કોરોનામાં વાલીઓની કથળેલી આર્થિક હાલત છતાં સરકાર સ્કૂલ ફી વધારશે!

23 April 2021 06:59 AM
Ahmedabad Gujarat
  • કોરોનામાં વાલીઓની કથળેલી આર્થિક હાલત છતાં સરકાર સ્કૂલ ફી વધારશે!

કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીનો આક્ષેપ : ફી નિર્ધારણ કમિટી નવા દર નક્કી કરવાની કાર્યવાહી કરે છે : વાલીઓને રાહત આપવા માંગ

ગાંધીનગર તા.22
કોરોના મહામારીમાં ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોના પરીવારને ફીમાં રાહત આપવાની રજુઆત વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય ભાઈને પત્ર દ્વારા કરેલી ફી રાહત માટેની માંગણી અંગે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોષીએ ઉલ્લેખ કર્યો છે કે કોવિડ-19નો ચેપ બાળકોમાં ન લાગે તે હેતુથી 15મી માર્ચ 2020 થી શાળાઓ બંધ કરવાના આદેશો આપવામાં આવેલ જેને આજે એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે.

અમુક શાળા સંચાલકોએ તો અનુકૂળતા મુજબ ઓનલાઈન શિક્ષણ આપ્યું છે. કોરોના મહામારીનો હાલમાં સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. આવા કપરા સમય અને કોવિડનો સામનો કરવા રાજ્યના દરેક નાગરિકો અને દરેક રાજકીય પક્ષો પણ ઝઝુમી રહ્યા છે અને જે કાંઈ મદદરૂપ થઈ શકાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ સરકારની નજરતળે કોરોના મહામારીના સમયમાં ખાનગી શાળાઓને ફી રેગ્યુલેટરી કમિટિએ નવા શૈક્ષણિક વર્ષ 2021-22 માટે તોતિંગ ફી વધારા સાથે ફી મંજૂર કરવાની કાર્યવાહી પુર્ણ કરવા આગળ વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી શાળાઓ શરૂ થઈ નથી, હાલના સંજોગો જોતાં પાછલા વર્ષ કરતાં આગળનું વર્ષ વધુ કઠિન અને કપરૂ લાગી રહ્યું છે. હાલમાં તો મોટાભાગની શાળાઓએ ઓનલાઈન શિક્ષણ કાર્ય પણ બંધ કરી દીધું છે. તેમછતાં મોટાભાગની શાળાઓએ આગામી વર્ષ માટે ફી ભરવા માટે વાલીઓને નોટીસો આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. અને એવી કેફિયત વર્ણવી છે કે ફી રેગ્યુલેટરી કમિટિ (એફઆરસી)એ આગામી વર્ષ માટે તોતીંગ ફી વધારાને મંજૂરી આપવાની દિશામાં આગળ વધી રહી હોવાનો દાવો કર્યો હતો.


Related News

Loading...
Advertisement