જીટીયુ દ્વારા તમામ સેમેસ્ટરની લેવાશે ઓનલાઇન પરીક્ષા

23 April 2021 06:49 AM
Rajkot
  • જીટીયુ દ્વારા તમામ સેમેસ્ટરની લેવાશે ઓનલાઇન પરીક્ષા

તા.27થી બી.ફાર્મ સેમ-1ની કસોટી : કોરોનાની મહામારીના પગલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

રાજકોટ તા.22
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ડિપ્લોમાથી લઈને યુજી અને પીજીની દરેક શાખાના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે જીટીયુ કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, અગાઉ પણ જીટીયુ દ્વારા સફળતાપૂર્વક ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરાયું હતું. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય સચવાય અને અભ્યાસ પણ ના બગડે તે હેતુસર, વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન.ખેરે જણાવ્યું હતું કે, જીટીયુ દ્વારા ઓનલાઈન પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આગામી તા.27 એપ્રિલથી બી-ફાર્મ સેમેસ્ટર-1ની ઓનલાઈન પરીક્ષા શરૂ થશે. જેને અનુસંઘાને જીટીયુ દ્વારા તાજેતરમાં જ બી-ફાર્મ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ માટે ટ્રાયલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં 85% વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક આ ટેસ્ટ આપ્યો હતો. અંતિમ સેમેસ્ટરના ડિગ્રીના 45000 અને ડિપ્લોમાના 30000 સહીતના કુલ 75000 વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં ઓનલાઈન પરીક્ષા આપશે.

વિદ્યાર્થીઓ લેપટોપ , ડેસ્કટોપ, મોબાઈલ અને ટેબ્લેટથી આ ઓનલાઈન પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા નથી, તેવા વિદ્યાર્થીઓ માટે જે કોલેજમાં અભ્યાસ કરે છે, ત્યાંથી પરીક્ષા આપી શકશે. આ કિસ્સામાં જે-તે સંસ્થાએ જીટીયુ દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ પ્રકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ ટ્રાયલ ટેસ્ટ આપવી ફરજીયાત છે. સફળતાપૂર્વક ટ્રાયલ ટેસ્ટ સબમીટ કરનાર વિદ્યાર્થી જ ફાઇનલ ઓનલાઇન પરીક્ષા આપી શકશે.

જે વિદ્યાર્થીઓ ટ્રાયલ ટેસ્ટ સફળતાપૂર્વક સબમીટ નથી કરી શકતા તેવા વિદ્યાર્થીઓની ઓફલાઈન એમસીક્યૂ પરીક્ષા સ્થિતિ સામાન્ય થતાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે જીટીયુ દ્વારા સ્ટુડન્ટ સપોર્ટ નંબર પણ જાહેર કરવામાં આવેલ છે. જીટીયુ દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. ગતવર્ષ જીટીયુએ સમર-2020માં પણ અંદાજે 80 હજાર વિદ્યાર્થીઓની સફળતાપૂર્વક ઓનલાઇન પરીક્ષાનું આયોજન કર્યું હતું.


Related News

Loading...
Advertisement