સોની પરિવાર પર પોલીસના અમાનુષી અત્યાચાર પાછળ સાચુ કારણ શું?

21 April 2021 06:21 AM
Rajkot
  • સોની પરિવાર પર પોલીસના અમાનુષી અત્યાચાર પાછળ સાચુ કારણ શું?

બે વ્યકિતના 70 લાખના ડખ્ખામાં પોલીસે ‘બિલ્ડર’નો હવાલો લઇ ‘પાર્ટી’ બની ગઇ? : બાળકો-મહિલાઓને પણ બોચી પકડી ઢસડી જવા-ઢોર માર મારવાની કાર્યવાહી સામે અનેક શંકાસ્પદ પ્રશ્નો : અનેક વિડીયો વાયરલ, તેની વાતચીતના અંશો સવાલ સર્જે છે! :18 વર્ષથી નાના છોકરાવ-પિતાને તો કેવી રીતે માર્યા હતા? પાણી પણ આપ્યુ નહતું! માનવતા કયાં ગઇ હતી! વાઇરલ વિડીયોના ઉદગારો સપ્તાહ અગાઉ પણ માર માર્યાની સાબિતીરૂપ :ચેક લખાવી લેવાયાનો ઉલ્લેખ:પોલીસને આવી સતા છે?: અરજીની તપાસ ક્રાઇમ બ્રાંચ હસ્તક હતી કે કેમ? સવાલ : સમગ્ર સોની સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો : સમાજના આગેવાનને પણ ધક્કો મારીને પછાડી દેવાયા હતા : સોની બજારમાં પણ આક્રોશભેર અનેક ચર્ચા

રાજકોટ તા.20
ગઇકાલે પ્રહલાદ પ્લોટમાં પોલીસને બંધક બનાવી સોની પરિવારે જે રોષ પ્રગટ કર્યો તેનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે આ સમગ્ર બનાવની ભીતરમાં કેયો એવો મુદ્દો છે કે જેના કારણે ક્રાઇમ બ્રાંચને કાનૂની મર્યાદાઓ ઓળંદગી પડી?

આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચનું અલગ રૂપ ઉડીને આંખે વળગ્યું છે. જે અરજીના કામે ફોજદાર સાખરા અને કોન્સ્ટેબલ મહેશ મંઢ આક્ષેપિતના ઘરે ગયા ત્યારે મહિલા પોલીસ કર્મચારીને સાથે કેમ ન લઇ ગયા? કદાચ સાથે કોઇ મહિલા પોલીસ કર્મચારીઓ હોત તો સોની પરિવારની મહિલાઓમાં આટલો રોષ જોવા ન પણ મળત. એક વાઇરલ વિડીયોમાં સાંભળવા મળે છે કે પોલીસે ચેક લખાવી લીધા હતા ત્યારે અસવાલ પણ ઉઠે છે

કે જો આ આક્ષેપ સાચો હોય તો પોલીસે કોના કહેવાથી ચેક લખાવી લીધા? વીડિયોમાં રાડા-રાડી અને ચીસાચીસ કરતી મહિલાઓનો અવાજ સાંભળવા મળે છે. પરિવારનો એક પુરૂષ સભ્ય ફોજદારને ફોટા બતાવી કહે છે કે જુઓ તમે કેવા બેરહેમ બની અમારા છોકરાઓને માર્યા હતા. અઢાર વર્ષથી નીચેના છોકરાઓને ઉઠાવી ગયા હતા. અહીં એ પણ સવાલ છે કે અગાઉ ઘરના સભ્યોને ઉઠાવી ગયા બાદ પણ એક માત્ર અરજીમાં આવી કડક કાર્યવાહીની જરૂર શું પડી?

સોની પરિવાર સામે ફરજ રૂકાવટ અને રાયોટીંગનો ગુનો નોંધાયા બાદ સોની મહાજન સમાજમાં રોષ પૂર્ણ રીતે આ ઘટનાની ચર્ચા થઇ રહી છે. વાઇરલ વિડીયોમાં જોવા મળે છે કે પુરૂષ પોલીસ કર્મચારીઓ મહિલાને ઢસડીને પોલીસ વાહનમાં બેસાડી રહ્યા છે. મહિલાઓની ટીંગાટોળી કરવામાં આવી રહી છે. ફરિયાદ પણ નહોંતી નોંધાઇ અને તેમ છતાં સતત 1 માસ સુધી આક્ષેપ મુજબ કાર્યવાહી થતી રહી. સોની પરિવારે પોલીસ સાથે જે ઘર્ષણ કર્યુ,

ઘરમાં પુરી રાખ્યા, મોબાઇલ ઝુંટવી લીધા તે તમામ હકિકતે એ-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પરંતુ પોલીસે જે કાનૂની મર્યાદાઓ ઓળંગી કાર્યવાહી કરી તેના સંદર્ભે કોઇ ઉચ્ચ અધિકારીના સુપર વિઝનમાં તપાસ થશે? કે પછી ભીનું સંકેલી લેવાનો પ્રયાસો થશે? રાજકોટની જાંબાઝ ગણાતી ક્રાઇમ બ્રાંચ હાલ સવાલોથી ઘેરાઇ ગઇ છે.

મહિલા આરોપીઓને છોડી મુકાયા, સોની પરિવારના 3 પુરૂષોએ પોલીસ મથકમાં રાત વિતાવી
ફરજ રૂકાવટના ગુનામાં જેને ડીટેઇન કરાયા હતા તેવા 8 મહિલા સહિત 17 વ્યકિતને રાત્રે જ છોડી મુકાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. જયારે સોની પરિવારના ધર્મેશભાઇ, દિવ્યેશભાઇ અને હિતેશભાઇ બારભાયાએ એ-ડીવીઝન પોલીસ મથકમાં જ રાત વિતાવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરી જામીનની પ્રક્રિયા કરવામાં આવશે.

પુનિતાબેન ધરણાં પર બેઠા, પોલીસ ઉઠાવી ગઇ
ભાજપના મહિલા અગ્રણી પુનિતાબેન પારેખ ગઇકાલે પ્રહલાદ પ્લોટ ખાતેની ઘટનામાં હાજર હોવાથી તેઓની અટકાયત થઇ હતી અને ફરજ રૂકાવટનો ગુનો પણ નોંધાયો હતો. ત્યારબાદ રાત્રીના તેઓને છોડી મુકાયા હતા સવારે પુનિતાબેન પારેખ કોઠારીયાના નાકે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ધરણા પર બેસી ગયા હતા. એ-ડીવીઝન પોલીસ અને મહિલા પોલીસે તેમને ડીટેઇન કરી મહિલા પોલીસ મથકે લઇ જવાયા હતાં.

શું ક્રાઇમ બ્રાંચે કોઇ હવાલો લીધો હતો?
કહેવાય છે કે પૈસો જે કરાવે તેવુ કોઇ ન કરાવે, ગઇકાલે પ્રહલાદ પ્લોટમાં બનેલી ઘટના પાછળ મૂળ તો પૈસો જ હતો. પોલીસને મળેલી એક અરજીમાં રૂા.1.13 કરોડની ઢગાઇનો આક્ષેપ હતો, અરજીની તપાસ ક્રાઇમ બ્રાંચ પાસે હતી. સોની પરિવારના આક્ષેપ મુજબ છેલ્લા એક મહિનાથી ક્રાઇમ બ્રાંચ ટોર્ચર કરતી હતી. અગાઉ પરિવારના અમુક સભ્યોને પોલીસ ઉઠાવી ગઇ હોવાનો આક્ષેપ પણ થયો છે.

ત્યારે અહીં સવાલ એ ઉઠે છે કે શા માટે અરજી સંદર્ભે ક્રાઇમ બ્રાંચે એફઆઇઆર ન નોંધી એક મહિના પહેલાની અરજી હોય તો બની શકે કે તપાસ માટે થોડો સમય લાગે, પ્રાથમિક તપાસ બાદ પણ પોલીસે ગુનો કેમ ન નોંઘ્યો? શા માટે ક્રાઇમ બ્રાંચે નિવેદનો નોંધવા, પરિવારના સભ્યોને પોલીસ ચોકીએ લઇ જવા જેવી બાબતોમાં જ સમય પસાર કર્યો? શું ક્રાઇમબ્રાંચે કોઇ હવાલો લીધો હતો? આ પ્રશ્ર્ને પણ હાલ ચર્ચા તેજ બની છે.

આ તો હદ થઇ, કવરેજ કરતા મીડિયા કર્મીને પણ પોલીસ ઉઠાવી ગઇ
પ્રહલાદ પ્લોટમાં પોલીસ પર હુમલો થયો હોવાની જાણ થતા રાજકોટના તમામ મીડિયા પ્રતિનિધિ ઘટના સ્થળે કવરેજ કરવા માટે પહોંચી ગયા હતા. જેમાં એક મીડિયા સંસ્થાના કર્મચારી વિરાજભાઇ સોહિલભાઇ ઠક્કર (ઉ.વ.25) પણ ત્યાં કવરેજ માટે દોડી ગયા હતા. પોલીસ જયારે ટીંગાટોળી કરી આરોપીઓને પોલીસવાનમાં બેસાડી રહી હતી

ત્યારે જ કોઇ પોલીસ કર્મચારીએ વિરાજભાઇને પણ બળજબરીથી પોલીસ વાહનમાં બેસાડી દીધા હતા અને એ-ડીવીઝન પોલીસ મથકે અન્ય આરોપી સાથે લઇ જવાયા હતા. જેથી વિરાજભાઇ પિતા સોહિલભાઇ જેઓ પણ મીડિયાકર્મી છે. તેઓ દોડી આવ્યા હતા અને પોલીસ અધિકારીઓને રજુઆત કર્યા બાદ વિરાજભાઇને છોડી મુકાયા હતા.


Related News

Loading...
Advertisement