રાજકોટ કોર્પોરેશનના મહિલા સફાઈ કામદારે એસીડ ગટગટાવી મોત વ્હાલુ કર્યું

18 April 2021 05:48 AM
Rajkot Crime
  • રાજકોટ કોર્પોરેશનના મહિલા સફાઈ કામદારે એસીડ ગટગટાવી મોત વ્હાલુ કર્યું

રેલનગરના અવધ પાર્કમાં રહેતા ઈન્દુબેન ગોહેલે પોતાના ઘરે જ પગલુ ભર્યા બાદ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા, ત્યાંથી દોશી હોસ્પીટલમાં રીફર કરાતા સારવારમાં દમ તોડયો : પ્રદ્યુમનનગર પોલીસે આપઘાત પાછળનુ કારણ જાણવા તપાસ હાથ ધરી, વાલ્મીકી પરિવારમાં કલ્પાંત છવાયો

રાજકોટ તા.17
શહેરના રેલનગર અવધ પાર્ક શેરી નં.3માં રહેતા ઈન્દુબેન અશ્ર્વિનભાઈ ગોહેલ (ઉં.46)એ ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ કારણોસર એસીડ પી લેતા તેઓને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનુ મોત નીપજતા વાલ્મીકી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.

પ્રદ્યુમનનગર પોલીસે આપઘાત પાછળનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ ઈન્દુબેન રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે બપોરે બે-અઢી વાગ્યા આસપાસ તેમણે પોતાના ઘરે જ બાથરૂમમાં રાખેલ એસીડ ગટગટાવી લીધુ હતુ. પરિવારજનોને જાણ થતા તુરંત જ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

જયાંથી તેઓને વધુ સારવાર માટે શહેરની દોશી હોસ્પીટલ ખાતે ખસેડેલ હતા. જયાં સારવાર દરમ્યાન જ આઈસીયુ વોર્ડમાં તેમની તબીયત લથડતા દમ તોડી દીધો હતો. ફરજ પર રહેલા ડો.હિરલ પટેલે તેમને જોઈ-તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસના હેડ કોન્સ. વિમલેશકુમાર અને અન્ય સ્ટાફ દોશી હોસ્પીટલે દોડી ગયો હતો. જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.

પરિવારજનોના જણાવ્યા મુજબ કયાં કારણોસર ઈન્દુબેને આ પગલુ ભર્યું તેની જાણ નથી, તેણીને સંતાનમાં 1 પુત્ર અને બે પુત્રીઓ છે. તેમના પતિ અશ્ર્વિનભાઈનુ ચાર-પાંચ વર્ષ પહેલા અવસાન થયેલુ. ત્રણ સંતાનો માવિહોણા થતા પરિવારમાં આક્રંદ છવાયો છે. પ્રદ્યુમનનગર પોલીસે આપઘાતનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement