રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ સહિત રાજ્યની 26 યુનિવર્સિટીઓમાં આજથી RT-PCR ટેસ્ટ થશે

20 April 2021 01:32 AM
Rajkot Gujarat
  • રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ સહિત રાજ્યની 26 યુનિવર્સિટીઓમાં આજથી RT-PCR ટેસ્ટ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ, ગુજરાત આયુર્વેદ યુનિ. જામનગર અને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ટેસ્ટ થશે: જો કે દર્દીઓ સીધા ટેસ્ટ માટે નહીં જઈ શકે પરંતુ સ્થાનિક તંત્ર સેમ્પલ લઈને લેબ મારફતે રિપોર્ટ મેળવી આપશે

રાજકોટ, તા.19
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાના કેસમાં દરરોજ રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકો પણ ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. આ બધાની વચ્ચે ટેસ્ટીંગ માટે પણ જોરદાર ધસારો થઈ જતાં લેબોરેટરી ઉપર પણ ભારણ આવી પડ્યું છે. આ ભારણને ઓછું કરવા અને દર્દીઓને ઝડપથી ટેસ્ટીંગ રિપોર્ટ મળી રહે તે માટે સરકાર દ્વારા રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યની 26 લેબોરેટરીઓમાં આરટી-પીસીઆર ટેસ્ટીંગની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


માઈક્રોબાયોલોજી અને બાયો ટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતી આ યુનિવર્સિટીઓમાં આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ કરાશે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે 26 શૈક્ષણિક સંસ્થાનોમાં આજથી જ ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવશે જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટી તંત્રને મોટી મદદ મળી રહેશે. જે તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ મેળવશે અને પછી આ સેમ્પલ લેબોરેટરી મતલબ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપશે. ગુજરાત રાજ્યની હાલની ટેસ્ટીંગ ક્ષમતામાં આ વધારાની 26 સંસ્થાઓની સુવિધા ઉમેરાતાં આરટી-પીસીઆર ટેસ્ટ ક્ષમતા લગભગ બમણી થઈ જશે.


આ સાથે જ એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે દર્દીઓ સીધા જ યુનિવર્સિટીઓમાં ટેસ્ટીંગ માટે જઈ શકશે નહીં પરંતુ સ્થાનિક તંત્ર સેમ્પલ મેળવીને આ લેબોરેટરીઓ મારફતે આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ મેળવી આપશે.
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આરટી-પીસીઆર ટેસ્ટીંગની જવાબદારી સોંપવામાં આવ્યું છે. બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના વડા પ્રોફે.વૃંદા ઠાકર ટેસ્ટીંગનું સંચાલન સંભાળશે. જ્યારે જૂનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં ડો.મનોજ પારેખને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી-જામનગરમાં પણ ટેસ્ટીંગ કરવામાં આવશે અને ત્યાં ડો.અનુપ ઠાકરને સમગ્ર પ્રક્રિયાની જવાબદારી સોંપાઈ છે તો ભાવનગરમાં સીએસએમસીઆરઆઈમાં ટેસ્ટીંગ શરૂ કરાયું છે અને ત્યાં ડો.અવિનાશ મિશ્રા અને ડો.પ્રદીપ અગ્રવાલ ટેસ્ટીંગનું સંચાલન સંભાળશે. આવી જ રીતે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, બારડોલી સહિતના શહેરોની યુનિવર્સિટીઓમાં પણ આજથી ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement