સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમૌસમી વરસાદ : ખેતી પાકને નુકસાન

21 April 2021 12:52 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમૌસમી વરસાદ : ખેતી પાકને નુકસાન

જેતપુરના સાંકળીમાં કરા પડયા : ગીરગઢડાના પડાપાદરમાં મંદિરના છાપરા ઉડયા : સમઢીયાળા, મહોબતપરા, પાણખાણ સહિતના ગામોમાં એક ઇંચ જેટલું પાણી પડી ગયુ

રાજકોટ, તા. ર0
સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી રાખેલ છે. તેની સાથે અસહ્ય ગરમી અને બફારા બાદ ગઇકાલે બપોર પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ગીરગઢડાના પડાપાદર, જેતપુરના સાંકળી સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી પડયો હતો. જેના પગલે ખેતી પાકને નુકસાન થવા પામેલ છે.


જેમાં સાંકળી ગામે કરા સાથે વરસાદ પડી ગયો હતો. જયારે ગીરગઢડાના પડાપાદર, નાના સમઢીયાળા, મોટા સમઢીયાળા, મહોબતપરા, પાણખાણ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી ગયો હતો.
ગીરગઢડા તાલુકામાં ગઇકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં વાદળો ધેરાવા લાગેલ સાથે ભારે પવન પણ ફુંકાવા લાગ્યો હતો. પડાપાદર ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્તા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયેલ હતું.


ભારે પવનના લીધે ગામમાં આવેલ શ્યામ મંદિરના પતરાના છપરા ઉડવા લાગ્યા હતા. અને આ પતરા ઉડીને રસ્તા પર પડ્યા હતા. જોકે આ સમયે કોઇ રસ્તા પર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. અને ગામમાં વૃક્ષો પણ ધરાશાઇ થયા હતા. ખેડૂતોના પાક આંબા, બાજરી, તલ સહીતના ખેતીમાં ઉભા પાક ભારે પવનના કારણે ઢળી પડ્યો હતો. જેના કારણે ખેડુતોને ભારે નુકસાન થયેલ હતું. પડાપાદર, મોટા સમઢીયાળા, નાના સમઢીયાળા, મહોબતપરા, પાણખાણ, સહીતના આજુબાજુના ગામોમાં એક ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી જતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.


Related News

Loading...
Advertisement