જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો પણ કોરોનાની નાગચુડમાં

23 April 2021 03:08 AM
Jamnagar Saurashtra
  • જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો પણ કોરોનાની નાગચુડમાં
  • જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો પણ કોરોનાની નાગચુડમાં
  • જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો પણ કોરોનાની નાગચુડમાં

જામનગર શહેરમાં એપ્રિલ માસમાં 82 હજારથી વધુ કોરોના ટેસ્ટ કરી 4 હજારથી વધુ પોઝીટીવ દર્દીઓ શોધી કઢાયા: જામનગર ગ્રામ્યમાં ગઇકાલે કોરોના વધુ વકરતા રેકર્ડબ્રેક 202 કેસ નોંધાયા: શહેર ઉપરાંત ગ્રામ્યમાં પણ કોરોનારૂપી કરોળીયાની ઝાળ વધુ પ્રસરતા આરોગ્ય તંત્ર ઉપર દર્દીની સારવારનો કમ્મરતોડ બોજ: તબીબી સ્ટાફ, નર્સીગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓ દિવસ-રાત એક કરીને દર્દીની સારવારમાં જોતરાયા છે ત્યારે લોકોએ કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરીને આત્મરક્ષા કરી તંત્રનો કાર્યબોજ ઘટાડવામાં યોગદાન આપવું જરૂરી

જામનગર તા.22:
જામનગરમાં ગઇકાલે અત્યાર સુધીના તમામ રેકર્ડ કોરોના કેસે તોડી નાખ્યા હતા અને પ્રથમ વખત અધધ 500થી વધુ કેસ નોંધાયા હતા. કોરોનાના પોઝીટીવ કેસની દ્રષ્ટીએ ગઇકાલનો દિવસ સૌથી ખતરનાક રહેવા પામ્યો હતો. ખાસ કરીને જામનગર ગ્રામ્યમાં ગઇકાલે 200થી વધુ કેસ નોંધાયાનું જાહેર કરવામાં આવ્યું હતું.


જામનગરમાં ગત વર્ષની પાંચમી એપ્રિલથી કોરોનાનો કકળાટ શરૂ થયો હતો. જામનગરની ભાગોળે આવેલા દરેડ વિસ્તારમાં રહેતા મુળ ઉત્તરપ્રદેશના વતની એવા એક મુસ્લિમ શ્રમિક પરિવારના 14 માસના બાળકને કોરોના થયાનું જાહેર થયું હતું અને કમનસીબે બે દિવસ બાદ આ બાળકનું મૃત્યું નિપજ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ બાળકના માતા-પિતાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી અને ત્યારે જામનગરનું વાતાવરણ પણ ખૂબ સારૂ હતુ છતા આ બાળકને કોરોનાનો ચેપ કયાંથી અને કેવી રીતે લાગ્યો ? તેનો જવાબ આજ સુધી તંત્ર આપી શકયું નથી. આ પછી 25 કે 26 દિવસ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. પરંતુ મે માસથી ધીમે-ધીમે કોરોનાએ જામનગરમાં અને ગ્રામ્યમાં ડેરા-તંબુ તાણવા શરૂ કર્યા હતા. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ગત વર્ષમાં સૌથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા હતા અને 2020માં સૌથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યું પણ આ સમયગાળા દરમ્યાન નોંધાયા હતા.


આ પછી ત્રણેક માસ સુધી કોરોના જાદુઇ રીતે નિયંત્રણમાં આવી ગયો હતો. જો કે કોરોનાનું સંક્રમણ તો ઓછુ હતું જ પરંતુ એટલી હદે પણ ઓછુ ન હતુ કે, કોરોના હતો નહી તેમ કહી શકાય. એવો પણ આક્ષેપ થઇ રહ્યો છે કે, ગુજરાતમાં ભાજપ સરકારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ઉપર સત્તા મેળવવા માટે ચુંટણીઓ યોજવા માટે બે માસ સુધી કોરોનાનું રિમોટથી સંચાલન કર્યુ હતું અને અધિકારીઓને દબડાવીને કોરોનાનું સંક્રમણ ઓછુ હોવાનું ચિત્ર ઉભુ કર્યુ હતું. પરંતુ પાપ છાપરે ચડીને પ્રોકારે તે કહેવત મુજબ સ્થાનિક સ્વરાજયની ચુંટણી જેવી પુરી થઇ તુરંત જ કોરોના બમણા જોરથી ફેલાવો શરૂ થયો હતો.


માર્ચ માસના અંતિમ સપ્તાહમાં કોરોનાએ લોકલ ટ્રેનમાંથી એકક્ષપ્રેસ ટ્રેન જેવી ઝડપ પકડી હતી અને 10મી એપ્રિલ બાદ આ ઝડપ બુલેટ ટ્રેન જેવી બની ગઇ છે. છેલ્લા 21 દિવસમાં કોરોનાના 82 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 4000થી વધુ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. કેન્દ્ર સરકારે અને ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને બરાબરની ઠમઠોરી પછી ટેસ્ટીંગની માત્રા તંત્રએ વધારી છે અને પરિણામે પોઝીટીવ કેસની માત્રામાં ઉછાળો આવ્યો છે. ટેસ્ટીંગ વધે અને પોઝીટીવ કેસ વધે તો તે ટુંકાગાળે ગમે નહી પરંતુ લાંબાગાળા માટે જનહિતમાં છે. કેમ કે વધુ પોઝીટીવ કેસ આવે અને વધુ ટેસ્ટીંગ અને ટ્રેસીંગ કરવામાં આવે તો કોરોનાની ચેઇનને તોડવામાં મદદ મળે.


કોરોનાના કેસ એપ્રિલ માસમાં રેકર્ડબ્રેક પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે ત્યારે ગઇકાલે તો જુના તમામ રેકર્ડ તુટી ગયા હતા. સૌ પ્રથમ વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા હતા. કોરોનાની પ્રથમ લહેરમાં આટલી સંખ્યામાં કેસ અમદવાદ અને સુરત જેવા મહાનગરમાં પણ કયારેક જ નોંધાયા હતા. જામનગર શહેરમાં સતત બીજા દિવસે ગઇકાલે કોરોનાના 300થી વધુ કેસ નોંધાયા હતા તો બીજી તરફ કોરોનાએ ગ્રામ્ય વિસ્તારને પણ વધુ તાકાતથી ધમરોળવાનું નક્કી કર્યુ હોય તેમ સૌ પ્રથમ વખત ગઇકાલે 202 કેસ નોંધાયા હતા. આ પહેલા તા.20ના રોજ જામનગર શહેરમાં 324 કેસ નોંધાયા હતા અને ગ્રામ્યમાં 159 કેસ નોંધાયા હતા. જો કે ગઇકાલે એક સારી બાબત એ પણ જોવા મળી હતી કે તા.20ના રોજ કુલ 483 કેસ સામે માત્ર 159 દર્દીઓ સ્વસ્થ થયા હતા. પરંતુ ગઇકાલે 509 કેસ સામે 261 દર્દીઓ સ્વસ્થ થયા હતા.


જામનગર શહેરની સાથોસાથ જામનગર ગ્રામ્યમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પરિણામે આરોગ્ય તંત્રની કામગીરી ઉપર કમ્મરતોડ ભારણ આવી પડયું છે. છેલ્લા પાંચ દિવસથી જી.જી.હોસ્પિટલમાં ગંભીર દર્દીઓનું પણ દાખલ થવા માટે વેઇટીંગ ચાલી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ, હોસ્પિટલ સ્ટાફ દર્દીઓની સારવાર માટે દિવસ-રાત એક કરી રહ્યો છે ત્યારે લોકોની પણ ફરજ છે કે, ગફલતમાં કે ગુમાનમાંરહ્યા વગર સ્વયંમ શિસ્ત રાખે અને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરીને વ્યવસ્થા તંત્રને મદદરૂપ બને.

 


Related News

Loading...
Advertisement