વેન્ટીલેટર બેડ નહિં મળતા જીલ્લા પંચાયતના ભાજપના મહિલા સભ્યના પતિનુ મોત

23 April 2021 06:30 AM
Rajkot
  • વેન્ટીલેટર બેડ નહિં મળતા જીલ્લા પંચાયતના ભાજપના મહિલા સભ્યના પતિનુ મોત

ભાજપના આગેવાનોની આવી હાલત, તો ‘આમ આદમી’ની કેવી દશા હશે? : ગત ટર્મમાં તાલુકા પંચાયતના સભ્ય ભરત ગોહેલ કોરોના સંક્રમિત થયા બાદ ઓકસીજન લેવલ ઘટી ગયુ, રાજકોટની કોઈ હોસ્પીટલે હાથ ન ઝાલ્યો છેવટે બેડ મેળવવાની રઝળપાટમાં ચાલુ વાહને જ દમ તોડયો: તેમના પત્નિ જીલ્લા પંચાયતના સભ્ય છે: શોકનું મોજુ : સરકાર-તંત્ર હવે તો વાસ્તવિકતા સ્વીકારે!

રાજકોટ તા.22
રાજકોટ શહેર સહિત સમગ્ર જીલ્લો કોરોનાના મહા ભયાનક ભરડામાં છે અને હોસ્પિટલ બેડ મેળવવા માટે ભટકતા લોકો લાચાર બની ગયા છે. તેવા સમયે રાજકોટ જીલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિનું વેન્ટીલેટર બેડ નહિં મળતાં કે સારવાર ઉપલબ્ધ નહિં બનતા નિધન થતાં અરેરાટી વ્યાપી છે. આઘાતજનક બાબત એ છે કે બેડ મેળવવાની રઝળપાટ વચ્ચે ચાલૂ વાહનમાં જ દમ તોડી દીધો હતો.

રાજકોટ જીલ્લાના કોળી સમાજનાં આગેવાન તથા ગત ટર્મમાં રાજકોટ તાલુકા પંચાયતમાં સભ્ય રહી ચુકેલા તથા ગત ચૂંટણીમા બેડલાની જીલ્લા પંચાયત બેઠકમાં ભાજપમાંથી પોતાના પત્નિ સવિતાબેનને લડાવી જીતાડનાર ભરતભાઈ ગોહેલનું કોરોનાથી મૃત્યુ નીપજયુ હતું. પારેવડા ગમાની વતની ભરતભાઈ ગોહેલનાં જ પારિવારિક મામાએ વાતચીતમાં કહ્યું હતું કે કોરોના વળગ્યા બાદ કુવાડવામાં જ સારવાર ચાલુ હતી.

તે દરમ્યાન ગઈકાલે વહેલી સવારે ઓકિસજન ઘટી ગયુ હતું. ગામનાં સરપંચ સહિતના આગેવાનોએ તાબડતોબ રાજકોટ ખસેડવાનું નકકી કર્યું હતું. રાજકોટની હોસ્પીટલમાં સારવાર માટેનાં પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.ઓકસીજન ઘણુ ઘટી ગયુ હોવાથી વેન્ટીલેટર બેડ અનિવાર્ય થઈ પડયો હતો. રાજકોટમાં વેન્ટીલેટર તો ઠીક સાદો બેડ પણ ઉપલબ્ધ થઈ શકયો નહોતો.

સિવીલ હોસ્પીટલથી માંડીને ખાનગી હોસ્પીટલનાં દરવાજા ખખડાવ્યા હતા. જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરને ફોન કરતાં તેઓએ સીવીલ હોસ્પીટલમાં ભલામણ કરી હતી પરંતુ તેમાં પણ ભરતી પ્રક્રિયામં સમય લાગે તેમ હતો એટલે ચાલૂ વાહને ઓકિસજન સીલીન્ડર સાથે ભટકતા રહ્યા હતા. સોરઠીયાવાડી સર્કલ નજીક એક નાનકડા દવાખાનાની લોબીમાં ગાદલુ પાથરીને રાખવાની સગવડ મળી હતી.

ત્યાં તબીબે તત્કાળ હોસ્પીટલમાં ખસેડવાની સુચના આપી હતી. ત્રંબામાં બેડ મળવાની શકયતા જણાતા વાહન હંકારવામાં આવ્યુ હતું. પરંતુ અધવચ્ચે જ ‘ના’ આવી જતાં વાહન પરત ફરવા લાગ્યા હતા. પરંતુ રસ્તામાં જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. ભરત ગોહેલ કોળી સમાજનાં અગ્રણી ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ શકિતશાળી અગ્રણીની છાપ ધરાવતા હતા.2015 માં તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસમાંથી લડયા હતા અને જીત મેળવી હતી પછી ભાજપમાં જોડાઈ ગયા હતા.

બે માસ પૂર્વે જીલ્લા પંચાયતની બેડલા બેઠક માટે ભાજપે તેમના પત્નિ સવિતાબેનને ટીકીટ આપી હતી અને આ બેઠક જીતી દેખાડીને રાજકીય તાકાતનો પરિચય આપી દીધો હતો. તેને પગલે તાલુકા પંચાયતના સંગઠનમાં પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યુ હતું. 35 વર્ષની યુવા વયે જ ભાજપ અગ્રણીનાં કોરોનાને કારણે મોત થતાં અરેરાટી છે જ પરંતુ તેનાથી વધુ આક્રોશ વેન્ટીલેટર કે સારવાર ન મળવાને કારણે મોત થવા સામે છે.

ભાજપના જ આગેવાનોએ નામ નહિં દેવાની શરતે એમ કહ્યું હતું કે લોકો અંતિમ શ્ર્વાસ લેતા હોવા છતા કોઈ હોસ્પીટલો હાથ નથી ઝાલતી. કોઈ સારવાર નથી કરતી.આ બિહામણી વાસ્તવિકતા છે. ભાજપના અગ્રણી માટે અનેક ભલામણો થવા છતાં તેઓ સારવાર ન મેળવી શકયા તો કોઈ વગ નહિં ધરાવતાં સામાન્ય લોકોની શું દશા થતી હશે તે સવાલ છે. સબ સલામત અને સુવિધા વધારવામા આવતી હોવાના દાવા કરતી સરકારે વાસ્તવિકતા સ્વીકારીને યુધ્ધના ધોરણે વ્યવસ્થા વધારવી પડે તેમ છે.


Related News

Loading...
Advertisement