હવે દર્દીઓ ઘરબેઠા ડોક્ટરો સાથે વાત કરી શકશે: ‘ટેલિ મેડિસીન’ સિસ્ટમ શરૂ કરવા તૈયારી

18 April 2021 05:01 AM
Rajkot Top News
  • હવે દર્દીઓ ઘરબેઠા ડોક્ટરો સાથે વાત કરી શકશે: ‘ટેલિ મેડિસીન’ સિસ્ટમ શરૂ કરવા તૈયારી

ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા 20 તબીબોને સોંપાશે જવાબદારી: ટેક્નીકલ સ્ટાફની વ્યવસ્થા કરવાનું શરૂ : મુખ્યમંત્રી સાથે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, આણંદ આઈએમએની બેઠક: રાજકોટની ખાનગી હોસ્પિટલના 120 તબીબો સમરસ હોસ્ટેલમાં સેવા આપશે : ડો.પ્રફુલ કામાણી

રાજકોટ, તા.17
રાજકોટમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને દર્દીઓ આમ-તેમ રઝળપાટ કરી રહ્યા છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટ દ્વારા હવે દર્દીઓ ઘરબેઠા જ ડોક્ટરો સાથે વાત કરી શકે તે માટે ‘ટેલિ મેડિસીન’ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે આઈએમએ દ્વારા 20 તબીબોને જવાબદારી સોંપવામાં આવશે અને અત્યારે ટેક્નીકલ સ્ટાફ સહિતનાની વ્યવસ્થા પણ શરૂ કરી દેવામાં આવી છે.

દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, આણંદ આઈએમએની વર્ચ્યુઅલી બેઠક મળી હતી જેમાં રાજકોટ આઈએમએના પ્રમુખ ડો.પ્રફુલ કામાણીએ પણ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન ડો.કામાણીએ કહ્યું હતું કે સમરસ હોસ્ટેલમાં રાજકોટની વિવિધ ખાનગી હોસ્પિટલોના 120 જેટલા ડોક્ટરો સેવા આપશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં પણ તૈયાર થઈ રહેલી હોસ્પિટલમાં પણ તબીબો સેવા આપશે. તમામ આઈએમએ દ્વારા મુખ્યમંત્રીને વેક્સિનેશનની ગતિ ઘટવા નહીં દેવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હોવાનું પણ ડો.કામાણીએ જણાવ્યું હતું.

જ્યારે બેઠકમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના મેડિકલ એસો.એ લોકડાઉન વિશે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી પરંતુ લોકડાઉન લાગુ કરવાથી અફડાતફડી મચી જવાની અને ફેક્ટરીમાં કામ કરતાં લોકો વતન પરત ફરવા માટે દોડધામ શરૂ કરી દેશે તેવી આશંકાને પગલે સંક્રમણ વધુ તીવ્ર બનવાનો મુદ્દો ચર્ચાતા લોકડાઉનના મુદ્દાને પડતો મુકવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement