કુંભમેળામાંથી પરત ફરતા ગુજરાતના લોકોને સીધો પ્રવેશ નહીં મળે: ટેસ્ટ કરાશે

18 April 2021 04:39 AM
Ahmedabad Gujarat
  • કુંભમેળામાંથી પરત ફરતા ગુજરાતના લોકોને સીધો પ્રવેશ નહીં મળે: ટેસ્ટ કરાશે

કુંભમેળાના સંક્રમણને ધ્યાને લઈ રાજય સરકારનો નિર્ણય

અમદાવાદ તા.17
હરિદ્વારમાં પવિત્ર કુંભમેળામાં ગયેલ ગુજરાતના નાગરિકો પરત આવે ત્યારે સીધો પ્રવેશ નહીં આપવા અને કવોરન્ટાઈન- ટેસ્ટ કરાયા બાદ આવવા દેવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. હજારો-લાખો લોકોની હાજરીવાળા કુંભમેળામાં સંક્રમણ ફેલાયુ છે.

સંખ્યાબંધ સાધુ, સંતો, અનુયાયીઓ સંક્રમીત બન્યા છે. બીજા નંબરના સૌથી મોટા અખાડાના અધ્યક્ષ કોરોનાનો શિકાર પણ બન્યા છે તેને પગલે 13માંથી 13 અખાડાએ કુંભ સમાપ્તીની ઘોષણા કરી દીધી છે. ગંગાના પાણીમાં ડુબકી લગાવવામાં આવી હોવાથી તેના પાણીથી કોરોના પ્રસરવાની ચેતવણીએ વૈજ્ઞાનિકોએ આપતા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હવે કુંભમેળો માત્ર પ્રતિકાત્મક રાખવા તથા તે રોકવાની અપીલ કરી છે.

કુંભમેળામાં સંક્રમણની આ ગંભીર હાલતને ધ્યાનમાં રાખી રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત કુંભમેળામાંથી પરત આવતા ગુજરાતના લોકોને સીધા આવવા નહીં દેવાય. તેઓને કવોરન્ટાઈન કરીને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. નેગેટીવ માલુમ પડયે જ ગુજરાતમાં પ્રવેશ કરવા દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી કુંભમેળામાં ગયેલા 300 જેટલા ભાવિકો પરત આવતા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી 13 પોઝીટીવ માલુમ પડયા હતા.


Related News

Loading...
Advertisement