કોરોનાની ઘાતકતા વચ્ચે આજે રામનવમીની ઠેર-ઠેર ઘરમાં ઉજવણી

22 April 2021 12:46 AM
kutch Dharmik Saurashtra
  • કોરોનાની ઘાતકતા વચ્ચે આજે
રામનવમીની ઠેર-ઠેર ઘરમાં ઉજવણી

કોરોનાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રામજન્મોત્સવની ઉજવણી રદ

રાજકોટ, તા. 21
આજે રામનવમી છે, મર્યાદા પુરૂષોતમ રામનો જન્મદિવસ આજે ઉજવવામાં આવે છે. સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવતી રામનવમીની ઉજવણી આ વર્ષે કોરોના મહામારીના કારણે ઝાંખી પડી છે, આ વર્ષે કોરોના સંક્રમણ વધવાના કારણે મંદિરોમાં પુજારીઓ જ પૂજા-અર્ચના કરી રામનવમી સાદગીપૂર્વક ઉજવશે.


દર વર્ષે યોજાતી ભગવાન રામની શોભાયાત્રા આ વર્ષે મુલત્વી રાખવામાં આવી છે. લોકો ઘરમાં રહીને જ ભગવાન રામની ભકિત કરશે, હાલ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે તેમજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, આ મુશ્કેલીના સમયમાં કોરોનાને નાથવા ભગવાન શ્રીરામની ઘરમાં જ રહી ભકિત કરશે અને મહામારીને નાથવા ભગવાન રામને પ્રાર્થના કરશે. આજે બપોરે 12 કલાકે રામજન્મોત્સવ ઉજવાશે. રામની સાથે શકિતનો અદભુત સંબંધ છે, રામની શકિત અપરાજીત છે અર્થાત જે કોઇ પરાજીત ન કરી શકે, રામ તો મર્યાદા પુરૂષોતમના રૂપમાં પુજાય છે, આ દિવસે અયોધ્યાનગરી દુલ્હનની જેમ શણગારવામાં આવે છે પરંતુ કોરોના વાયરસની બીજી લહેરના કારણે ઉત્સવ ફિકકો બની ગયો છે. પરંતુ ભકતો ઘરે રહી રામ ભગવાનની ભકિત કરશે, રામધુન, સ્તોત્ર પાઠ, સુંદરકાંડના પાઠ કરી રામને રીઝવશે અને આ મહામારી ઝડપથી દુર થાય તેવી પ્રાર્થના કરશે.


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભગવાન રામનો જન્મોત્સવ લોકો ઘરમાં રહીને ઉજવશે, સુંદરકાંડના પાઠ, શ્રીરામ સ્તોત્રના પાઠ કરશે, રામનવમીની પુજાનું શુભમુહૂર્ત સવારે 11.2 થી બપોરે 1.38 સુધીનું શ્રેષ્ઠ, ભગવાન વિષ્ણુના સાતમા અવતારના રૂપમાં શ્રીરામ પૂજાય છે, બપોરે 12 વાગ્યે તેમનો જન્મ થયો હતો આથી 12 વાગ્યે રામ જન્મોત્સવ ઉજવાય છે.


Related News

Loading...
Advertisement