રાત્રી કર્ફયુમાં માલવાહક વાહનોને અટકાવાયા, ફરજીયાત રૂા.500ની પહોંચ, ટ્રાન્સપોર્ટ એસો. લાલઘૂમ

22 April 2021 07:08 AM
Rajkot
  • રાત્રી કર્ફયુમાં માલવાહક વાહનોને અટકાવાયા, ફરજીયાત રૂા.500ની પહોંચ, ટ્રાન્સપોર્ટ એસો. લાલઘૂમ
  • રાત્રી કર્ફયુમાં માલવાહક વાહનોને અટકાવાયા, ફરજીયાત રૂા.500ની પહોંચ, ટ્રાન્સપોર્ટ એસો. લાલઘૂમ
  • રાત્રી કર્ફયુમાં માલવાહક વાહનોને અટકાવાયા, ફરજીયાત રૂા.500ની પહોંચ, ટ્રાન્સપોર્ટ એસો. લાલઘૂમ

રાજકોટમાં એક માત્ર થોરાળા પોલીસ મથક દ્વારા જ નિયમ વિરૂઘ્ધ કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ : રાજકોટ ગુડસ, ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ હસુભાઇ ભગદેવ દોડી ગયા, આજી ડેમ ચોકડી પાસે ટ્રકની લાંબી કતાર લાગી : એસોસીએશનની દલીલ બાદ ટ્રકને જવા દેવાયા, 4 દિવસથી હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ

રાજકોટ તા.21
શહેરની આજીડેમ ચોકડી પાસે રાત્રી કર્ફયુ દરમિયાન નીકળતા માલવાહન વાહનોને અટકાવી રૂા.500ની પહોંચ આપવામાં આવતી હોવાની જાણ થતા રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ હસમુખભાઇ ભગદેવ મોડી રાત્રે 1 વાગ્યે આજીડેમ ચોકડી દોડી ગયા હતા. થોરાળા પોલીસની કાર્યવાહીના પગલે ટ્રાન્સપોર્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે કર્ફયુ દરમિયાન આજીડેમ ચોકડી પાસે માલ વાહક વાહનોના થપ્પા લાગી ગયા હતા. થોરાળા પોલીસ એક ટ્રક ચાલકનું નામ અને ગાડી નંબરની નોંધ કરી રૂા.500ની પહોંચ પકડાવતી હતી. આ બાબતની જાણ થતા રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ હસમુખભાઇ ભગદેવ દોડી ગયા હતા અને કયાં સંદર્ભમાં કાર્યવાહી થઇ રહી છે તે અંગે પોલીસ પાસેથી વિગતો મેળવી હતી.

હસમુખભાઇએ સાંજ સમાચારને જણાવ્યું હતું કે હાલ કોરોનાની પરિસ્થિતિમાં કોમર્શીયલ વાહનોને કર્ફયુમાંથી મુકિત અપાઇ છે. કારણ કે તો જ જીવન જરૂરી વસ્તુઓ, મેડીકલ સુવિધાને લગતી સાધન-સામગ્રીઓ અને અન્ય પ્રોડકશન મટીરીયલ્સને લગતી વસ્તુઓ દેશના દરેક ખૂણે પહોંચી શકે. પરંતુ છેલ્લા ચારેક દિવસથી ભાવનગર, જામનગર, અમદાવાદ કે અન્ય શહેરોમાંથી રાજકોટમાં આવતા કે રાજકોટમાંથી પસાર થતા માલવાહક વાહનોને આજીડેમ ચોકડી પાસે અટકાવી દેવામાં આવે છે.

જેની જાણ થતાં હું રજૂઆત કરવા માટે આજી ડેમ ચોકડી ખાતે દોડી ગયો હતો. જયાં એક ટેબલ રાખી થોરાળા પોલીસનો સ્ટાફ ટ્રકના ડ્રાયવરને બોલાવી નામ નોંધણી કરતો હતો અને સાથે રૂા.500ની પહોંચ પણ આપવામાં આવતી હોવાનું ત્યાં હાજર ડ્રાયવરોએ મને જણાવ્યું હતું. જેથી મેં પોલીસને રજુઆત કરી હતી કે કર્ફયુમાં માલવાહક વાહનોને મુકિત છે. સરકારના જાહેરનામાઓ પણ મે બતાવ્યા હતા.

આ બધુ થયું ત્યારે થોરાળા પોલીસ મથકના પીઆઇ કાતરીયા પણ ત્યાં હાજર હતા. રજૂઆત બાદ ટ્રકને જવા દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી ટ્રકોને રોકવામાં આવ્યા હોવાની મને જાણ થઇ હતી. અગાઉ બે વખતની રજૂઆતો પછી પણ થોરાળા પોલીસના સ્ટાફ દ્વારા આ કાર્યવાહી શરૂ રખાઇ હતી. જેથી મે ટ્રાફિક એસીપી ચાવડાને રજૂઆત કરી તેમણે ટ્રકને નિયમ મુજબ જવા દેવા માટે ખાતરી આપી ત્યારબાદ ડીસીપી ઝોન-1 પ્રવિણકુમારને પણ રજૂઆત કરી હતી.

તેમણે પણ માલવાહક વાહનોને જવા દેવા સંમતિ દર્શાવી હતી. રાજકોટમાં અન્ય કોઇ પોલીસ મથક દ્વારા રાત્રી કર્ફયુમાં માલવાહક વાહનો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. એક માત્ર થોરાળા પોલીસ જ આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. જેથી ટ્રાન્સપોર્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

.... તો ટ્રકના પૈડા થંભાવી દેશું
કોરોના કાળમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનું ખૂબ જ મોટુ યોગદાન રહ્યું છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ હોય કે તબીબી સારવારને લગતી સામગ્રી, સાધનો, દવાઓ અન્ય વસ્તુઓ દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા ટ્રકો સતત દોડતા રહ્યા છે.

લોકડાઉન હતું ત્યારે પણ આ ટ્રકોના પૈડા અટકયા નહોતા, સરકારે પણ જીવન જરૂરી વસ્તુઓની અછત ન સર્જાય તે માટે માલવાહક કોમર્શીયલ વાહનોને મુકિત આપી હતી. માર્ગ વાટે થતુ કોમર્શીયલ ટ્રાન્સપોર્ટેશન દેશની મહત્વની કડી છે. જો કે છેલ્લા ચારેક દિવસથી થોરાળા પોલીસ દ્વારા માલવાહક વાહનોને અટકાવવામાં આવતા ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં ઘેરા પડઘા પડયા છે. અગાઉની બે રજૂઆતો બાદ પણ થોરાળા પોલીસે માલવાહક વાહનોને અટકાવી રાત્રી કર્ફયુમાં કેમ નીકળ્યા?

તેવુ કહી રૂા.500-500ની પહોંચુ પકડાવી દીધી જેને લઇ રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટેશન એસો.ના પ્રમુખ હસમુખભાઇ ભગદેવે રોષ સાથે જણાવ્યું હતું કે જો આવી રીતે જ ટ્રક ચાલકો, માલવાહકો વાહનોના ડ્રાઇવરોને હેરાનગતિ કરવામાં આવશે તો રાજકોટના તમામ માલવાહક વાહનોના પૈડા થંભાવી દઇ હડતાલ પર ઉતરી જશું.

પોલીસ કમિશ્નરને રજૂઆત
રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ હસમુખભાઇ ભગદેવ અને મંત્રી પરમરાજસિંહ રાણાના જણાવ્યા મુજબ માલવાહક વાહનોને કરાતી કનડગત મામલે અમે પોલીસ કમિશ્નરને રજૂઆત કરીશું. આ માટે પોલીસ કમિશ્નરનો સમય માંગવામાં આવ્યો છે. તેઓની માંગ રહેશે કે રાત્રી કર્ફયુ અને દિવસ દરમિયાન પણ માલવાહક વાહનોને આવન-જાવન માટે મુકિત આપવામાં આવે અગાઉના જાહેરનામા મુજબ જ કર્ફયુમ)ં પણ પરિવહનની છુટ મળે.


Related News

Loading...
Advertisement