શેરબજાર ફરી કોરોના ગભરાટથી ધડામ: ઈન્વેસ્ટરોના 5 લાખ કરોડનું ધોવાણ

20 April 2021 07:13 AM
Business
  • શેરબજાર ફરી કોરોના ગભરાટથી ધડામ: ઈન્વેસ્ટરોના 5 લાખ કરોડનું ધોવાણ

સેન્સેકસ ઈન્ફ્રા ડે 1400 પોઈન્ટથી અધિક ગગડયા બાદ 1000 પોઈન્ટ ડાઉન: તમામ શેરો તૂટયા

રાજકોટ તા.19
મુંબઈ શેરબજારમાં ફરી વખત કોરોનાનો ગભરાટ વર્તાયો હોય તેમ આજે આક્રમણકારી વેચવાલી નીકળતા મંદીનુ મોજુ ફરી વળ્યુ હતું. એક તબકકે 1400 પોઈન્ટથી અધિકનો કડાકો જોવાયો હતો. ઈન્વેસ્ટરોના પાંચ લાખ કરોડ ડુબી ગયા હતા. શેરબજારમાં આજે શરૂઆત જ ગેપડાઉન રહી હતી.

કોરોનાના કેસોમાં સતત વધારાથી મેડીકલ ઈમરજન્સી જેવી હાલત વચ્ચે વધુને વધુ રાજયો લોકડાઉન જેવા આકરા નિયંત્રણો લગાવવા માંડતા ગભરાટ સર્જાયો હતો. રાજસ્થાને મીની લોકડાઉન લાદયુ છે. દિલ્હીએ પણ છ દિવસનું પૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે. મહારાષ્ટ્ર પણ મીની લોકડાઉનના બદલે સંપૂર્ણ લોકડાઉનની તૈયારીમાં હોવાના સંકેત છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો ઈન્કાર કરવામાં આવતો હોવા છતાં પ્રાદેશિક નિયંત્રણોને કારણે અર્થતંત્રને ફટકો પડવાની આશંકાને કારણે ગભરાટ સર્જાયો છે.

શેરબજારમાં આજે લગભગ તમામ ક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા. પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, ટાઈટન, એશિયન પેઈન્ટસ, એક્ષીસ બેંક, બજાજ ઓટો, બજાજ ફીનસર્વિસ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસલે, અદાણી પોર્ટ, ટેલ્કો વગેરે ગગડયા હતા.

ડો.રેડ્ડી, ઈન્ફોસીસ, બ્રિટાનીયા, વીપ્રો વગેરે મજબૂત હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1000 પોઈન્ટ ગગડીને 47825 હતો જે ઉંચામાં 48020 તથા નીચામાં 47362 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 278 પોઈન્ટ તૂટીને 14338 હતો તે ઉંચામાં 14382 તથા નીચામાં 14191 હતો. શેરબજારમાં ગભરાટભરી વેચવાલીના મારા વચ્ચે પ્રારંભીક કામકાજમાં જ ઈન્વેસ્ટરોના પાંચ લાખ કરોડનું ધોવાણ થયુ હતું.


Related News

Loading...
Advertisement