રાજકોટમાં પણ કલાકો ચાલે તેટલો ઓકસીજનનો પુરવઠો!?!

22 April 2021 07:25 AM
Rajkot
  • રાજકોટમાં પણ કલાકો ચાલે તેટલો ઓકસીજનનો પુરવઠો!?!

એક ટોચના તબીબનો ઘટસ્ફોટ : તાત્કાલીક સપ્લાય ન થાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાવાનો ભય : જોકે રાજય સરકાર સાવધ : પુરવઠો સમયસર પહોંચી જવાની આશા

રાજકોટ, તા. ર1
દેશમાં સતત વધતા જતા કેસમાં દર્દીઓને ઓકસીજનની સૌથી વધુ જરૂર પડે છે તેવી પરિસ્થિતિ વચ્ચે દેશભરમાં ઓકસીજનની જે તંગી ઉભી થઇ છે તેમાં રાજકોટ પણ બાકાત નથી અને ખાનગી હોસ્પિટલનું સંચાલન કરતા એક ટોચના તબીબએ ઘટસ્ફોટ કર્યો હતો કે રાજકોટની અનેક હોસ્પિટલોમાં જયાં ઓકસીજન અને વેન્ટીલેટર પર છે તેવી હોસ્પિટલોમાં પણ કલાકો ચાલે તેટલો જ જથ્થો છે અને જો સપ્લાય તાત્કાલીક નહીં મળે તો પરિસ્થિતિ ગંભીર થવાની શકયતા છે.

આજે જિલ્લા કલેકટર દ્વારા પણ શહેરમાં ઓકસીજનનો પુરવઠો મર્યાદિત હોવાનું આડકતરી રીતે સ્વીકાર્યુ હતું અને સરકાર દ્વારા પુરવઠો મોકલાઇ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું જેમાં ખાનગી તબીબે સુર પુરાવતા કહ્યું કે રાજકોટમાં જે રીતે ઓકસીજન પરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તેથી કલાકોમાં જ નવા પુરવઠાની જરૂર પડશે અને અમે તે પરિસ્થિતિથી ચિંતિત છીએ આશા છે કે રાજય સરકાર દ્વારા તાત્કાલીક પુરવઠો આપવામાં આવશે અને પરિસ્થિતિ વણસશે નહીં.

રાજકોટમાં અલંગ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાંથી ઓકસીજનનો પુરવઠો મળે છે ઉપરાંત રાજકોટની કેટલીક ફેકટરીઓ સપ્લાય કરે છે. રાજય સરકારે આજે સવારે ઓકસીજન ઉત્પાદન કરતી તમામ ફેકટરીઓમાં એક નાયબ મામલતદાર તથા પીઆઇને બેસાડી દીધા છે અને તેઓ પુરવઠો અન્યત્ર કયાંય ન જાય અને સરકારી ચેનલ મારફત પહોંચે તેવી વ્યવસ્થા કરી છે તથા ઓકસીજનના ટેન્કરની સાથે પોલીસની પણ વ્યવસ્થા છે અને જીપીએસ લગાડાયા છે. આમ સરકારે પુરવઠાની સ્થિતિ જળવાઇ રહે તે માટે તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ હાલની સ્થિતિ જોતા તે ઓછી પડી રહી છે.


Related News

Loading...
Advertisement