સમરસમાં વેન્ટીલેટર ઉતારાયા; ઈએસઆઈ હોસ્પીટલ ચિકકાર; ઓકસીજન બેડ વધારવા તંત્રની દોડધામ

18 April 2021 05:28 AM
Rajkot Top News
  • સમરસમાં વેન્ટીલેટર ઉતારાયા; ઈએસઆઈ હોસ્પીટલ ચિકકાર; ઓકસીજન બેડ વધારવા તંત્રની દોડધામ

અલગથી વધુ મહાકાય ઓકસીજન ટાંકીઓ મંગાવાઈ; દરરોજ તબીબો-નર્સોની તાબડતોબ ભરતી : સિવિલના મેદાન-108માં દર્દીઓને તત્કાળ સારવાર આપવા પચાસ સિલીન્ડરો ફાળવાયા; હોસ્પિટલો હારી ગઈ

રાજકોટ તા.17
રાજકોટની સમરસ હોસ્ટેલના ઓકસીજન બેડની સગવડતા વધારવાની સાથોસાથ હવે આજથી વેન્ટીલેટર બેડ પણ શરુ કરવામાં આવ્યા હોવાનું અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાએ જણાવતા ઉમેર્યુ હતું કે રાજકોટ શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે જેટલા ઓકસીજન બેડ વધારીએ છીએ તેની સાથોસાથ જ તમામ ઓકસીજન બેડ ભરાઈ જાય છે

ગઈકાલથી ઈએસઆઈ હોસ્પીટલ કે જે અત્યાર સુધી સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી તેને ચાલુ કરતા 41 બેડ ભરાઈ ગયા છે. રાજકોટ શહેરના વધતા જતા કોરોના સંક્રમણના કારણે ઓકસીજન બેડ વધારવા વહીવટીતંત્ર ઉંધા માથે થઈ ગયું છે. એઈએમએના સહયોગથી મેટરનીટી હોસ્પીટલ અને નર્સીંગ હોમમાં 300 બેડ શરુ કરવામાં આવ્યા છે જે તમામ ભરાઈ ગયા છે.

ઓકસીજન વપરાશ વધતો જતો હોય અમૃત ઘાયલ હોલમાં એક હજાર લીટરની નવી ત્રણ ટેન્કો અલંગથી મંગાવીને ફીટ કરવામાં આવી છે. સાથોસાથ તબીબો અને નર્સોની પણ અછત હોવાના કારણે દરરોજ જે કોઈ તબીબ અથવા નર્સ નોકરી માટે આવે છે તો તેના ઈન્ટરવ્યુ લઈને તેને તત્કાળ કોરોના ફરજમાં ઉતારી દેવામાં આવે છે. દરમ્યાન અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે સીવીલ હોસ્પીટલમાં 108 એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે.

આ પરિસ્થિતિમાં દર્દીઓને સીવીલના મેદાન અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર મળે તે માટે 50 તબીબ ઉતારવામાં આવ્યા છે અને ઓકસીજનની જરૂરિયાત જણાયે 50 જેટલા ઓકસીજન સીલીન્ડરની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર મળી રહે અને જયારે બેડની સગવડતા થાય ત્યારે સમરસ અથવા સીવીલ હોસ્પીટલમાં શીફટ કરવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી હોવાનું અંતમાં ઉમેર્યુ હતું.


Related News

Loading...
Advertisement