હવે ડ્રાઈવ થ્રુ એડમીશન: સિવિલમાં દર્દીઓ માટે ડોમ ઉભા કરાયા

22 April 2021 07:30 AM
Rajkot
  • હવે ડ્રાઈવ થ્રુ એડમીશન: સિવિલમાં દર્દીઓ માટે ડોમ ઉભા કરાયા
  • હવે ડ્રાઈવ થ્રુ એડમીશન: સિવિલમાં દર્દીઓ માટે ડોમ ઉભા કરાયા
  • હવે ડ્રાઈવ થ્રુ એડમીશન: સિવિલમાં દર્દીઓ માટે ડોમ ઉભા કરાયા

રાજકોટમાં સતત વધતા જતા કેસ સામે તંત્રએ હવે દર્દીઓની સારવાર માટે નવી વ્યવસ્થા ગોઠવી : 108 સીધી ડોમમાં જશે: દર્દીઓની સારવાર માટે 50 તબીબો-પેરામેડીકલનાં 100નો સ્ટાફ તૈનાત: તાત્કાલીક સારવાર મળશે: હોસ્પીટલ બેડ ખાલી થતા જ અંદર ખસેડાશે

રાજકોટ તા.21
સૌરાષ્ટ્રના પાટનગર મનાતા રાજકોટની સીવીલ હોસ્પીટલમાં 108 એમ્બ્યુલન્સની દર્દીઓ ભરેલી લાઈનો હવે રોજીંદી બની ગઈ છે ત્યારે 108માં કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર માટે આવે ત્યારે સૌપ્રથમ સીવીલ હોસ્પીટલમાં આવા દર્દીઓને પ્રાથમીક તપાસ અને ઈમરજન્સી સારવાર આપવા માટે જીલ્લા કલેકટરે ખાસ ડોમ ઉભા કર્યા છે અને 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને હવે સીધી ડ્રાઈવ થ્રુ સારવાર આપવામાં આવશે તેવું જીલ્લા કલેકટરે રેમ્યા મોહને ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રના પાટનગર એવુ રાજકોટ કોરોના હોટસ્પોટ બની ગયુ છે. સીવીલ સહિતની તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલો કોરોના દર્દીઓથી છલોછલ થઈ ગઈ છે. દરરોજ 700થી વધારે કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાય છે. સાથોસાથ મૃત્યુઆંક પણ વધતો જાય છે. કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સતત દોડાદોડી કરી રહી છે. સીવીલ હોસ્પીટલમાં સારવાર લેવા આવતા કોરોના પોઝીટીવ દર્દીઓને ચૌધરી હાઈસ્કુલના મેદાનમાંથી સીવીલ, સમરસ, કેન્સર, ઈએસઆઈ કે અન્ય કોવિડ કેર સેન્ટર દાખલ કરવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ માટે થઈ જીલ્લા કલેકટર રેમ્યા મોહને ચૌધરી હાઈસ્કુલ મેદાનમાં હવે કોરોના પોઝીટીવ દર્દીઓને લઈને આવતી 108 એમ્બ્યુલન્સમાંથી દર્દીઓને સ્થળ પર જ તપાસ કરવા માટે ખાસ ડોમ ઉભા કર્યા છે. 108 એમ્બ્યુલન્સમાં આવતા કોરોના દર્દીઓની સારવાર માટે 50 તબીબો અને 100 નર્સ તાબડતોડ મુકવામાં આવ્યા છે. રાજકોટની ચૌધરી હાઈસ્કુલ ખાતે ખાસ ઉભા કરવામાં આવેલા ડોમમાં 108 એમ્બ્યુલન્સમાં આવતા કોરોના દર્દીઓની સૌપ્રથમ તબીબ દ્વારા તપાસ કરવામાં આવશે અને ગંભીર પ્રકારના દર્દી હોય તો સીવીલ હોસ્પીટલ ખાતે બેડ ઉપલબ્ધ થયે દાખલ કરવામાં આવશે.

દરમ્યાન હળવા લક્ષણ ધરાવતા કોરોના દર્દીઓને લાંબો સમય સુધી એડમીશન માટે ઉભુ ન રહેવુ પડે તે માટે થઈને સમરસ, કેન્સર કે ઈએસઆઈ હોસ્પીટલમાં દાખલ કરી દેવાની તજવીજ શરુ કરવામાં આવશે. આ માટેનું પેપરવર્ક કરવા માટે પણ 200થી વધુ એટેન્ડન્ટને નિમણુંક આપવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સમાં આવતા કોરોના દર્દીઓને ઝડપથી દાખલ કરવામાં આવે અને સારવાર શરુ થાય તે માટે થઈને હવે ચૌધરી હાઈસ્કુલ ખાતે વિશાળ ડોમ ઉભા કરવામાં આવ્યા છે અને ડ્રાઈવ થ્રુ સારવાર શરુ કરવાનું નકકી કરી દેવામાં આવ્યું છે. આ માટે થઈને સ્ટાફ પણ મુકી દેવામાં આવ્યો છે.

આવા સ્ટાફની નિમણુંક માટે આઈએમએ સાથે બેઠક કરવામાં આવી હતી અને ખાનગી તબીબો સેવા આપવા આવે તે માટે થઈને સમજૂતી કરવામાં આવી છે. બીજી તરફ કોરોના બેડ વધારવા માટે અને ઓકસીજન પાઈપલાઈન ઝડપથી ફીટ થાય તે માટે થઈને બહારના રાજયોમાંથી પણ કારીગરોને બોલાવવામાં આવ્યા છે અને રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી હોવાનું અંતમાં જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement