માસ પ્રમોશનનો નિર્ણય ઘાતક; ઈન્ટરનલ પરીક્ષાના મૂલ્યાંકનના આધારે છાત્રોને પ્રમોટ કરવા જરૂરી

18 April 2021 12:09 AM
Government Gujarat
  • માસ પ્રમોશનનો નિર્ણય ઘાતક; ઈન્ટરનલ પરીક્ષાના મૂલ્યાંકનના આધારે છાત્રોને પ્રમોટ કરવા જરૂરી

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી - શિક્ષણમંત્રીને રજુઆત

રાજકોટ તા.17
તાજેતરમાં રાજય સરકાર દ્વારા ધો.1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો લેવાયેલ નિર્ણય આવકારદાયક છે પરંતુ આ નિર્ણયની આખુ વર્ષ આપવામાં આવેલ ઓનલાઈન શિક્ષણ અને હોમ લર્નીંગ પર ઘાતક અસર જોવા મળશે તેવુ ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનુ માનવુ છે. આ નિર્ણયમાં વિદ્યાર્થીઓના હિતમા સીબીએસસી બોર્ડની જેમ શાળાઓ દ્વારા લેવાયેલ ઈન્ટરનલ પરીક્ષાઓના મૂલ્યાંકનના આધારે ઉપલા વર્ગમાં પ્રમોટ કરવા જેવો થોડો ફેરફાર કરવા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા રાજય મહામંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ અંગે વધુ વિગત આપતા ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યુ હતુ કે માસ પ્રમોશનના નિર્ણયને લીધે જે આખુ વર્ષ મહેનત કરી અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યુ છે તેનુ અવમૂલ્યન થશે. ગત વર્ષમાં ગુજરાતની દરેક શાળાઓ અને સરકારના શિક્ષણ વિભાગે ખૂબ મહેનતથી ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા સફળતાથી ચલાવી છે તેનો હેતુ કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વિમુખ ન રહે તેવો હતો.


હવે જો માસ પ્રમોશન આપવાનુ જરૂરી હોય તો દરેક શાળાએ ઓનલાઈન ભણાવેલ કોર્ષમાંથી ઓનલાઈન કે ઘર બેઠા પરીક્ષા લઈને વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં રજીસ્ટ્રેશન કરીએ કે પ્રમોટ કરીએ તો વિદ્યાર્થીઓમા શિક્ષણ અને શાળાઓનુ મહત્વ જળવાઈ રહેશે. નહિતર આગામી વર્ષમાં ઓનલાઈન શિક્ષણ, પરીક્ષાઓ કે શાળાઓનુ વિદ્યાર્થીઓમાં કોઈ જ મહત્વ રહેશે નહીં.આ સંજોગોમાં જો શાળાઓ શિક્ષકોને નાછૂટકે છૂટા કરે તો શૈક્ષણિક બેકારી વધશે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા જેવી રીતે એસ.એસ.સી.ની પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને શાળાની પરીક્ષાઓ (શાળાઓની ઈન્ટરનલ એકઝામના મૂલ્યાંકનના આધારે) દ્વારા ઉપલા ધોરણમાં જવા પ્રમોટ કરાયા તેવુ ગુજરાત રાજય પણ કરે તે જરૂરી છે.


આ માટે ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા અને મહામંત્રી રાજેશભાઈ નાકરાણી દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખી શિક્ષણકના અને વિદ્યાર્થીઓના હિતમાં ઉપર જણાવેલ ફેરફાર કરવા અપીલ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement