એક જ દિવસમાં મુકેશ અંબાણીને 10630 અને અદાણીને 10730 કરોડનું નુકસાન

21 April 2021 05:56 AM
Business
  • એક જ દિવસમાં મુકેશ અંબાણીને 10630 અને અદાણીને 10730 કરોડનું નુકસાન

શેરબજારમાં મોટાપાયે કડાકો બોલી જતાં નેટવર્થમાં તોતિંગ ઘટાડો: એશિયન ‘અમીર’ની બાદશાહત ઉપર પણ ખતરો

નવીદિલ્હી, તા.20
ભારતીય શેરબજારમાં આવેલા ભારે કડાકાને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના અમીરોની યાદીમાં એક-એક સ્થાન નીચે આવી ગયા છે. અંબાણી બ્લુમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સમાં હવે 71.6 અબજ ડોલરની નેટવર્થ સાથે 13મા સ્થાને આવી ગયા છે. જ્યારે અદાણી 55.3 અબજ ડોલર સાથે 23માં નંબરે ધકેલાયા છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ગઈકાલે 1.63 ટકાનો ઘટાડો આવ્યો હતો જેના કારણે મુકેશ અંબાણીની નેટવર્થમાં એક દિવસમાં 1.42 અબજ ડોલર (અંદાજે 10630 કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. આ વર્ષે તેમની નેટવર્થમાં કુલ 5.16 અબજ ડોલરનો કડાકો નોંધાયો છે. આ કડાકાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ પણ ઘટીને 1226212 કરોડ રૂપિયા રહ્યું છે.

રિલાયન્સના શેર 16 સપ્ટેમ્બર-2020ના 2369 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ત્યારે રિલાયન્સની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી હતી. આ સાથે જ અંબાણીની નેટવર્થ 90 અબજ ડોલર પહોંચી હતી અને તે દુનિયાના અમીરોની યાદીમાં ચોથા ક્રમે આવ્યા હતા પરંતુ ત્યારબાદ કંપનીના શેરોમાં ઘટાડો આવવાથી અંબાણી ટોપ-10માંથી બહાર થયા હતા. ચીનના ઝોંગ શૈનશૈન 65.5 અબજ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણીથી એક સ્થાન નીચે 14મા ક્રમે છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ બ્લુમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં એક સ્થાન નીચે આવીને 23મા સ્થાને પહોંચ્યા છે. શેરબજારમાં ઘટાડાથી તેની નેટવર્થમાં 1.43 અબજ ડોલર (અંદાજે 10703 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. ગઈકાલે અદાણી ગ્રીન એનર્જીનો શેર 4.69 ટકા, અદાણી પોર્ટસનો શેર 4.59 ટકા અને અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 2.10 ટકા તૂટ્યો હતો. આમ તો આ વર્ષે કમાણીના મામલે તેઓ દુનિયાના અનેક અમીરો ઉપર ભારે પડ્યા છે.

આ વર્ષે તેમની નેટવર્થ 21.6 અબજ ડોલર વધી છે. ઈન્ડેક્સ અનુસાર એમેઝોનના જેફ બેઝોસ દુનિયાના સૌથી અમીર વ્યક્ત બન્યા છે. તેમની નેટવર્થ 197 અબજ ડોલર છે. દુનિયાની સૌથી કિંમતી ઓટો કંપની ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક 183 અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા સ્થાને છે અને ત્રીજા ક્રમે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બીલ ગેટસ ત્રીજા નંબરે છે.


Related News

Loading...
Advertisement