આખા ગુજરાતમાં વેન્ટીલેટર પર માત્ર 353 દર્દી: રાજકોટમાં 400થી વધુ વેન્ટીલેટર બેડ છતાં સાત દિવસથી એક પણ ખાલી નથી

22 April 2021 06:33 AM
Rajkot Gujarat
  • આખા ગુજરાતમાં વેન્ટીલેટર પર માત્ર 353 દર્દી: રાજકોટમાં 400થી વધુ વેન્ટીલેટર બેડ છતાં સાત દિવસથી એક પણ ખાલી નથી

હળાહળ જુઠાણું: સરકારી આંકડા પર કેટલો ભરોસો કરવો ? : સરકારે જાહેર કર્યા મુજબ આજની તારીખે વેન્ટીલેટર ઉપર આખા રાજ્યમાં 353 દર્દીઓ જ દાખલ હોય તો પછી રાજકોટમાં જે વેન્ટીલેટર બેડ ઉભા કરાયા છે તે શા માટે ફૂલ છે ? : આંકડાની માયાજાળ રચવામાં સરકાર ગોથું ખાઈ ગયાનો સાક્ષાત્ પૂરાવો આ રહ્યો... : શું રાજકોટ ગુજરાતની બહાર આવે છે કે અહીં કેટલા દર્દીઓ વેન્ટીલેટર પર રહેલા છે તેની વિગત સરકાર જાહેર કરતી નથી ? આજની તારીખે રાજકોટમાં એક પણ બેડ સરળતાથી મળી જાય તો જગ જીત્યા સમાન ગણાશે !

રાજકોટ, તા.21
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને અત્યારે કોરોનાએ પોતાના અજગરીભરડામાં સમાવી લીધું છે જેના કારણે લગભગ દરેક હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે. આ વખતનો વેવ વધુ ખતરનાક હોવાને કારણે અનેક દર્દીઓને વેન્ટીલેટર પર રાખવા પડી રહ્યા છે જેના કારણે સમગ્ર રાજ્યમાં વેન્ટીલેટર બેડની અછત વર્તાઈ રહી છે અને આ બેડ માટે દર્દીના સ્વજનો રીતસરના રઝળપાટ કરતાં જોવા મળી રહ્યા છે.

બીજી બાજુ સરકાર હજુ પણ આંકડાની માયાજાળ રચવામાંથી બહાર આવતી ન હોય તેવી રીતે કોરોનાને કાબૂમાં લેવાની જગ્યાએ ખોટે ખોટા આંકડાઓ જાહેર કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરી રહી છે. સરકાર કેટલી હદે આંકડામાં ગોલમાલ કરે છે તેનો વધુ એક સચોટ પૂરાવો ઉડીને આંખે વળગી રહ્યો છે. સરકાર દ્વારા સત્તાવાર રીતે એવું જાહેર કરવામાં આવ્યું છે કે આખા રાજ્યમાં અત્યારે 353 દર્દીઓ વેન્ટીલેટર ઉપર સારવાર મેળવી રહ્યા છે.

ચાલો, એક ક્ષણ માટે માની પણ લઈએ કે આટલા જ દર્દીઓ સારવાર મેળવી રહ્યા હશે ત્યારે એકલા રાજકોટમાં જ વેન્ટીલેટરના 400થી વધુ બેડ ઉભા કરવામાં આવ્યા છે તે આજની તારીખે જ નહીં પરંતુ અત્યારની ક્ષણે હાઉસફૂલ છે ત્યારે રાજકોટમાં વેન્ટીલેટર ઉપર રહેલા દર્દીનો આંકડો જ આખા રાજ્યના દર્દીઓ કરતાં વધી જાય છે !
રાજકોટના આજની તારીખે સિવિલમાં 240 વેન્ટીલેટર બેડની વ્યવસ્થા છે જે તમામ ફૂલ છે.

આ ઉપરાંત 30થી વધુ ખાનગી હોસ્પિટલોમાં એકથી લઈને દસ સુધીના વેન્ટીલેટર બેડ તૈયાર કરાયા છે અને તે તમામ પણ ફુલ થઈ ગયા છે ત્યારે એકલા રાજકોટમાં જ 400થી વધુ વેન્ટીલેટર બેડ ઉપર અત્યારે દર્દીઓ દાખલ છે પરંતુ સરકાર જાણે કે રાજકોટ ગુજરાતની બહાર આવતું હોય તેવી રીતે અહીં રહેલા દર્દીઓનો આંકડો મેળવીને જાહેર કરવાને બદલે એવું જાહેર કરી દીધું છે કે આખા રાજ્યમાં અત્યારે 353 દર્દીઓ વેન્ટીલેટર ઉપર સારવાર મેળવી રહ્યા છે.

સરકારે જે આંકડો જાહેર કર્યો છે તેના કરતાં વધુ દર્દીઓ તો એકલા રાજકોટમાં જ વેન્ટીલેટર ઉપર સારવાર મેળવી રહ્યા છે ત્યારે આ પ્રકારની ગોલમાલ શા માટે કરવામાં આવે છે તેનો જવાબ સરકારે આપવો જોઈએ. એકલા રાજકોટની જ વાત કરીએ તો શહેરમાં અત્યારે કોઈ દર્દીને વેન્ટીલેટર બેડ સરળતાથી મળી જાય તો તે જગ જીતી ગયાની લાગણી અનુભવશે એટલી કપરી હાલત હોવા છતાં સરકારને આંકડા છુપાવવામાં જ વધુ રસ હોય

તેવી રીતે ખોટે ખોટા આંકડા જાહેર કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. સરકાર દ્વારા આંકડાઓમાં કરવામાં આવતી ગોલમાલ વેન્ટીલેટર બેડ ઉપરથી જ પકડાઈ ગઈ છે ત્યારે હજુ દરરોજ મળી આવતાં કેસ, દરરોજ થતાં મૃત્યુ સહિતના આંકડાનું પણ સરવૈયુ કાઢવામાં આવે તો સરકાર દ્વારા જાહેર કરાતાં આંકડા અને વાસ્તવિક આંકડામાં જમીન-આસમાનનો ફરક જોવા મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 358માંથી 340 દર્દી ક્રિટીકલ ઉપર
સરકારે આંખો બંધ કરીને જાહેર કરી દીધું છે કે રાજ્યમાં કુલ 341 દર્દીઓ વેન્ટીલેટર ઉપર સારવાર મેળવી રહ્યા છે ત્યારે આ આંકડો સદંતર ખોટો હોવાનું એકલા રાજકોટમાં રહેલા વેન્ટીલેટર બેડ અને તેના પર સારવાર મેળવી રહેલા દર્દીઓએ ખોટો પાડી દીધો છે. બીજી બાજુ સુરતની વાત કરવામાં આવે તો એકલી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ 358 દર્દીઓમાંથી 340 દર્દીઓ અત્યંત ગંભીર હાલતમાં હોવાને કારણે તેમને એકીસજન પર મુકવામાં આવ્યા છે ત્યારે સરકારે શું માત્ર સુરતનો જ વેન્ટીલેટર બેડનો આંકડો જાહેર કરી દીધો છે કે કેમ ? તે પણ તપાસનો વિષય છે.

કઈ તારીખે રાજ્યમાં વેન્ટીલેટર પર કેટલા દર્દીઓ દાખલ ?
તારીખ - દાખલ દર્દી
14 એપ્રિલ - 254
15 એપ્રિલ - 267
16 એપ્રિલ - 283
17 એપ્રિલ - 304
18 એપ્રિલ - 329
19 એપ્રિલ - 341
20 એપ્રિલ - 353


Related News

Loading...
Advertisement