રાજકોટમાં 300 બેડની નવી કોવિડ હોસ્પિટલ: ઉદ્યોગકારો-બિલ્ડરોની પહેલ

21 April 2021 05:05 AM
Rajkot
  • રાજકોટમાં 300 બેડની નવી કોવિડ હોસ્પિટલ: ઉદ્યોગકારો-બિલ્ડરોની પહેલ

કોરોના બેડ માટેની રઝળપાટમાં આંશિક રાહત મળી શકશે : કિરણભાઇ પટેલે ટી.જી.ઇ.એસ. ગ્રુપની શૈક્ષણિક સંસ્થા અંદર આવેલ બિલ્ડીંગને આપવા તૈયારી દર્શાવી : એસ.એન.કે. સ્કૂલ ખાતે શરૂ થઇ શકે છે ઓકસીજન સુવિધા સાથેની નવી હોસ્પીટલ : 4-5 દિવસમાં જ શરૂ કરી દેવા યુદ્ધના ધોરણે કામગીરી: એકદમ ન્યુનતમ ચાર્જ રખાશે: પરેશ ગજેરા, રમેશ ટીલાળા, બીપીન હદવાણી, પરાક્રમસિંહ જાડેજા, પ્રફુલ કમાણી, પરેશ વાસાણી, મધુભાઇ પરમાર (પરમાર મંડપ સર્વિસ) વગેરે માનવતા મહેકાવશે : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દરેક પ્રકારની મદદ આપવા તૈયાર

રાજકોટ તા.20
રાજકોટમાં હોસ્પીટલ બેડ માટે રઝળતા-ભટકતા દર્દીઓ-પરિવારજનોને આવતા ચાર-પાંચ દિવસમાં રાહત મળી શકે છે. 300 બેડની કોવિડ હોસ્પીટલ ઉભી કરવા બિલ્ડરો-ઉદ્યોગપતિઓ મેદાને આવ્યા છે અને યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવાની તૈયારી કરી છે. એથી એનો સ્કુલમાં તાબડતોડ આ કોવિડ હોસ્પીટલ ઉભી થવાના સંકેત છે.

રાજકોટની સરકારી હોય કે ખાનગી તમામ કોવિડ હોસ્પીટલો હાઉસફુલ છે. કેટલાંક દિવસોથી નવા સંક્રમીત થતા દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. હોસ્પીટલોમાં બેડ મેળવવા માટે દર્દીઓ તથા તેના પરિવારજનો રીતસર ભટકી રહ્યા છે. હોસ્પીટલોમાં જગ્યા ન મળતા ઘેર જ સારવાર કરાવવાની નોબત છે. આ પ્રકારની મેડીકલ માળખાની હાલત વચ્ચે તંત્રને મદદરૂપ થવાના આશયથી ઉદ્યોગપતિઓ-બિલ્ડર આગેવાનોએ પહેલ કરી છે. સરકારી તંત્ર સાથે સંકલન સાધીને ચાર-પાંચ દિવસમાં જ અંદાજીત 300 બેડની કોવિડ હોસ્પીટલ ઉભી કરી દેવાનું બીડુ ઝડપ્યુ છે.

રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશ ગજેરા, શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશ ટીલાળા, જાણીતા ઉદ્યોગપતિઓ બીપીન હદવાણી, પરાક્રમસિંહ જાડેજા, આઈએમએના પ્રમુખ પ્રફુલ કમાણી, એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશ વાસાણી વગેરેએ હાથ મિલાવીને કોરોનાકાળમાં માનવતા મહેકાવવા માટે બીડુ ઝડપ્યુ છે. સૂત્રોએ કહ્યું કે નવી કોવિડ હોસ્પીટલમાં મોટી સંખ્યામાં બેડ મુકી શકાય તે માટે મોટી જગ્યાની શોધખોળ ચાલતી હતી ત્યારે ગેલેકસી ગ્રુપની પ્રોપર્ટી પર નજર કરી હતી.

કિરણભાઈ ભાલોડીયાએ પોતાની કોઈપણ સ્કુલ-કોલેજ કે અન્ય પ્રોપર્ટી કોવિડ હોસ્પીટલ માટે આપવાની તૈયારી બતાવી હતી. આજે બપોરે વિશાળ જગ્યામાં એસએનકે સ્કુલની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મોટાભાગે ત્યાં જ નવી કોવિડ હોસ્પીટલ બનવાની શકયતા છે. આ પહેલમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ પ્રફુલ કમાણી પણ સાથે છે. મેડીકલ એસોસીએશનના તબીબો પણ હોસ્પીટલમાં સેવા આપવા તૈયાર થયા છે. પેરામેડીકલ સહીતના અન્ય સ્ટાફ માટે તાત્કાલીક અસરથી કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

સૂત્રોના કહેવા પ્રમાણે કોરોનાની વર્તમાન લહેરમાં સંક્રમીત થતા મોટાભાગના દર્દીઓને ઓકસીજનની જરૂર પડી રહી છે. ઓકસીજન બેડ મેળવવા માટે તો હાલત વધુ વિકટ છે ત્યારે 300 બેડની આ હોસ્પીટલના તમામ બેડ ઓકસીજન સુવિધા સાથેના જ તૈયાર થવાના છે. પ્રોજેકટમાં સામેલ તમામ જાણીતા ઉદ્યોગકારો-બિલ્ડરો છે. ટેકનીકલ સહિતના પાસાથી વાકેફ હોય છે. ઓકસીજન સુવિધા માટે પણ યુદ્ધના ધોરણે પ્રક્રિયા કરશે. બેડ માટે જાણીતા પરમાર મંડપ સર્વિસ વગેરેની સહાય લેવામાં આવી છે.

સૂત્રોએ કહ્યું કે હોસ્પીટલમાં બેડ માટે ભટકતા દર્દીઓને સહાયભૂત થવાના આશયથી જ ઉદ્યોગકારોએ પહેલ કરી છે એટલે હોસ્પીટલમાં આવનારા દર્દીઓ પાસેથી એકદમ ન્યુનતમ ચાર્જ વસુલવામાં આવશે. નવી કોવિડ હોસ્પીટલ વિશે સંબંધીત સરકારી તંત્રનું પણ માર્ગદર્શન લેવાયુ છે. જરૂર પડયે ગમે તેવી મદદ કરવા બાહેધરી આપવામાં આવી છે.


Related News

Loading...
Advertisement