તેલ-તેલીબીયામાં બેફામ સટ્ટાખોરી: વાયદા પર પ્રતિબંધ મુકો: વડાપ્રધાનને રજુઆત

18 April 2021 04:58 AM
Rajkot Top News
  • તેલ-તેલીબીયામાં બેફામ સટ્ટાખોરી: વાયદા પર પ્રતિબંધ મુકો: વડાપ્રધાનને રજુઆત

ગુજરાત ખાદ્યતેલ મંડળના પ્રમુખ સમીર શાહનો કેન્દ્રને પત્ર

ખાદ્યતેલોમાં ભાવ વધારાએ માઝા મુકી છે અને લગભગ તમામ તેલના ભાવો રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. અસામાન્ય તેજી પાછળનું એક મોટુ કારણ બેફામ સટ્ટાખોરી ગણાવવામાં આવી રહી છે. ત્યારે તેલ ઉદ્યોગનાં નવા સંગઠન ગુજરાત સ્ટેટ એડીબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડઝ એસોસીએશને તેલ તેલીબીયાના વાયદા પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. તેલ ઉદ્યોગની સંસ્થાના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને એવી રજુઆત કરી છે

કે ભારતને આત્મનિર્ભર બનાવવાની નીતિ અપનાવી છે. ભારતની ખાદ્યતેલની આયાત ઘટી રહી છે. તેલીબીયાનાં ઉત્પાદનમાં પણ વૃદ્ધિ છે. પરંતુ તેલ-તેલીંબીયામાં બેફામ સટ્ટાખોરી તથા વાયદાનાં વેપારને કારણે તેલ ઉદ્યોગ ધૂળધાણી થવાનો ખતરો સર્જાયો છે. કૃષિ કોમોડીટીઝમાં બેફામ વાયદા વોલ્યુમ છે. વાસ્તવમાં વાયદાનો હેતુ ખેડુતો સહીત સમગ્ર ઉદ્યોગને તંદુરસ્ત અને સ્થિર રાખવાનો હોય છે તેના બદલે તેનાથી ઉદ્યોગ ભાંગવા લાગ્યો છે.

છેલ્લા કેટલાંક મહિનાથી વાયદામાં વોલ્યુમ અને વધઘટ અસામાન્ય છે પ્રતિ કિલોએ બે-ચાર રૂપિયાની વધઘટ સામાન્ય થઈ ગઈ છે. એટલે હાજર માર્કેટમાં ભાવ મોરચે તકલીફ થઈ રહી છે.સટ્ટોડીયાઓની ગેંગે કબ્જો જમાવીને માર્કેટ પર આધિપત્ય સર્જી દીધાની છાપ છે. ભુતકાળમાં નિષ્ણાંત કમીટીએ પણ વાયદા પર પ્રતિબંધ મુકવા સુચવ્યુ હતું. હવે સરકારે આ દિશામાં વહેલીતકે નિર્ણય લેવો જોઈએ.


Related News

Loading...
Advertisement