એએસઆઇ અમૃતભાઇ કોરોના સામેનો જંગ હાર્યા : મૃત્યુની જાણ થતાં પત્નીનું પણ હાર્ટ એટેકથી મોત

21 April 2021 07:26 AM
Rajkot
  • એએસઆઇ અમૃતભાઇ કોરોના સામેનો જંગ હાર્યા : મૃત્યુની જાણ થતાં પત્નીનું પણ હાર્ટ એટેકથી મોત

બી ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા : એએસઆઇ અમૃતભાઇ, તેમના પત્ની અને દીકરીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો’તો : મુળ ગોંડલનાં બુંધીયાના વતની અમૃતભાઇ રાજકોટમાં ટ્રાફીક બાદ બી ડીવીઝનમાં ફરજ બજાવતા’તા : પરિવારમાં અરેરાટી : ત્રણેય સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે : રાજકોટ શહેર પોલીસ દ્વારા શોક સલામી અપાઇ હતી

રાજકોટ તા.20 : રાજકોટનાં બી ડીવીઝન પોલીસ મથકનાં એએસઆઇ અમૃતભાઇ રાઠોડ કોરોના સંક્રમણ બાદ સીવીલમાં સારવાર માટે ખસેડાયા હતા તેઓનું ઓકસીજન લેવલ ઘટી ગયા બાદ દમ તોડી દીધો હતો. આ બનાવ બાદ પતિના અવસાનની જાણ થતાં કોરોના સંક્રમિત પત્નીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને સારવાર માટે સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. ત્યાં તેઓએ પણ મધરાત્રે સારવાર દરમિયાન દમ તોડયો હતો. બંનેના એક સાથે મોત નીપજતા ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. એએસઆઇ અમૃતભાઇનાં મોતથી રાજકોટ શહેર પોલીસ દ્વારા શોક સલામી આપવામાં આવી હતી.

બનાવની વિગતો અનુસાર રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતા અમૃતભાઇ માયાભાઇ રાઠોડ (ઉ.વ. 47) જેઓ બી ડીવીઝન પોલીસ મથકમાં એએસઆઇ તરીકે બજાવતા હતા. તેઓ તા. 13/4 નાં રોજ કોરોનાના લક્ષણો જણાતા ખાનગી હોસ્પીટલમાં રીપોર્ટ કરાવતા નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ સીટી સ્કેન કરાવતા તેઓ કોરના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ ખાનગી હોસ્પીટલ બાદ અમૃતભાઇને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા અને તેના ઘરમાં પત્ની અને દીકરી પણ કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ કરાયા હતા.

અમૃતભાઇ રાઠોડનું ઓકસીજન લેવલ ઓછુ થતાં તેનું સારવાર દરમિયાન ગઇકાલે મોત નીપજયુ હતુ. તેઓનો કોરોનાનો આરટીપીસીઆર રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. અમૃતભાઇના અવસાનની જાણ પત્નીને થતા પત્ની લાભુબેનને આઘાત લાગ્યો હતો અને તેઓને હાર્ટ એટેક આવતા સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવારમાં રહેલા લાભુબેનનું સારવારમાં આજે રાત્રીના મોત નીપજયુ હતુ. તેમની દીકરી ઘરે હોમ આઇસોલેટ હોય તેમની તબીયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યુ છે. અમૃતભાઇને સંતાનમાં એક પુત્ર બે પુત્રી છે. તેઓ અગાઉ ટ્રાફીકમાં અને હાલ બી ડીવીઝન પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. તેઓને તાજેતરમાં જ એએસઆઇનું પ્રમોશન મળ્યુ હતુ. અમૃતભાઇની દીકરીના એક માસ બાદ લગ્ન હોવાનું પોલીસ સુત્રમાંથી જાણવા મળ્યુ છે. અમૃતભાઇ અને તેમના પત્નીનું મોત નીપજતા ત્રણેય સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. અમૃતભાઇને રાજકોટ શહેર પોલીસ દ્વારા શોક સલામી અર્પણ કરી હતી.


Related News

Loading...
Advertisement