રાજકોટમાં ઓકસીજનની તીવ્ર અછત

23 April 2021 04:23 AM
Rajkot Saurashtra
  • રાજકોટમાં ઓકસીજનની તીવ્ર અછત

‘પ્રાણને ટકાવતા’ પ્રાણવાયુની ખેંચ : કોરોના દર્દીઓના તૂટતા દમ :સરકારી-ખાનગી હોસ્પિટલોમાં દૈનિક જરૂરીયાત 110 ટનની સાપેક્ષમાં માત્ર 85 ટન જથ્થો જ આવે છે :હાઇ રિસ્કવાળા જિલ્લાઓને જરૂરીયાત મુજબ ઓકસીજન મળી રહે તે માટે સરકારે હાઇપાવર કમિટીની રચના કરી :રાજકોટની બે ડઝનથી વધુ ખાનગી હોસ્પિટલોમાં ગઇકાલથી ઓકસીજન નથી : મુખ્યમંત્રી સમક્ષ જથ્થો ફાળવવા કલેકટરે કરી રજુઆત

રાજકોટ તા.22
રાજકોટ શહેરમાં પ્રાણને અટકાવતા ઓકિસજનની તીવ્ર અછત ઉભી થતાં જિલ્લા કલેકટર તંત્ર ઉંધા માથે થઇ ગયું છે. આજે રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજનનો જથ્થો અપૂરતો હોવાની ધારદાર માંગણી ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સ દરમ્યાન રાજકોટ જિલ્લા કલેકટરે રૂપાણીને કરી હોવાનું જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું.


રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દૈનિક 110 ટન ઓકિસજનની જરૂરીયાત સામે છેલ્લા ત્રણ દિવસથી 80થી 85 ટન ઓકિસજનનો જથ્થો મળે છે. જેના કારણે ઓકિસજનની તીવ્ર અછત ઉપસ્થિત થઇ છે. ઓકિસજન ખૂંટી જવાથી મળતી વિગત મુજબ ગઇકાલે એક ખાનગી હોસ્પિટલમાં ત્રણ દર્દીઓના મૃત્યુ થયાની પણ વિગતો ચર્ચાઇ રહી છે. સાથો સાથ રાજકોટ જિલ્લા કલેકટરને હોપ કોવિડ હોસ્પિટલ, રંગાણી મેડીકલ કેર હોસ્પિટલ અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ સહિત અન્ય એકાદ ડઝન જેટલી ખાનગી હોસ્પિટલોએ ઓકિસજનનો જથ્થો પૂરો પાડવા લેખીત તેમજ મોબાઇલ ફોન દ્વારા માંગણી કરી હોવાનું બહાર આવ્યું છે.


રાજકોટ સહિત રાજયભરમાં કોરોના સંક્રમણ હાઇરેન્જ પર છે. આ વખતની લહેરમાં પ્રથમ વખત કોરોના પોઝીટીવ દર્દીઓને ઓકિસજન ઉપર લેવા પડે તેવો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. નિષ્ણાંત તબીબો એવુ જણાવે છે કે ઓકિસજન લેવલ ઘટી જતાં દર્દીઓના મોત થવાની શકયતા વધુ પ્રમાણમાં રહે છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી ખાનગી અને ખાનગી હોસ્પિટલમાં 110 ટન મીનીમમ જરૂરીયાત હોય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી 80 થી 85 ટન ઓકિસજન મળતો હોય ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓકિસજન આપી શકાતો નથી.


દરમ્યાન રાજય સરકારે તમામ જિલ્લાઓમાં ઓકસીજનની જરૂરીયાત સંદર્ભે હવે ગાંધીનગર લેવલેથી જ સપ્લાય કરવાની નવી નીતિ અમલી કરી છે. રાજય સરકારે જિલ્લાની જરૂરીયાત કરતાં 25 ટકા સરપ્લસ ઓકિસજનનો જથ્થો મળી રહે તે માટેનું આયોજન કરવા હાઇપાવર કમિટીની રચના કરી છે. ગુજરાતના ચાર મહાનગરોમાં ઓકિસજન સપ્લાય પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજય સરકાર રાત દિવસ કામ કરી રહી છે. ઓકિસજન સપ્લાય કરતાં તમામ એકમો 24/7 ચાલુ રાખવા રાજય સરકારે હુકમ કરી જિલ્લા વાઇઝ ઓકિસજન ઉત્પાદકોના કારખાના પર એક નાયબ મામલતદાર અને એક પોલીસને ફરજ તૈનાત કર્યા છે. સાથો સાથ ઓકિસજન લઇ જતાં વાહનોને જીપીએસ સીસ્ટમથી જોડવામાં આવ્યા છે

અને જે જગ્યાએ વાહન મારફત ઓકિસજન પહોંચાડવાનું હોય છે તેની સાથે પોલીસ પાયલોટીંગ પણ આપવાનું નકકી થયું છે. ઓકસીજન સપ્લાય નિયમીત થતાં હજુ એકાદ સપ્તાહ જાય તેવા સંકેત મળી રહ્યા છે. રાજય સરકાર તમામ જિલ્લાઓને જરૂરીયાતનો ઓકસીજનનો જથ્થો મળી રહે તે માટે એક સેન્ટ્રલાઇઝ પોલીસી બનાવી રહી છે અને કોર કમિટી કયા જિલ્લાને કેટલો જથ્થો જરૂરી છે અને કયાંથી આપી શકાય તે માટે મહેનત કરી રહી છે.દરમ્યાન રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજનની તીવ્ર અછત ઉભી થતાં જિલ્લા કલેકટર તંત્ર પણ ઉંધા માથે થઇ ગયું છે. આજે મુખ્યમંત્રીને પણ વિડીયો કોન્ફરનસ દરમ્યાન રાજકોટની ઓકિસજન પરિસ્થિતિ સંદર્ભે વિસ્તૃત વિગતો આપી જથ્થો પૂરો પાડવા જિલ્લા કલેકટરે ભાર પૂર્વ માંગ કરી હોવાનું અંતમાં જણાવાયું છે.

 

હવે જરૂર છે કોરોના સામે ‘રાજકોટ વિજયી ભવ’ના આશિર્વાદની! છેલ્લી ચૂંટણીઓમાં સત્તાધારી ભાજપનું સૂત્ર હતું. ‘રાજકોટ વિજયી ભવ’.. રાજકોટ સહિત પૂરા રાજયમાં ભાજપનું શાસન વર્ષોથી છે. પરંતુ કોરોનાએ આ સૂત્રને પરાજીત કરી દીધુ હોય એવું આ દ્દશ્યો પરથી લાગે છે. રાજકોટ સિવિલ હોસ્પીટલના પ્રવેશદ્વાર જેવા ચૌધરી હાઈસ્કુલ મેદાનમાં આવા દ્દશ્યો વધવા લાગ્યા છે. એક નિરાધાર વૃદ્ધાને હોસ્પીટલમાં દાખલ થવામાં લાઈનમાં રહેવું પડયું હોય. ગ્રાઉન્ડમાં જ ચાદર પાથરીને ઓકસીજન ચાલુ રાખવાની ફરજ પડી હતી. કોરોના સામે લોકો તો લાચાર છે જ, પણ સરકાર તો રીતસર હારી રહી હોય એવું લાગે છે. હવે રાજકોટને જરૂર છે. કોરોના પર ‘વિજયી ભવ’ના આશિર્વાદની.... જે કયારે મળશે અને કોણ આપશે એ જવાબ કોઈ પાસે નથી. (તસ્વીર: દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement