લાશ માટે પણ લાઇનમાં ઉભા રહો, સરકાર જનતાને કેટલી પરેશાન કરશે : હાર્દિક પટેલ

18 April 2021 02:17 AM
Ahmedabad Gujarat
  • લાશ માટે પણ લાઇનમાં ઉભા રહો, સરકાર જનતાને કેટલી પરેશાન કરશે : હાર્દિક પટેલ

ગુજરાતમાં માત્ર કોરોનાને કારણે નહીં પણ સ્વાસ્થ્યની સુવિધા ન મળવાને કારણે લોકોના મોત થઇ રહ્યા છે

ગાંધીનગર, તા.17
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યુ છે ત્યારે દર્દીઓને હોસ્પિટલમાં બેડ અને ઓક્સીજન મળતા નથી. હોસ્પિટલમાં બેડ ખાલી ના હોવાને કારણે દર્દીઓએ એમ્બ્યુલન્સની અંદર જ સારવાર લેવી પડે છે જેને કારણે રાજ્યમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યા છે.
હાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યું, ગુજરાતની જનતા કોની કોની માટે લાઈનમાં ઉભી રહેશે. પહેલા કોરોના ટેસ્ટ માટે લાઇનમાં લાગ્યા પછી હોસ્પિટલમાં બેડ માટે લાઇનમાં લાગ્યા, પછી રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઇનમાં લાગ્યા અને હવે પોતાના પરિવારજનોની લાશ માટે પણ લાઇનમાં ઉભા રહેવુ પડે છે. આ સરકાર જનતાને કેટલુ પરેશાન કરશે.
આ પહેલા પણ હાર્દિક પટેલે ટ્વીટ કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં માત્ર કોરોનાને કારણે નહીં પણ સ્વાસ્થ્યની સુવિધા ના મળવાને કારણે લોકોના મોત થઇ રહ્યા છે.

સંયુક્ત દળની બેઠક બોલાવવા કરી હતી માંગ
હાર્દિક પટેલે રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને સંયુક્ત દળની બેઠક બોલાવવાની પણ માંગ ફરી એક વાર કરી હતી. હાર્દિક પટેલે કહ્યુ હતું કે, છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં કોરોના મહામારીને કારણે પરિસ્થિતિ ઘણી ખરાબ છે છતા પણ સંયુક્ત દળની બેઠક કરવામાં ભાજપને શું તકલીફ છે. ગુજરાતના 182માંથી 65 ધારાસભ્ય કોંગ્રેસના છે છતા પણ વિપક્ષને મહત્વ ન આપવો ક્યાંનો ન્યાય છે. ભાજપ પોતાની મનમાની કરી જનતાને દુ:ખી કરી રહી છે.


Related News

Loading...
Advertisement