‘મને માફ કરજો મિત્રો, હું તમારી કોઈ જ મદદ કરી શકું તેમ નથી’; રાજકોટના તબીબો બન્યા લાચાર

20 April 2021 05:52 AM
Rajkot
  • ‘મને માફ કરજો મિત્રો, હું તમારી કોઈ જ મદદ કરી શકું તેમ નથી’; રાજકોટના તબીબો બન્યા લાચાર
  • ‘મને માફ કરજો મિત્રો, હું તમારી કોઈ જ મદદ કરી શકું તેમ નથી’; રાજકોટના તબીબો બન્યા લાચાર

રાજકોટ તબીબી જગતને સલામ, છેલ્લા એક વર્ષથી સતત દોડી રહ્યા છે ત્યારે... : બેડ, ઈન્જેક્શન, અમુક દવાઓ, ઑક્સિજન સહિતની વ્યવસ્થા માટે દર્દીઓ, સગાઓ સહિતનાઓના સતત ફોન આવ્યે રાખતાં અંતે સોશ્યલ મીડિયા ઉપર માફી માંગતી પોસ્ટ કરવાનો સિલસિલો શરૂ : અનેક તબીબોએ કહ્યું, મારી વર્ષોની મેડિકલ કરિયરમાં આટલો ખરાબ સમય ક્યારેય નથી જોયો : દર્દીઓને સગવડ પુરી ન પાડી શકતા હોવાથી તબીબો પણ લાચાર, કેપેસીટી સામે 200 ટકા વધુ બેડની માંગ

રાજકોટ, તા.19
રાજકોટમાં ચાલી રહેલા ભયંકર, ભયાનક, ભીષણ, બિહામણા, ડરામણા, ભેંકાર કોરોનાકાળે શહેરની કમર તોડી નાખી છે અને અત્યારે શહેરમાં એક પણ વિસ્તાર, એવી દુકાન, એવી ઓફિસ કે એવું ઘર એવું નહીં હોય કે જ્યાં કોરોનાની ચર્ચા ન થઈ રહી હોય...

આટલા ખરાબ સમયમાં અત્યારે સૌથી માઠી હાલત કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબોની જોવા મળી રહી છે. અત્યાર સુધી પૂરી ‘એવરેજ’ સાથે કામ કરનારા તબીબોના ‘કિલોમીટર’ હવે પૂરા થઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. શહેરના અનેક નામાંકિત તબીબોએ સોશ્યલ મીડિયા પર ‘મને માફ કરજો મીત્રો, હું તમારી કોઈ જ મદદ કરી શકું તેમ નથી’ના લખાણવાળી પોસ્ટ કરીને દર્દીઓ, સગા-સ્નેહીઓની માફી માંગવી પડી રહી છે.

શહેરની હોસ્પિટલોમાં અત્યારે બેડ, ઑક્સિજન, વેન્ટીલેટર સહિતની તીવ્ર તંગી વર્તાઈ રહી છે તેવામાં લોકો ગમે તેમ ‘છેડો’ અડાડીને આ વસ્તુઓની વ્યવસ્થા કરવા માટે ટેલિફોનનો મારો ચલાવી રહ્યા છે તો રૂબરૂ પણ દોડધામ કરી રહ્યા છે. ખાસ કરીને અત્યારે તબીબો ઉપર સારવારની સાથે સાથે બેડ સહિતની વ્યવસ્થા કરવા માટે પણ ચોવીસેય કલાક વિનંતી, આગ્રહ કરાઈ રહ્યો હોય અંતે તેઓએ કંટાળી જઈને સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ કરીને માફી માંગવી પડી છે.

તબીબો તો ત્યાં સુધી કહેવા લાગ્યા છે કે તેમની વર્ષોની મેડિકલ કેરિયરમાં આટલો ભયાનક સમય તેમણે ક્યારેય જોયો નથી. એક તબીબે ફેસબુક પર પોસ્ટ કરી કે "આજે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ છે. આઈસીયુ ડોક્ટર હોવા છતાં પણ હું મારા બધા દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ અથવા વેન્ટીલેટર ગોઠવી શકતો નથી. ફોન પર દરેકને સંતોષકારક જવાબ આપી શકતો નથી. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દરરોજ પ્રવેશ માટે ઈનકાર કરાયેલા દર્દીઓની સંખ્યા ડિસ્ચાર્જ કરતાં વધુ છે.

મને માફ કરશો. તમે સમજો, હું પણ ક્યારેક લાચાર છું. આશા છે કે આ સમય જલ્દીથી પસાર થઈ જશે.” આ સહિતની અનેક પોસ્ટ અત્યારે વોટસએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તબીબો દ્વારા કરવામાં આવી રહી છે અને બે હાથ જોડીને માફી માંગવામાં આવી રહી છે. બીજી બાજુ અનેક તબીબોના ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયા છે તો અમુક ડોક્ટરો ફોન ઉપાડવાનું પણ ટાળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તબીબો દ્વારા તેમની હૈયાવરાળ ઠાલવતી પોસ્ટ લખનાર તબીબોનું નામ ‘સાંજ સમાચાર’ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી કેમ કે હજુ પણ ખરા લડવૈયા એવા તબીબો, મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ સહિતના લોકો આટલા ખતરનાક સમયમાં પણ દર્દીનારાયણને સાજા કરવા માટે ઝઝૂમી રહ્યા છે. આ સમાચાર પ્રસિદ્ધ કરવાનો હેતુ માત્ર ડોક્ટરોની સ્થિતિનો ચિતાર આપવા માટે જ છે.


Related News

Loading...
Advertisement