માસ્ક સિવાય વાહન ચાલકોને અન્ય કોઇ દંડ નહી કરવા સૂચના

23 April 2021 04:08 AM
Ahmedabad Gujarat
  • માસ્ક સિવાય વાહન ચાલકોને અન્ય કોઇ દંડ નહી કરવા સૂચના

કેબીનેટ બેઠકમાં ચર્ચા બાદ મુખ્યમંત્રીએ કોરોનાકાળમાં વાહન ચાલકોની તકલીફ દૂર કરવા અને માસ્ક સિવાયના દંડ નહી કરવા વાહન વ્યવહાર મંત્રી તથા ગૃહમંત્રીને સૂચના આપી : શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલનો નિર્દેશ

ગાંધીનગર તા.22
કોરોનાના કપરાકાળમાં આમ આદમીની આર્થિક હાલત ખરાબ થઇ છે અને સંક્રમણના કારણે હોસ્પિટલ સહિતના કામો માટે રઝળપાટ કરી રહ્યા છે. તેવા સમયે પોલીસ અમાનવીય રીતે વાહન ચાલકોને મેમા ફટકારતી હોવાનો મુદ્દો આજે રાજયમંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયો હતો અને મુખ્યમંત્રી દ્વારા વાહન ચાલકો પાસેથી માસ્ક સિવાયના કોઇ દંડ વસુલ નહી કરવાની પોલીસને સૂચના આપવામાં આવી હોવાનું રાજયના શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલે જણાવ્યું છે.

નર્મદા અને શહેરી ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રી યોગેશ પટેલે આજે એક યાદીમાં જણાવ્યું હતું કે આજની જ કેબીનેટ બેઠકમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોને આપવામાં આવતાં આડેધડ ટ્રાફિક મેમા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આવા વાહન ચાલકોને પોલીસ આરટીઓના મેમા ફટકારે છે. તેમાં ટુ વ્હીલરને 3 થી 4 હજાર તથા ફોર વ્હીલરને 8 થી 10 હજારનો દંડ થાય છે. વાહન ડીટેઇન કરવામાં હવે તો અઠવાડીયા સુધી છુટતા નથી.

વાહન ચાલકોએ આરટીઓમાં કલાકો સુધી લાઇનોમાં ઉભવુ પડે છે. લોકો અત્યારે કોરોના સંક્રમણની ઝપટમાં આવી રહ્યા છે. હોસ્પિટલે આવવા જવામાં મુશ્કેલીઓ પડે છે ત્યારે પોલીસને માનવીય વ્યવહાર અપનાવવા જોઇએ. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ તથા રાજય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને સૂચના આપી હતી કે હાલ પૂરતો પોલીસ દ્વારા માસ્ક સિવાયનો કોઇ દંડ વસૂલવામાં ન આવે, માસ્ક સિવાય અન્ય કોઇ ગુના દાખલ કરવામાં કે દંડ વસુલવામાં ન આવે, મંત્રીશ્રી યોગેશ પટેલે મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા આ ત્વરીત નિર્ણયની આવકારદાયક પગલુ ગણાવ્યું છે.


Related News

Loading...
Advertisement