માનસિક તણાવમાં રહેતા કોરોના દર્દીઓના આપઘાતના બનાવ વઘ્યા

23 April 2021 05:55 AM
Rajkot Saurashtra
  • માનસિક તણાવમાં રહેતા કોરોના દર્દીઓના આપઘાતના બનાવ વઘ્યા

રાજકોટમાં ગઇકાલે ત્રણ કોરોના દર્દીએ આત્મહત્યા કરી જીંદગી ટુંકાવી : રાજયમાં છેલ્લા સપ્તાહમાં 6 દર્દીએ આપઘાત કર્યા :અગાઉ અમદાવાદમાં હોસ્પિટલની ટેરેસ પરથી ઝંપલાવી પોઝીટીવ આવેલા દર્દીએ મોત વ્હાલુ કરેલુ, ગોંડલના વાસાવડમાં કોરોનાગ્રસ્ત વૃઘ્ધે છરીથી પોતાનું ગળુ કાપી નાખ્યુ’તું

રાજકોટ તા.22
દરરોજ કોરોનાના કેસો અને મૃત્યુઆંકની સાથે સાથે હવે હોસ્પિટલોની સ્થિતિને જોઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઘણા લોકો એવા પણ છે કે જેમને કોરોના થતાં જ માનસિક રીતે અંદરથી ભાંગી પડે છે અને આપઘાતનું પગલુ ભરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના દર્દીના આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે જે ચિંતાજનક છે.રાજકોટમાં ગઈકાલે કોરોના શંકાસ્પદ અને કોરોનાના પોઝિટિવ સહિત 3 લોકોએ આત્મહત્યા કરી લીધી. જેમાં સમરસ હોસ્ટેલના કોવિડ કેસ સેન્ટરમાં એક મહિલાએ પાંચમા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો. જ્યારે શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા પારિજાત રેસિડેન્સીમાં હોમ ક્વોરન્ટાઈ કોરોના પોઝિટિવ દર્દીએ ગળાફાંસો લગાવી જિંદગી ટૂંકાવી તેમજ 150 ફૂટ રિંગ રોડ, ગોકુલ રેસિડેન્સીમાં રહેતા કારખાનેદારે કોરોનાની શંકામાં આપઘાત કરી લીધો હતો.


પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ પારીજાત રેસીડેન્સીનાં બ્લોક નં.111 માં ભાડે રહેતા મેહુલભાઈ ગોરધનભાઈ હીરપરા(ઉ.વ.47) જે કોરોના પોઝીટીવ દર્દી હતા અને છેલ્લા 12 દિવસથી હોમ કવોરન્ટાઈન હતા. તેમણે સવારના સમયે પોતાના ઘેર રૂમને અંદરથી બંધ કરી છતના હુક સાથે દોરી બાંધી ગળાફાંસો લગાવી લીધો હતો. તેમના પરિવારના સભ્યોએ 12 વાગ્યા આસપાસ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ખોલ્યો ન હોવાથી કંઈક અજુગતુ થયાની જાણ થતા દરવાજો કોઈપણ રીતે ખોલી અંદર જોતા મેહુલભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પરિવારમાં રોકકકડ મચી ગઈ હતી. મેહુલભાઈ 12 દિવસથી કોરોના પોઝીટીવ હોવાથી હોમ કવોરન્ટાઈન રહી સારવાર મેળવી રહ્યા હતા. તેઓ ફેશન ડીઝાઈનીંગનો વ્યવસાય કરતા હતા સંતાનમાં એક પુત્રી છે. કોરોના પોઝીટીવ આવ્યા બાદ મેહુલભાઈ ગુમસુમ રહેતા હતાશાનાં કારણે આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમીક તપાસમાં તારણ નીકળ્યુ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


બીજા એક બનાવમાં 150 ફૂટ રિંગ રોડ પર, આસ્થા ચોકડી પાસે આવેલા ગોકુલ રેસીડેન્સીમાં રહેતા અને વાવડીમાં કારખાનું ધરાવતા સંજયભાઈ પરસોત્તમભાઈ બુસા (ઉ.વ.38)ને છેલ્લા દસેક દિવસથી ગાળામાં બળતરા થતી હોવાથી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ સંજયભાઈના ગળાની બળતરા ઓછી ન થતી હોવાથી પોતાના ભાઈ સાથે દવા લેવા માટે ગયા હતા અને બળતરાનું સચોટ કારણ જાણવા હોસ્પીટલમાં અન્ય રિપોર્ટ પણ કરાવ્યા હતા.બીજા રીપોર્ટ આવવામાં હજુ બાકી હોવાથી સંજયભાઈ ઘરે ગયા હતા જયારે તેના ભાઈ રીપોર્ટ લેવા માટે રોકાયા હતા.ઘરે જઈ સંજયભાઈએ ગઈકાલે સવારે 11 વાગ્યા આસપાસ પંખા સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી હતી. પરિવારજનોને જાણ થતા તુરંત સંજયભાઈને લટકતી હાલતમાંથી ઉતારી સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. જયાં તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો સંજયભાઈએ કોરોનાની શંકામાં ગભરાટમાં આવી આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમીક તારણ પોલીસને જાણવા મળ્યુ છે,. સંજયભાઈને સંતાનમા એક પુત્રી છે. તાલુકા પોલીસનાં હેડ કોન્સ. આર.જી.ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.


ગઈકાલે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ સમરસ હોસ્પિટલ બનાવાયેલી કોવિડ હોસ્પિટલના બી વિંગમાં પાંચમા માળે દાખલ નિરુબેન રમેશભાઈ (ઉ.વ.53, રહે તિરુપતિ સોસાયટી મોરબી રોડ, રાજકોટ)એ પાંચમા માળેથી જંપલાવી મોત વ્હાલું કર્યું હતું. ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.ગોંડલ તાલુકાના વાસાવડ ગામે આવેલ દરગાહમાં ગળુ કપાયેલી હાલતમાં વૃદ્ધની લોહીથી લથબથ લાશ મળી આવી હતી. પોલીસ કાફલાએ આ ઘટનામાં આ મરનાર વૃદ્ધની ઓળખ મેળવવા તપાસ કરતા માલુમ પડયુ હતું કે મરનાર વૃદ્ધ ગોંડલના વોરાકોટડા રોડ ઉપર રહેતા જેન્તીભાઇ બાબુભાઇ જોટંગીયા છે પોલસે તેમના પુત્રનો સંપર્ક કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખ બતાવી છરી પણ પોતે સાથે ઘરે રાખતા હોવાનું જણાવ્યું હતુ. જેન્તીભાઇના પુત્રોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જેન્તીભાઇની તબીયત તાદુરસ્ત રહેતી હતી અને રીપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યા અને ઘરે ઓકસીજનથી સારવાર ચાલી રહી હતી દરમિયાન સવારના કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા નાના પુત્ર ફોન કરી તપાસ કરતા જણાવ્યું હતું કે હું મોવિયા ગામ પાસે છું સુરક્ષીત થોડીવારમાં ઘરે આવી જઇશ પરંતુ ખાસો સમય સુધી ઘરે ન આવતા પોલીસનો ફોન આવતા આ ઘટનાની જાણ થઇ હતી.


આ પહેલા અમદાવાદના ઈસનપુરમાં રહેતા 65 વર્ષીય રસિકભાઈ ઠાકોરને કોરોના પોઝિટિવ આવતા એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે શારદાબેન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે, કોરોના પોઝિટિવ આવ્યા હોવાને કારણે તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. અને તેથી જ હોસ્પિટલના પાંચમા માળેથી છલાંગ લગાવી તેમણે આપઘાત કરી લીધોહતો. બનાવ બાદ કોટડા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી.


અન્ય એક બનાવમાં રાજકોટના સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજૂરી કરતા સુનીલભાઈ રતનશીભાઈ ભલસોડ (ઉ.વ.44)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 13 એપ્રિલના રાત્રે સંજીવની ગુરૂકુળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. રાત્રે બે વાગ્યે ડોક્ટર્સ તેમની પાસે ગયા હતા. તેઓ સ્ટેબલ હતા પરંતુ કોરોનાને કારણે માનસિક રીતે ખૂબ જ ડરી ગયા હોય તેવું વર્તન કરી રહ્યા હતા. દર્દી ડોકટરોને અવારનવાર એવું પૂછતા હતા કે, મારા પરિવારજનો કેમ મળવા આવતા નથી? આ દરમિયાન રાત્રે ડોક્ટરોએ વિઝિટ લીધા બાદ દર્દીએ પોતાને ચડાવવામાં આવી રહેલી ઓક્સિજનની નળી બારીની ગ્રીલ સાથે બાંધી ગળાફાંસો ખાઈ હોસ્પિટલમાં જ જિંદગી ટૂંકાવી લીધી હતી. સવારે હોસ્પિટલનો સ્ટાફ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ સમગ્ર બનાવ અંગે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આવા બનાવો વધી રહ્યા છે. ત્યારે જ લોકોએ ડરવાના બદલે કોરોના સામે સાવચેતી રાખવી જરૂરી બની છે.


Related News

Loading...
Advertisement