શેરબજારમાં પ્રારંભીક ગાબડા બાદ જોરદાર તેજી: આંકમાં 327 પોઈન્ટનો ઉછાળો

23 April 2021 06:45 AM
Business
  • શેરબજારમાં પ્રારંભીક ગાબડા બાદ જોરદાર તેજી: આંકમાં 327 પોઈન્ટનો ઉછાળો

કોરોનાના કારણે ડીસ્કાઉન્ટ: બેંક-મેટલ શેરામાં ઉછાળો

રાજકોટ તા.22
મુંબઈ શેરબજારે કોરોનાના રેકોર્ડબ્રેક કેસ- મહારાષ્ટ્રના લોકડાઉન જેવા કારણોને ડીસ્કાઉન્ટ કર્યુ હોય તેમ આજે તેજીનો ઝોક હતો. બેંકોની આગેવાનીમાં હેવીવેઈટ શેરોમાં ઉછાળાના પ્રભાવ હેઠળ સેન્સેકસમાં 327 પોઈન્ટનો સુધારો હતો.

શેરબજારમાં આજે શરુઆત નબળા ટોને રહી હતી. દિલ્હી પછી મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન લાગુ પડયુ હોવાથી ઈન્વેસ્ટરો-ઓપરેટરો સાવધાનીભર્યુ વલણ અપનાવવા લાગ્યા હતા. મોટાભાગના શેરો નરમ હતા. પરંતુ બપોરે અચાનક ટ્રેન્ડ બદલાયો હતો અને માર્કેટે તેજીનો માર્ગ પકહી લીધો હતો. કોરોનાનો ગભરાટ ખંખેરાઈ ગયાની છાપ હતી. બેંક તથા સ્ટીલ શેરોમાં આકર્ષણ હતું.

જેએસડબલ્યુ સ્ટીલ, ટીસ્કો, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, વીપ્રો, અદાણી પોર્ટ, બજાજ ઓટો, ડો. રેડ્ડી, એચડીએફસી, આઈટીસી, કોટક બેંકમાં ઉછાળો હતો. શ્રી સિમેન્ટ, ટાઈટન, ટાટા કન્ઝયુમર્સ, હિન્દ લીવર, એશિયન પેઈન્ટસ તથા મહીન્દ્ર જેવા શેરો નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 327 પોઈન્ટના ઉછાળાથી 48033 હતો જે ઉંચામાં 48131 તથા નીચામાં 47204 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 96 પોઈન્ટના સુધારાથી 14393 હતો. જે ઉંચામાં 14424 તથા નીચામાં 14151 હતો. બેંક નિફટી 570 પોઈન્ટ તથા મીડકેપ આંક 110 પોઈન્ટ વધ્યા હતા.


Related News

Loading...
Advertisement