અદાલતના પ્રાંગણમાં ટોળે વળવાનું બંધ કરો : અદાલત

21 April 2021 07:28 AM
Rajkot
  • અદાલતના પ્રાંગણમાં ટોળે વળવાનું બંધ કરો : અદાલત

વકીલો પ-10 જુનીયરો સાથે બિનજરૂરી ઉભા રહેતા હોય અદાલતના ધ્યાને આવ્યુ : પક્ષકારો અને સાક્ષીઓ પણ ના આવે

રાજકોટ, તા. 20
વિશ્ર્વભરમાં વકરેલો કોરોના મહામારી ચાલી રહેલી છે ત્યારે ગુજરાતની તમામ અદાલતોને વર્ચ્યુઅલ મોડથી ચલાવવા વડી અદાલતે હુકમ ફરમાવ્યો છે ત્યારે રાજકોટની અદાલતમાં ટોળે વળતા વકીલોને કામ સિવાય પ-10 જુનીયરો સાથે પણ નહિ આવવા અને પોત પોતાના કેસની સુનાવણી પોતાની ઓફિસે અથવા તો ઘરેથી કરવા વધુ એક વખત જણાવ્યું છે. ગુજરાત વડી અદાલતના તા.6/4 તથા તા.15/4ના પરિપત્રોથી બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અન્વયે રાજકોટ જિલ્લાની તમામ અદાલતો અન્ય હુકમ નહીં કરવામાં આવે ત્યાં સુધી ફરજીયાત રીતે હાલ વર્ચ્યુઅલ મોડથી કાર્યરત છે. આથી તમામ વકીલો તથા પક્ષકારોને ફરીથી વિનંતીપૂર્વક જણાવવાનું કે હાલના સંજોગોમાં કોઇ જ ન્યાયાધિકારી તેમની અદાલતમાં ચાલતા કેસોમાં વકીલ, પક્ષકાર, સાક્ષીઓ કે આરોપીઓની ગેરહાજરીના કારણે વિરૂદ્ધનો હુકમ ફરમાવશે નહી.

વધુમાં વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલ કેસ, દાવામાં વેલ્ફેર ટીકીટ કે કોર્ટ ફી સ્ટેમ્પ લગાડેલ નહી હોય તો કોર્ટો નિયમિતરૂપે ફીઝીકલ સ્વરૂપે ચાલુ થાય ત્યારે વેલ્ફેર ટીકીટ, કોર્ટ ફી સ્ટેમ્પ રજુ કરવાની બાંહેધરી અરજી તેમણે રજુ કરેલ કેસ, દાવાના એન્વેલોપ, કવરમાં સામેલ કરવાની રહેશે. કોરોના સંક્રમણને અટકાવવા સારૂ જિલ્લાની તમામ અદાલતોમાં બાર રૂમો તથા લાઇબ્રેરીઓ બંધ રાખવામાં આવેલ છે તેમ છતાં ડિસ્ટ્રીકટ કોર્ટના ધ્યાને આવેલ છે કે બિનજરૂરી અને કામ વગર કોર્ટ પરિસરમાં ઉપસ્થિત રહે છે તેમજ એક વકિલ સાથે તેમના પ-10 જુનીયર વકીલો પણ સાથે આવે છે. જેથી, તમામ વકીલો, પક્ષકારો, સાક્ષીઓ કે આરોપીઓને ફરી વખત વિનંતી સહ અરજ કરવામાં આવે છે કે, તમારી તેમજ અન્ય તમામની સલામતી માટે કોઇએ બિનજરૂરી કોર્ટ પરિસરમાં આવવુ નહીં અને તમામ વકીલોએ પોત પોતાના કેસોની સુનાવણી પોતાની ઓફિસ અથવા ઘરેથી ‘ઝુમ’ એપ્લીકેશન કરવાની છે. આમ, કોર્ટોમાં પ્રત્યક્ષ હાજરી ટાળશું તો ચોકકસ કોરોના સંક્રમણને નાથવામાં સફળ થઇશું.


Related News

Loading...
Advertisement