ નિયમનો ભંગ કરશે તેને રૂા. 1000 દંડ નકકી કરવામાં આવેલ છે આ બેઠકમાં સરપંચ ઉપસરપંચ તેમજ ગામનાં તમામ વેપારી હાજર રહ્યા હતા. વાવડા, કોટડાપીઠા, ગરણી વગેરે ગામોમાં કોરોનાથી મૃત્યુ પણ થયા છે.
બાબરા-ધરાઇ
હાલ કોરોના ની સંક્રમણ વધતા દરેક ગામમાં કેસ જોવા મળી રહ્યા છે ત્યારે વધુ સંક્રમણ નો ફેલાઈ અને લોકો વધુ સચેત અને તંદુરસ્ત રહે તેવા હેતુ સાથે ગામડાંઓમાં સ્વંયભુ લોકડાઉન લાગવા લાગ્યું છે. ત્યારે બાબરા તાલુકાના ધરાઈ ગામમાં સરપંચ મિતુલભાઈ જોષીના અઘ્યક્ષ સ્થાને ગામ લોકો અને સભ્યોની એક બેઠક યોજાઇ હતી. જેમાં ગામના તમામનાગરિકો તેમજ તમામ દુકાનદારો સાથે મળીને કોરોના સામે લડવા મક્કમતા બતાવી ધરાઈ ગામને સ્વૈચ્છીક લોક ડાઉન કરીને કોરોનાને અટકાવવાના તમામ પ્રયાસો કરવા સાથ અને સહકાર આપવા તૈયારી બતાવી હતી.
આ તકે સરપંચ મિતુલભાઈ જોષી, બાબરા પોલીસ સ્ટાફ પંડીયાભાઈ, સંજયસિંહ તેમજ આગેવાન મહેન્દ્રભાઈ, બાબુભાઈ, દીલાભાઈ, રમેશભાઈ મિસ્ત્રી, ઘનાભાઈ સાવલિયા, અરુણભાઈ, સંજયભાઈ સતાની, વિરલભાઈ, પ્રકાશભાઈ, સંદીપભાઈ વિગેરે હાજર રહીને ધરાઈ ગામે 1પ એપ્રિલ થી 30, એપ્રિલ સુધી સવારે 6 થી 9 અને સાંજે 6 થી 9 દુકાનો ખુલી રહેશે અને બાકીના સમયમાં ગામ સદંતર બંધ રાખવા નક્કી કરવામાં આવ્યું છે.
-------------Related News

Loading...
Advertisement